Mehsana: ગુજરાતમાં આગામી સમયમાં વિવિધ ચાર ઝોનમાં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ યોજાવાની છે. જેમાં તા. ૯ અને ૧૦ ઓક્ટોબર-૨૦૨૫ દરમિયાન મહેસાણા ખાતે ઉત્તર ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ પાંચ કેટેગરીમાં માઈક્રો સ્મોલ એન્ટરપ્રાઈઝ-MSE એવોર્ડ આપવામાં આવશે. 

ઉત્તર ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું ગણપત યુનિવર્સિટી, મહેસાણા ખાતે આયોજન કરાયું છે. જેમાં વિવિધ વિષયો અંગે સેમિનારો, B2B, B2G બેઠકો, પ્રદર્શનો યોજાશે. MSME ક્ષેત્રના ઉદ્યોગો માટે તા. ૧૦ ઓક્ટોબરે MSME કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી જિલ્લાઓના ઉદ્યોગકારો સહભાગી થશે. જેમાં પેનલ ડીસ્કશન, એક્ઝીબિશન તથા વેન્ડર ડેવલપમેન્ટના કાર્યક્રમો યોજાશે આયોજન છે.

 ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી જિલ્લાઓના  માઇક્રો તથા સ્મોલ એકમો માટે ઉત્ક્રૃષ્ટ પર્ફોર્મન્સ આધારીત વિવિધ પાંચ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવશે. જેમાં મહિલા ઉદ્યોગ સાહસિક – ૫૧ ટકા અને તેથી વધુ મહિલાઓની માલિકી ધરાવતા એકમો, યુવા ઉદ્યોગ સાહસિક, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ઉદ્યોગ તથા જનરલ કેટેગરી એવોર્ડ કે જેમાં ઉદ્યોગકારોનો ઉપરની કેટેગરીમાં સમાવેશ થતો નથી તે ઉદ્યોગકારો આ જનરલ કેટેગરીમાં અરજી કરી શકશે. 

નોંધનીય છે કે, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય તેવા પાત્રતા ધરાવતાં MSE ઉદ્યોગકારોએ વધુ માહિતી માટે સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરવા ઉદ્યોગ વિભાગની યાદીમાં જણાવાયું છે.