Gandhinagar: ગાંધીનગર નજીક અડાલજમાં બનેલા ચકચારી લૂંટ વિથ મર્ડર કેસનો મુખ્ય આરોપી સાયકો કિલર વિપુલ ઉર્ફે નીલ પરમાર પોલીસ એન્કાઉન્ટરમાં મોતને ભેટ્યો છે. પોલીસે ગઈકાલે (23 સપ્ટેમ્બર) તેને રાજકોટના માંડા ડુંગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આજે (24 સપ્ટેમ્બર) સવારે પોલીસ આરોપીને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે અંબાપુર નર્મદા કેનાલ નજીક ઘટના સ્થળે લઈ ગઈ હતી. આ દરમિયાન વિપુલ પરમારે અચાનક જ પોલીસ પર હુમલો કરી બંદૂક છીનવી લીધી અને ફાયરિંગ શરૂ કરી દીધું. પોલીસને ફરજિયાત સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું, જેમાં તે ઘટનાસ્થળે જ ઠાર થયો હતો.

કેવી રીતે થયો એન્કાઉન્ટર?

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપી વિપુલ પરમારને લઈને અંબાપુર કેનાલ પર પહોંચી હતી. ત્યાં રિકન્સ્ટ્રક્શન દરમિયાન તેણે અચાનક એક પોલીસકર્મચારી પર હુમલો કરી તેની સર્વિસ રિવોલ્વર છીનવી લીધી હતી. છીનવેલી બંદૂકમાંથી આરોપીએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો. પોતાની અને ટીમના અન્ય સભ્યોની સુરક્ષા માટે પોલીસે તરત જ જવાબી ફાયરિંગ કર્યું. આ ઘર્ષણમાં ગોળી વાગતા વિપુલ પરમારનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

શું હતી લૂંટ-મર્ડર ઘટના?

20 સપ્ટેમ્બરની મોડીરાત્રે અડાલજ વિસ્તારમાં આવેલા અમીયાપુર પાસે નર્મદા કેનાલ પર એક ભયાનક ઘટના બની હતી. સરદારનગર વિસ્તારમાં રહેતા વૈભવ નામના યુવકનો જન્મદિવસ હોવાથી તે પોતાની મિત્ર યુવતી આસ્થાની સાથે કેનાલ પાસે આવ્યો હતો. ત્યારે ત્યાં હાજર વિપુલ પરમારે તેમના પર હુમલો કર્યો હતો.

આ હુમલામાં વૈભવને તીક્ષ્ણ હથિયારથી અનેક ઘા ઝીંકી દેતાં તેનો ઘટનાસ્થળે જ કરુણ અંત આવ્યો હતો. જ્યારે તેની સાથી યુવતી આસ્થા અર્ધબેભાન અવસ્થામાં અનેક ઇજાઓ સાથે મળી આવી હતી. તેને તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરોએ તેની ઇમરજન્સી સર્જરી કરી હતી. વૈભવની કાર થોડી જ દૂર પુલ પાસે ઉભી હાલતમાં મળી આવી હતી.

પોલીસે ઝડપ્યો હતો રાજકોટમાંથી

આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ગાંધીનગર એલસીબી અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન નજીકના સીસીટીવી ફૂટેજમાં વિપુલ બાઇક પર શિકાર શોધતો દેખાયો હતો. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને સૂત્રોની માહિતીના આધારે આખરે 23 સપ્ટેમ્બરે તેને રાજકોટના માંડા ડુંગર વિસ્તારમાંથી દબોચી લીધો હતો.

આરોપી સાઇકો કિલર

વિપુલ પરમાર ઉર્ફે નીલ પરમાર પર અગાઉથી પણ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. તેની છબી “સાયકો કિલર” તરીકે ઊભી થઈ હતી. યુવતીઓને ટાર્ગેટ કરવી અને અતિશય હિંસક સ્વભાવ રાખવો તેની ગુનાહિત પદ્ધતિ રહી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, તે અગાઉથી શિકાર શોધવા માટે કેનાલ વિસ્તાર અને એકાંતા વિસ્તારોમાં ફરતો રહેતો હતો.

પોલીસે હાથ ધરી તપાસ

આ સમગ્ર લૂંટ-મર્ડર કેસની તપાસ ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ને સોંપવામાં આવી છે. પોલીસે આરોપી વિપુલ પરમારના મોત બાદ પણ તેના કનેક્શન, ગુનાખોરીનો ઇતિહાસ અને ઘટનાના અન્ય પાસાઓ અંગે તપાસ શરૂ કરી છે. પોલીસે સાક્ષી, સીસીટીવી ફૂટેજ અને પીડિત યુવતીના નિવેદનોના આધારે કોર્ટમાં મજબૂત ચાર્જશીટ દાખલ કરવાની દિશામાં પગલાં લીધા છે.

આ પણ વાંચો