Raju Karpada AAP : આમ આદમી પાર્ટીના કિસાન સેલ પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા Raju Karpadaએ સરકારની સ્વદેશી અપનાવવાની નીતિને સમર્થન આપ્યું હતું પરંતુ સરકારની બેવડી નીતિનો વિરોધ કરતા વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે ભાજપ સરકારે આજે સવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેની અંદર સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ વધારવાનું, આત્મનિર્ભર બનવાનું, જ્યાં સુધી આપણા દેશમાં વસ્તુઓ મળે છે ત્યાં સુધી બહારની વસ્તુઓ નહીં ખરીદવાની વગેરે વાતો કરવામાં આવી હતી. પરંતુ ભાજપ સરકારના દાંત હાથીના દાંત માફક છે જે ચાવવાના અને બતાવવામાં અલગ છે. સ્વદેશી વસ્તુઓ અપનાવવાની સાથે અમારું 100 ટકા સમર્થન છે પરંતુ આ જ સરકારે અન્ય દેશમાંથી કપાસની આયાત ઉપર ટેક્સ નાબૂદ કર્યા છે. આપણા દેશના ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે. ટેક્સ નાબૂદીના આ નિર્ણયને પણ અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ.
આજે સરકારે જ્યારે સ્વદેશી અપનાવવાની વાત કરી છે ત્યારે અમે ગુજરાત સરકારને કહીએ છીએ કે આ દેશના ખેડૂતોનો કપાસ બજારમાં આવ્યો છે તો વિદેશથી સસ્તો કપાસ આયાત બંધ કરો. જો તમને આ દેશના નાગરિકો પ્રત્યે લાગણી હોય, દેશના ખેડૂતો માટે લાગણી હોય તો બહારથી જે કપાસની આયાત થાય છે એના પર પ્રતિબંધ મૂકો. સ્વદેશી અપનાવવાની વાત સારી છે પરંતુ તમારા બહારથી કપાસ આયાત કરવાના નિર્ણયને કારણે ગુજરાતના ખેડૂતો બરબાદ થયા છે. ખેડૂતોની જણસ જ્યારે પણ બજારમાં આવે છે એની પહેલા બહારથી આયાત કરી લેવામાં આવે છે. દુનિયાના ખેડૂતો સાથે ગુજરાતના ખેડૂતોની હરીફાઈ કરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
અમે સરકારને વિનંતી કરીએ છીએ કે સ્વદેશી અપનાવવાની અને આત્મનિર્ભર બનવાની વાત પછી કરો પહેલા કપાસની આયાત બંધ કરો. બીજી વાત સવારથી લઈને સાંજ સુધી તમે જે શૂટ બુટ પહેરો છો,ઘડીયાળ-મોબાઈલ વાપરો છો એ કંઈ કંપનીના છે? શું એ ભારતમાં બને છે? જે ગાડીઓમાં ફરો છો એ કંપનીઓ ક્યાંની છે? તમે જાપાનની ગાડીઓ વાપરો છો. દેશના લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો. પહેલી અમારી વાત એ છે કે બહારથી તમામ જણસોની આયાત કરવાનું બંધ કરવામાં આવે. ખેડૂતો જે ઉત્પાદન કરે છે એ જણસના પૂરતા ભાવ મળે એવી વ્યવસ્થા સરકાર ઊભી કરે ત્યારબાદ જ આત્મનિર્ભર અને સ્વદેશી અપનાવવાની વાતો કરે. આ જે નાટકો થઈ રહ્યા છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ.