સુરત: દોઢ વર્ષ પહેલાં એક હીરા વેપારી પાસેથી 1.35 કરોડ રૂપિયાના હીરા ઉધાર લઈને 1 કરોડ રૂપિયાથી વધુની ઠગાઈ કરનાર મુખ્ય આરોપી જિમિત જિતેન્દ્રકુમાર સવાણીને આર્થિક ગુના શાખા (EOW)એ વેસુમાંથી ઝડપી લીધો છે. દોઢ વર્ષ અગાઉ જિમિતે તેના પિતા જિતેન્દ્રકુમાર અરવિંદલાલ સવાણી અને ભાઈ ઋત્વિક જિતેન્દ્રકુમાર સવાણી સાથે મળીને 1.35 કરોડ રૂપિયાના હીરા ઉધાર લીધા હતા અને ચૂકવણીમાં હેરફેર કરીને વેપારીને ઠગ્યો હતો. પીડિત વેપારી મિલન અમરતલાલ દોશીએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. વેપારી પરંપરા મુજબ 45થી 60 દિવસમાં ચૂકવણીની ખાતરી આપવામાં આવી હતી. આ વિશ્વાસના આધારે 30 એપ્રિલ, 2024થી 26 સપ્ટેમ્બર, 2024 દરમિયાન કુલ 1,35,72,580 રૂપિયાના હીરા આંગડિયા મારફતે અને સીધા મોકલવામાં આવ્યા હતા.
શરૂઆતમાં આરોપીઓએ 34,79,800 રૂપિયાની ચૂકવણી કરીને વિશ્વાસ જાળવી રાખ્યો, પરંતુ બાકીના 1,00,92,780 રૂપિયા પરત કરવામાં ટાળમટોળ શરૂ કરી. પિતાએ વોટ્સએપ પર હાથે લખેલી એક હિસાબની પરચી મોકલી, જેમાં માત્ર 81,78,137 રૂપિયા બાકી દર્શાવ્યા. ત્યારબાદ તમામ આરોપીઓએ વેપારીનો નંબર બ્લોક કરી દીધો અને સંપર્ક તોડી નાખ્યો.
તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓએ વેપારી પરંપરા મુજબ ચિઠ્ઠીઓ પર હસ્તાક્ષર પણ કર્યા હતા, જે પુરાવા તરીકે ઉપલબ્ધ છે. જિમિત દોઢ વર્ષથી અમદાવાદમાં સંતાઈ રહ્યો હતો અને પંદર દિવસ પહેલાં સુરતના વેસુ વિસ્તારની જશ રેસિડેન્સીમાં ભાડે રહેવા આવ્યો હતો.