Ahmedabad: અમદાવાદ શહેરમાં સુરક્ષા અને ટ્રાફિક ચેકિંગના નામે પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં વાહનચેકિંગ કરવામાં આવે છે. પરંતુ હવે શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સિંઘુ ભવન રોડ અને આસપાસના વિસ્તારોમાં એક શખ્સ પોતે ક્રાઇમબ્રાંચનો અધિકારી હોવાનું કહીને વાહનચાલકોને રોકતો અને કાગળોની તપાસના બહાને નાણાં પડાવતો હોવાની વિગતો બહાર આવી છે.
નકલી પોલીસની કરતૂતો સામે આવી
મળતી માહિતી મુજબ, આ નકલી પોલીસ રાત્રિના સમયે એકલો જ વાહનચાલકોને રોકી લેતો હતો. ખાસ કરીને તે એકલ દોકલ ફરતા યુવક અને યુવતીઓને ટારગેટ કરતો હતો. લાયસન્સ, આર.સી. બુક કે અન્ય વાહન સંબંધિત દસ્તાવેજોની માંગણી કરીને તેઓ પાસે કાયદાકીય કાર્યવાહી કે વાહન જપ્ત કરવાની ધમકી આપતો. લોકો કાયદાકીય ઝંઝટમાં ન ફસાય તે માટે ડરીને નાણાં આપી દેતા હતા. આ રીતે તેણે અનેક લોકોને તોડબાજીનો ભોગ બનાવ્યા હોવાની માહિતી સામે આવી છે.
કાળી બાઇક અને ખોટી ઓળખનો સહારો
આ નકલી પોલીસ કાળા રંગની નંબર પ્લેટ વિનાની બાઇક પર ફરતો હતો. પોતાની ઓળખ “ગઢવી” નામના ક્રાઇમબ્રાંચ અધિકારી તરીકે આપતો હતો. કાયદાની જાણકારી ન હોવાને કારણે અને ક્રાઇમબ્રાંચનું નામ સાંભળતા જ લોકો ભયભીત થઈ જતા. આ ડરનો લાભ લઈ તે શખ્સે મોડસ ઓપરેન્ડી વિકસાવી અનેક લોકો પાસેથી પૈસા પડાવ્યા.
અસલી પોલીસ સાથે અથડામણ પછી હકીકત ખુલ્લી પડી
થોડા દિવસ પહેલા આ નકલી પોલીસની પોલ ખુલી ગઈ હતી. અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા એક કર્મચારી પરિવાર સાથે સિંઘુ ભવન રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે આ શખ્સે તેમની કાર રોકી કાગળો માંગ્યા હતા. પરંતુ સામાન્ય રીતે વાહનચેકિંગ દરમિયાન એક જ વ્યક્તિ ચેકિંગ કરતું નથી. આ બાબત પરથી શંકા જતા પોલીસે તેની ઓળખ અંગે પૂછપરછ શરૂ કરી. જ્યારે અસલી પોલીસ કર્મીએ આઈડી કાર્ડ બતાવવા કહ્યું ત્યારે આ નકલી પોલીસ અચાનક ગાડીમાં કામ હોવાનું કહી ત્યાંથી ભાગી ગયો હતો.
પોલીસને મળ્યો નવો ચેલેન્જ
સુત્રોના જણાવ્યા મુજબ સ્થાનિક પોલીસને પણ આ શખ્સ અંગેની માહિતી મળી છે અને તેની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. હાલ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી, જેના કારણે તપાસમાં ચોક્કસ પુરાવા હાથ લાગ્યા નથી. તેમ છતાં આ ઘટના પોલીસ માટે ચિંતાનો વિષય બની ગઈ છે. કારણ કે નકલી પોલીસની આવી હરકતો માત્ર લોકોને છેતરતી નથી પરંતુ પોલીસ વિભાગની છબીને પણ નુકસાન પહોંચાડે છે.
ડરનો લાભ લઈ બનાવતો હતો શિકાર
આખી ઘટનામાં એક બાબત સ્પષ્ટ થાય છે કે લોકો કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે તરત જ નાણાં ચૂકવી દેતા હતા. આ જ માનસિકતાનો લાભ લઈ નકલી પોલીસ સતત તોડબાજી કરતો હતો. ખાસ કરીને યુવાન દંપતી કે એકલા ફરતા લોકો તેના શિકાર બનતા હતા.
પોલીસની અપીલ
પોલીસ વિભાગે નાગરિકોને ચેતવણી આપી છે કે શહેરમાં વાહનચેકિંગ દરમિયાન કોઈ પણ વ્યક્તિ પર શંકા થાય તો તરત જ 100 નંબર પર કૉલ કરીને પોલીસને જાણ કરવી જોઈએ. કોઈ વ્યક્તિ ક્રાઇમબ્રાંચ કે અન્ય વિભાગના અધિકારી હોવાનો દાવો કરે ત્યારે તેની ઓળખ પૂરતી ચકાસ્યા વગર નાણાં ચૂકવવા ન જોઈએ.
આ પણ વાંચો
- Pakistan: પાક-અફઘાન સરહદ પર તણાવ, સ્પિન બોલ્ડક-ચમન ક્રોસિંગ બંધ, અફઘાન દળો હાઇ એલર્ટ પર
- Botadના ખેડૂતોની મહાપંચાયતમાં ઘર્ષણ: પોલીસ પર પથ્થરમારો, અનેક લોકોની ધરપકડ
- Smriti mandhana: એક પછી એક રેકોર્ડ… સ્મૃતિ મંધાના અણનમ છે, પહેલી વાર મહિલા વનડેમાં આટલા બધા રન બનાવી રહી
- Netanayahu શાંતિ પ્રસ્તાવથી નાખુશ હતા; જાણો ટ્રમ્પે “ડેડ કેટ ડિપ્લોમસી” નો ઉપયોગ કરીને યુદ્ધવિરામમાં કેવી રીતે મધ્યસ્થી કરી
- Rajnikant: સિનેમાઘરો ફરી ધૂમ મચાવશે… કુલીની સફળતા પછી, રજનીકાંત આ દિગ્દર્શક સાથે જોડાયા છે.