Navsari: નવસારીના ટેટૂ આર્ટિસ્ટ અને ભાજપના પૂર્વ મિડિયા સેલ કન્વીનર જય અનિલભાઈ સોની (ઉંમર 33 વર્ષ)એ પાંચ મહિના પહેલાં નોંધાયેલા દુષ્કર્મ અને એટ્રોસિટીના ગંભીર કેસમાં પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી છે. જય સોની સામે એક આદિવાસી યુવતીએ લગ્નની લાલચ આપીને શારીરિક શોષણ કરવાનો આક્ષેપ કર્યો હતો. યુવતી ગર્ભવતી થતાં તેને ગર્ભપાત માટે દબાણ કરાયું હતું અને બાદમાં જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. આ કેસમાં લાંબા સમયથી ફરાર રહેલા આરોપીએ હવે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે.
ઘટનાની શરૂઆત દોઢ વર્ષ પહેલાં થઈ હતી, જ્યારે આદિવાસી યુવતી તેની એક મિત્ર સાથે નવસારી સ્થિત ‘ડ્રીમલેન્ડ’ ટેટૂ સ્ટુડિયોમાં ટેટૂ કરાવવા ગઈ હતી. ત્યાં સ્ટુડિયો માલિક જય સોનીએ યુવતીનો મોબાઈલ નંબર મેળવ્યો અને તેને મેસેજ મોકલવા લાગ્યો. મેસેજ દ્વારા તેણે યુવતીને પ્રેમનો પ્રસ્તાવ આપ્યો અને ધીમે ધીમે તેને પોતાની વાતોમાં ફસાવવાનો પ્રયાસ કર્યો. જય સોનીએ યુવતીને જણાવ્યું હતું કે તે પોતાની પત્નીને ડાયવોર્સ આપવાનો છે અને ત્યારબાદ તેની સાથે લગ્ન કરશે. આ લાલચમાં આવી યુવતી તેની સાથે સતત સંપર્કમાં રહી.
જય સોનીએ યુવતીને અલગ-અલગ સ્થળોએ લઈ જઈ તેના સાથે અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા. પરિણામે યુવતી ગર્ભવતી થઈ ગઈ. આ જાણ થતાં જય સોનીએ યુવતી પર ગર્ભપાત કરાવવા માટે દબાણ કર્યું અને ધમકી આપી કે જો ગર્ભપાત નહીં કરાવે તો તે લગ્ન નહીં કરે. બ્લેકમેઈલિંગ અને ધમકીઓથી ડરી ગયેલી યુવતીએ ખાનગી હોસ્પિટલમાં ગર્ભપાત કરાવ્યો.
ગર્ભપાત બાદ પણ જય સોની લગ્ન કરવા માટે બહાના કાઢતો રહ્યો. નિરાશ યુવતી અંતે તેના ઘેર પહોંચી અને તેના માતા-પિતાને સમગ્ર ઘટના જણાવી. પરંતુ યુવતીના બદલે જય સોનીના માતા-પિતાએ યુવતીનું અપમાન કર્યું. તેમણે જણાવ્યું કે “તારા જેવી જાતીની છોકરીને અમે ઘરકામ માટે પણ નહીં રાખીએ.” વધુમાં તેમણે ગાળો આપીને કહ્યું કે “અમારા પુત્ર સાથે તું અઢારમી છે.” એટલું જ નહીં, તેઓએ પોતાની ઓળખાણ પોલીસમાં મોટી હોવાની ધમકી પણ આપી. આ અપમાન અને ધમકીઓથી આઘાત પામેલી યુવતીએ આખરે પોલીસનો દરવાજો ખટખટાવ્યો.
નવસારી ટાઉન પોલીસમાં યુવતીએ આપેલી ફરિયાદના આધારે જય સોની સામે દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસ આરોપીની શોધખોળ શરૂ કરી, પરંતુ તે ફરાર થઈ ગયો. કાયદેસરની રાહત મેળવવા માટે તેણે પ્રથમ નવસારી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી, પરંતુ અરજી નકારી કાઢવામાં આવી. ત્યારબાદ તેણે ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો. અહીં તેણે એફઆઈઆર રદ કરવા અને આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી.
પરંતુ હાઈકોર્ટમાં પણ તેની અરજી સફળ રહી નહીં અને અંતે અરજી પાછી ખેંચવી પડી. ત્યારબાદ, બુધવારે જય સોનીએ નવસારીના એસ.સી.-એસ.ટી. સેલના ડી.વાય.એસ.પી. હરેશ યાંદુ સમક્ષ આત્મસમર્પણ કર્યું. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ શરૂ કરી છે.
આ કેસ નવસારી જિલ્લામાં ચકચાર મચાવનાર છે, કારણ કે આરોપી માત્ર ટેટૂ આર્ટિસ્ટ જ નહીં પરંતુ ભાજપના પૂર્વ મિડિયા સેલ કન્વીનર પણ રહી ચૂક્યો છે. સમાજના નબળા વર્ગની યુવતી સાથે છેતરપીંડી, દુષ્કર્મ અને ગર્ભપાત માટે દબાણ જેવી ઘટનાઓએ સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જગાવી છે. લોકોમાં ગુસ્સો છે કે રાજકીય ઓળખાણનો દુરુપયોગ કરીને આરોપીએ યુવતીનું શોષણ કર્યું અને ત્યારબાદ કાયદાથી બચવા પ્રયત્ન કર્યો.
હાલ પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ વધુ વિગતો જાણવા માટે તપાસ શરૂ કરી છે. ખાસ કરીને ગર્ભપાત કરાવનાર ખાનગી હોસ્પિટલ, યુવતી સાથે થયેલી મુલાકાતોની વિગતો અને આરોપી દ્વારા કરવામાં આવેલી ધમકીઓ અંગે પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. તપાસમાં આરોપી સામે વધુ ગંભીર તારણો સામે આવી શકે છે.
આ રીતે લાંબા સમયથી પોલીસને ચૂકી રહેલા જય સોનીનો આત્મસમર્પણ, પીડિત યુવતી માટે ન્યાયની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ કદમ સાબિત થઈ શકે છે. હવે જોવાનું રહેશે કે આ કેસ કાયદાકીય રીતે કેવી રીતે આગળ વધે છે અને યુવતીને ન્યાય મળે છે કે નહીં.
આ પણ વાંચો
- એસ. જયશંકરે ASEAN Summit દરમિયાન ન્યુઝીલેન્ડના પીએમ લક્સન અને મલેશિયાના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી, જેમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ
- US Shutdown ની અસર દેખાઈ રહી છે, સ્ટાફની અછતને કારણે ફ્લાઇટ્સ પર અસર પડી રહી છે, જેના કારણે ગભરાટ ફેલાયો છે.
- S Jaishankar એ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથે મુલાકાત કરી. જાણો બંને નેતાઓ વચ્ચે કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ.
- IND vs AUS : જસપ્રીત બુમરાહ પાસે T20 શ્રેણીમાં મોટો પ્રભાવ પાડવાની તક છે, અશ્વિનને પાછળ છોડી શકે છે
- Delhi ની એક વિદ્યાર્થીની પર એસિડ એટેકનો કેસ સંપૂર્ણપણે નકલી હતો, અને તપાસમાં ચોંકાવનારા થયા ખુલાસા





