Ahmedabad: અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં મંગળવારે સાંજે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. પારિવારિક ઝઘડાને પગલે પતિએ પોતાની પત્ની અને સાસુ પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં દહેશત અને અફરાતફરીનો માહોલ ફેલાયો હતો.
ઘટના કેવી રીતે બની?
માહિતી અનુસાર, કુબેરનગરના કાળી મતી વિસ્તારમાં કિશોર સ્કૂલ પાછળ રહેતો અશોક બાબુભાઈ રાજપૂત તેના સાસરી પક્ષ સાથેના તણાવને કારણે ગુસ્સામાં હતો. મંગળવારે સાંજે લગભગ 6:15 વાગ્યે તે પોતાની પત્નીના કાકી દ્વારા સંચાલિત ઉષા બ્યુટી પાર્લરમાં પહોંચ્યો હતો.
અહીં તેણે પોતાની 32 વર્ષીય પત્ની જયા અને 52 વર્ષીય સાસુ શોભનાબેન પર પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી હતી. આ ભયાનક કૃત્યને અંજામ આપ્યા બાદ અશોક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
આગની જ્વાળાઓ જોઈ લોકો દોડી આવ્યા
સ્થાનિક લોકોએ પાર્લરમાંથી નીકળતી આગની જ્વાળાઓ અને ધુમાડો જોઈ તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી. ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. ત્યારબાદ સ્થાનિક રહેવાસીઓએ ગંભીર રીતે દાઝેલી જયા અને શોભનાબેનને ઝડપથી અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડી.
ડોક્ટરોના જણાવ્યા મુજબ, બંને મહિલાઓ ગંભીર રીતે દાઝી જતા બેભાન હાલતમાં હતી. જ્યાં ટૂંકી સારવાર બાદ 32 વર્ષીય જયાનું મોત નીપજ્યું, જ્યારે શોભનાબેનની હાલત હજી પણ ગંભીર છે.
લગ્ન બાદ સતત ઝઘડાઓ
આ અંગે મૃતક જયાના ભાઈ નીલેશ ધરમદાસ બચાનીએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, જયા અને અશોકના લગ્ન આ વર્ષની એપ્રિલમાં થયા હતા. લગ્ન પછી સતત ઝઘડાઓને કારણે દંપતી અલગ રહેવા લાગ્યું હતું.
15 દિવસ પહેલાં બંને વચ્ચે સમાધાન થયું હતું, પરંતુ એક અઠવાડિયા પહેલાં ફરીથી ઝઘડો થતાં જયા પિયર આવી ગઈ હતી. આ વિવાદને લઈને જ અશોકે આકરા પગલાં ભર્યા હોવાની શંકા છે.
આરોપી ધરપકડમાં
સરદારનગર પોલીસે આરોપી અશોક રાજપૂતને ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે સાક્ષીઓના નિવેદનો પણ નોંધી રહ્યા છે અને ઘટના પાછળના કારણોને લઈને વધુ તપાસ ચાલી રહી છે.
એક તરફ નવજીવનની શરૂઆત કરવા માટે લગ્ન કર્યા બાદ થોડા જ મહિનામાં દંપતી વચ્ચેના ઝઘડા જીવલેણ સાબિત થયા. પતિના આ કૃત્યે માત્ર પત્નીનું જીવન છીનવી લીધું નથી, પરંતુ સાસુને પણ જીવન-મરણની સ્થિતિમાં ધકેલી દીધા છે. આ ઘટના કુબેરનગરમાં ચકચારનું કારણ બની છે અને પારિવારિક ઝઘડા કઈ રીતે ઘાતક સ્વરૂપ ધારણ કરે છે તેનું હૃદયદ્રાવક ઉદાહરણ બની છે.
આ પણ વાંચો
- National: સ્વામી ચૈતન્યાનંદ પર 17 છોકરીઓને યૌન શોષણનો આરોપ, તેની વોટ્સએપ ચેટ્સ સામે આવી
- National: દિવાળી પહેલાં રેલવે કર્મચારીઓને મોટી ભેટ, કેન્દ્ર સરકારે જાહેર કર્યો 78 દિવસનો બોનસ
- Gandhinagar: અડાલજ લૂંટ-મર્ડર કેસના મુખ્ય આરોપી “સાયકો કિલર” વિપુલ પરમારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત
- BCI ના નિર્દેશો પછી ગુજરાત બાર કાઉન્સિલે 53,000 વકીલોને ચકાસણી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો
- Jamnagar: ભયાનક અકસ્માત, લગ્ન પહેલાં જ PGVCL કર્મચારી યુવાનનું કરુણ મોત