સુરત: ભારતીય શેરબજાર 26 સપ્ટેમ્બરની સવારે અચાનક દબાણ હેઠળ આવી ગયું. સેન્સેક્સ લગભગ 350 પોઈન્ટના ઘટાડા સાથે 80,820ના સ્તરે ગગડ્યો, જ્યારે નિફ્ટી પણ 100 પોઈન્ટ તૂટીને 24,780 સુધી પહોંચી ગયો. સવારના વેપારમાં સેન્સેક્સના 30માંથી 19 શેર લાલ નિશાનમાં હતા, જ્યારે માત્ર 11 શેર લીલા નિશાનમાં ટકી રહ્યા.
ફાર્મા સેક્ટરને સૌથી મોટો ઝટકો
સૌથી વધુ દબાણ ફાર્મા શેરો પર જોવા મળ્યું. સેક્ટર ઈન્ડેક્સ લગભગ 4% ગગડ્યો. મોટી કંપનીઓમાં સન ફાર્મા 2% ઘટ્યો, જ્યારે સિપ્લાનો શેર 1% ફસડાયો. આ ઉપરાંત ઓરોબિન્દો ફાર્મા, લ્યુપિન, ઝાયડસ લાઈફસાયન્સિસ અને ડૉ. રેડ્ડી જેવા શેરોમાં પણ ભારે વેચવાલી જોવા મળી.
આ ઘટાડાનું કારણ બન્યું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી નીતિ. ટ્રમ્પે બ્રાન્ડેડ અને પેટન્ટેડ દવાઓ પર 100% ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, જે 1 ઓક્ટોબર, 2025થી લાગુ થશે. આ સમાચાર બાદ ભારતીય ફાર્મા કંપનીઓના નિકાસ વ્યવસાય પર દબાણ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વૈશ્વિક સંકેતો પણ નબળા
માત્ર સ્થાનિક કારણો જ નહીં, પરંતુ વૈશ્વિક સંકેતો પણ બજારને નબળું પાડી રહ્યા છે.
– જાપાનનો નિક્કેઈ 0.41% ઘટીને 45,566.58 પર બંધ થયો.
– હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 0.61% તૂટીને 26,323 પર પહોંચ્યો.
– ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 0.18% ઘટીને 3,846 પર વેપાર કરી રહ્યો છે.
અમેરિકામાં ડાઉ જોન્સ 0.38% ઘટીને 45,947 પર બંધ થયો. નાસ્ડેક અને S&P 500 બંનેમાં લગભગ 0.50%નો ઘટાડો જોવા મળ્યો.
- લગાતાર બીજા દિવસે ઘટાડો
આ લગાતાર બીજો દિવસ છે જ્યારે બજારમાં દબાણ જોવા મળ્યું. 25 સપ્ટેમ્બરે પણ સેન્સેક્સ 556 પોઈન્ટ ગગડીને 81,160 પર બંધ થયો હતો, અને નિફ્ટી 166 પોઈન્ટ તૂટીને 24,891 સુધી લપસી ગયો હતો. તે દિવસે 30માંથી 26 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા.