Surat: સુરત શહેરમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. સિવિલ હોસ્પિટલના પરિસરમાં 26 વર્ષીય યુવતી ઝાડ પર લટકતી હાલતમાં મૃત મળી આવી હતી. સવારે આ દૃશ્ય જોવા મળતા હોસ્પિટલ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી.

શું છે સમગ્ર મામલો?

માહિતી મુજબ, મૃતક યુવતી પૂજા કુશવાહ, સુરતના હજીરા વિસ્તારમાં રહેતી હતી. તે દસ દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ હતી. તે સમયે પૂજા ગર્ભવતી હતી. સારવાર દરમિયાન તેણે બાળકને જન્મ આપ્યો હતો. જોકે, બાળક જન્મ્યા બાદ અચાનક જ પૂજા ગુમ થઈ ગઈ હતી. પરિવારજનોએ તેને શોધવા માટે ઘણી કોશિશ કરી હતી, પરંતુ આજે સવારે હોસ્પિટલના જ પરિસરમાં તેની લટકતી લાશ મળી આવતા સૌ કોઈ સ્તબ્ધ રહી ગયા હતા.

બાળક વેન્ટિલેટર પર

દુઃખની વાત એ છે કે, પૂજાએ જે બાળકને જન્મ આપ્યો હતો તે હાલ ગંભીર હાલતમાં વેન્ટિલેટર પર છે. એક તરફ બાળક જીવન માટે ઝઝૂમી રહ્યું છે, જ્યારે બીજી તરફ માતાના મોતથી પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે. આ ઘટના જાણતાં જ હોસ્પિટલ પરિસરમાં કરુણ દૃશ્યો સર્જાયા હતા.

પોલીસ તંત્ર હરકતમાં

યુવતીનો મૃતદેહ જોવા મળતા તરત જ હોસ્પિટલ તંત્ર અને પોલીસે ઘટનાસ્થળે દોડી આવી હતી. પ્રાથમિક તારણો મુજબ આ કેસ આત્મહત્યાનો હોવાનું જણાઈ રહ્યું છે. જોકે આત્મહત્યાનું સાચું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોના નિવેદન લેવામાં આવી રહ્યા છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો