AAP News: આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર સંગઠને વામ્બે આવાસ યોજના કો.ઓ.હા.સ.સો.લી. (વસ્ત્રાપુર) ના ગરીબ પરિવારોને ભાડા ચુકવણી બાબતે આજદિન સુધી કોઈ કાર્યવાહી ન થતા AUDA ચેરમેનને આવેદનપત્ર આપ્યું હતું. આ અવસરે આમ આદમી પાર્ટીના અમદાવાદ શહેરના નેતા ઉપ.પ્રમુખ- અમિત પંચાલ, ઉપ. પ્રમુખ- દિનેશભાઈ ટાંક, મહામંત્રી – જતીનભાઈ પટેલ, ઉપ- પ્રમુખ મહિલા લક્ષ્મીબેન વાઘેલા, સાબરમતી વોર્ડ પ્રમુખ- પ્રિતેશ પટેલ, સાબરમતી વોર્ડ મહામંત્રી – બાબુભાઈ પરમાર હાજરી આપી હતી. આ યોજના રીડેવલેપમેન્ટમાં જવાની હોવાથી સ્થાનિકોએ પોતાના મકાન ખાલી કરી આપ્યા હતા. આ રહીશોને તમારા વિભાગ દ્વારા જુદા જુદા સમયે કબજા સોંપણીના મામલતદાર / એસ્ટેટ અધિકારીની સહી સાથે જારી કરાયેલા પત્ર આપવામાં આવ્યા હતા. આ પત્રમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, રહીશોને,પાવર ઓફ એટર્ની ધારકો દ્વારા રી-ડેવલપમેન્ટ માટે મકાનનો કબજો સોંપવામાં આવ્યા બાદ, કબજો સોંપ્યાની તારીખથી ભાડાની ચુકવણી કરવામાં આવશે. તે મુજબ રહીશોએ પોતાના મકાનોનો કબજો AUDA ને સોંપી દીધો હતો. આ રહીશો હાલ ભાડાના મકાનમાં રહે છે અને પોતે ભાડું ચૂકવી રહ્યા છે. ગરીબ વર્ગના રોજ કમાઈને રોજ જીવતા લોકો માટે આર્થિક પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. કબજો સોંપ્યાને આશરે ૪ મહિના થઈ ગયા હોવા છતાં આજદિન સુધી કોઈને ભાડા પેટે એક પણ રકમ આપવામાં આવી નથી.

રહીશો વારંવાર લેખિત તથા મૌખિક રજુઆતો કરવા છતાં વિભાગ તરફથી કોઈ સકારાત્મક જવાબ આપવામાં આવ્યો નથી. ભાડા ભરવા માટે તેમણે તેમના સગા-સંબંધીઓ પાસેથી ઉછીના કે વ્યાજે રૂપિયા લેવા પડતા હોવાથી તેઓ વ્યાજના ચક્રમાં ફસાઈ ગયા છે અને તેમનો આર્થિક તેમજ માનસિક ત્રાસ વધી ગયો છે. મહત્વની બાબત એ છે કે આજદિન સુધી રી-ડેવલપમેન્ટ માટે ઈ-ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નથી અને તે ક્યારે થશે તે અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી. તેથી ગરીબ પરિવારોએ પોતાના મકાન હોવા છતાં ભાડા ભરવાનો વારો આવ્યો છે. આવા સંજોગોમાં આમ આદમી પાર્ટી(AAP) આ રહીશોને વહારે આવી છે. અમદાવાદ શહેર સંગઠને ચેરમેનને આવેદનવત્ર આપતા જણાવ્યું હતું કે, વામ્બે આવાસ યોજના કો.ઓ.હા.સ.સો.લી.ના તમામ રહેવાસીઓને કબજો સોંપ્યાની તારીખથી આજદિન સુધીના બાકી ભાડાની રકમ તાત્કાલિક ચુકવવામાં આવે. બીજું આગામી સમયગાળા માટે નિયમિત માસિક ભાડા ચુકવણીની પદ્ધતિ નક્કી કરવામાં આવે. અને રી-ડેવલપમેન્ટ પ્રક્રિયા અંગે પારદર્શક રીતે તાત્કાલિક માહિતી જાહેર કરવામાં આવે તેવી માંગણી કરી હતી