Porbandar: પોરબંદર મહાનગરપાલિકાએ આજે નાગરિકોને મોટી રાહત આપતાં વેરામાં 45 ટકા સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. દિવાળી પહેલા મળેલી આ ભેટથી પોરબંદરના નાગરિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વધારેલા વેરાને લઈને ભારે અસંતોષ હતો, ખાસ કરીને પાણી વેરો, ગટર વેરો અને સ્ટ્રીટ લાઈટ વેરાની વધેલી રકમોને કારણે નાગરિકો પર અસહ્ય બોજો પડતો હતો. અનેક જાગૃત નાગરિકો તેમજ સામાજિક સંગઠનો દ્વારા સતત વિરોધ બાદ આખરે વેરા ઘટાડાનો નિર્ણય જાહેર થયો છે.

જણાવી દઈએ કે ભાજપની અગાઉની બોડીએ વેરામાં મોટો વધારો કર્યો હતો. નવા પ્રતિનિધિઓએ વેરા ઘટાડાની જાહેરાત કરી હોવા છતાં અમલમાં કોઈ ફેરફાર ન થતાં લોકોમાં આક્રોશ હતો. અનેકવાર નગરજનોએ વિરોધ પ્રદર્શનો કરીને મનપા સામે પોતાની માંગણીઓ રજૂ કરી હતી. ખાસ કરીને પાણી અને ગટર વેરા બાબતે સામાન્ય નાગરિકો સૌથી વધુ પરેશાન હતા.

ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે નગરજનો તરફથી તેમજ ભાજપના કાર્યકરો અને આગેવાનો તરફથી વેરા ઘટાડવા માટે દબાણ આવી રહ્યું હતું. એ ઉપરાંત પોરબંદરના સાંસદ અને કેન્દ્ર સરકારમાં મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ પણ અધિકારીઓ સાથે બેઠક કરીને વેરા ઘટાડવા માટે સૂચના આપી હતી.

વેરામાં ઘટાડાની જાહેરાત મુજબ પાણી વેરો રહેણાંક માટે વર્ષના 1200 રૂપિયા ભરવાને બદલે હવે 600 રૂપિયા જ ભરવા પડશે. ગટર વેરો રહેણાંક માટે 600થી ઘટીને 350 રૂપિયા થશે, જ્યારે બિન-રહેણાંક ગટર વેરો 1200થી ઘટીને 600 રૂપિયા કરવામાં આવ્યો છે. સ્ટ્રીટ લાઈટ વેરામાં પણ મોટો ઘટાડો થયો છે. રહેણાંક માટે આ વેરો 300થી ઘટીને 100 રૂપિયા અને બિન-રહેણાંક માટે 500થી ઘટીને 200 રૂપિયા રાખવામાં આવ્યો છે.

ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદરના વેરાની સરખામણી અન્ય મહાનગરપાલિકાઓ સાથે કરતાં અહીં પહેલાથી જ દર ઓછા હતા, છતાં નગરજનોની માંગણી મુજબ એકસાથે વધારાયેલા દરોને પાછા ખેંચવાનો નિર્ણય લેવાયો છે. તેમણે કહ્યું કે નગરજનોએ વેરાના વધારાથી ભારે મુશ્કેલી અનુભવી હતી અને અનેક પરિવારો પર વધેલા દરો ભારે બોજા સમાન સાબિત થયા હતા.

આ નિર્ણય બાદ નાગરિકોમાં સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના વેપારીઓ અને રહેવાસીઓએ આ પગલાનું સ્વાગત કર્યું છે અને જણાવ્યું કે આર્થિક દૃષ્ટિએ કઠિન પરિસ્થિતિમાં આ નિર્ણય તેમને મોટી રાહત આપશે. ખાસ કરીને સામાન્ય વર્ગ માટે પાણી અને ગટર વેરામાં ઘટાડો જીવન જરૂરીયાતોની ખર્ચમાં મોટી બચત કરાવશે.

પોરબંદર મહાનગરપાલિકાનો આ નિર્ણય માત્ર નાગરિકોને રાહત આપતો નથી પરંતુ આવનારા દિવસોમાં વહીવટી વ્યવસ્થાને વધુ પારદર્શક અને પ્રજાલક્ષી બનાવશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકીય નિરીક્ષકોનું કહેવું છે કે દિવાળી પહેલાં લેવામાં આવેલા આ નિર્ણયને નાગરિકોમાં સરકાર અને શાસક પક્ષ પ્રત્યે સકારાત્મક સંદેશ આપવા માટેની વ્યૂહરચના તરીકે પણ જોવામાં આવી શકે છે.

આ રીતે પોરબંદરના નાગરિકોને લાંબા સમયથી ચાલી રહેલી માંગણીઓનો અંત મળ્યો છે. વેરામાં થયેલો આ ઘટાડો શહેર માટે રાહતરૂપ ભેટ સમાન સાબિત થઈ રહ્યો છે, જે દિવાળીના તહેવારમાં નાગરિકોના ચહેરા પર ખુશી લાવનાર બન્યો છે.

આ પણ વાંચો