Gujarat: છેલ્લાં થોડા અઠવાડિયાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસને કારણે રાજ્યનું રાજકીય તાપમાન સતત ઉંચું રહેતું જોવા મળી રહ્યું છે. હવે ફરી એકવાર અમિત શાહ ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવ્યા છે. આ મુલાકાત માત્ર ઔપચારિક નથી પરંતુ રાજકીય સંકેતો ભરેલી છે. સુરત પછી રાજકોટમાં તેમણે સાંસદો અને ધારાસભ્યો સાથે બંધબારણે વન-ટુ-વન ચર્ચા કરી હતી. મંગળવારે અમદાવાદમાં પણ અમિત શાહ ભાજપના નેતાઓ સાથે બેઠક કરે તેવી ચર્ચા ચાલી રહી છે.
દક્ષિણ ગુજરાતમાં બેઠકોનો દોર
સુરતના કોસમાડામાં ઇસ્કોન મંદિરના ભૂમિપૂજન બાદ અમિત શાહ સી.આર. પાટીલના નિવાસસ્થાને ભોજન માટે પહોંચ્યા હતા. અહીં પહેલીવાર એવું બન્યું કે દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો-સાંસદો માટે અલગ કલરના પાસ તૈયાર કરવામાં આવ્યા હતા. શાહે દરેક સાથે વ્યક્તિગત ચર્ચા કરી હતી. સરકીટ હાઉસમાં મોડી રાત સુધી આ બેઠકનો દોર ચાલ્યો હતો. આ દરમ્યાન સુરતના પ્રભાવશાળી ઉદ્યોગપતિઓએ પણ શાહને મળીને વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરી હતી.
શંકર ચૌધરી સાથે અડધો કલાકની બેઠક
બીજી તરફ બનાસ ડેરીની નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ ભાજપનો માહોલ સર્જાયો છે. ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી ચર્ચાઓ તીવ્ર છે. આ વ્યસ્તતા વચ્ચે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વહેલી સવારે સુરત સરકીટ હાઉસમાં અમિત શાહને મળ્યા હતા. બંને વચ્ચે અડધો કલાક સુધી ચર્ચા ચાલ્યાનું જાણવા મળ્યું છે.
રાજકોટમાં આંતરિક અસંતોષ પર ચર્ચા
સુરત બાદ અમિત શાહ રાજકોટ પહોંચ્યા હતા, જ્યાં તેમણે સહકાર સંમેલનમાં હાજરી આપી હતી. છેલ્લા કેટલાક સમયથી રાજકોટ ભાજપમાં આંતરિક વિખવાદ અને અસંતોષ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિમાં શાહે રાજકોટ સરકીટ હાઉસમાં ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓ સાથે બંધબારણે બેઠક કરી હતી.
નવરાત્રિ પછી નવી રાજકીય ગતિવિધિઓ?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે થોડા જ મહિના બાકી છે. આવા સમયે અમિત શાહે શરૂ કરેલી બેઠકોને કારણે રાજ્યમાં નવા પ્રદેશ પ્રમુખની નિમણૂંક ટૂંક સમયમાં થવાની ચર્ચાઓ છે. સાથે જ મંત્રીમંડળના વિસ્તરણ અંગેની અટકળોને પણ વેગ મળ્યો છે. રાજકીય વિશ્લેષકો માને છે કે નવરાત્રિથી દિવાળી વચ્ચે ગુજરાતની રાજનીતિમાં નવી ગતિવિધિઓ ચોક્કસ થશે.
અમદાવાદમાં પણ મહત્વની બેઠક
રાજકોટ પ્રવાસ પૂર્ણ કર્યા બાદ અમિત શાહ અમદાવાદ આવ્યા હતા. એરપોર્ટથી સીધા સરકીટ હાઉસ જઈ તેઓએ ડીજીપી સાથે આશરે 20 મિનિટ સુધી ચર્ચા કરી હતી. મંગળવારે તેઓ અમદાવાદમાં રહી ધારાસભ્યો અને ભાજપના નેતાઓને મળી શકે છે. વાવોલમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપશે, ત્યારબાદ ગાંધીનગર સરકીટ હાઉસમાં લોકસભા વિસ્તારમાં ચાલી રહેલા પ્રશ્નો મુદ્દે સમીક્ષા બેઠક કરશે. કલોલ અને માનસામાં વિકાસ કાર્યોનું લોકાપર્ણ કરશે તથા મોડી રાત્રે ગાંધીનગરની નવરાત્રિ ઉજવણીમાં હાજરી આપશે.
આ પણ વાંચો
- Team India: ગિલ અને ગંભીરની ચિંતાઓમાં વધારો; જો પરિસ્થિતિ આ જ રીતે ચાલુ રહેશે તો તેમનું 15 વર્ષનું શાસન સમાપ્ત
- Gold price: સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે, જે દિલ્હીમાં આટલી હદ સુધી પહોંચી ગયો
- Taiwan: જાપાન અને ચીન વચ્ચે તાઈવાન પર ઉગ્ર શબ્દયુદ્ધ શરૂ થયું, જેમાં જાપાનના વડા પ્રધાનના નિવેદનથી ઉગ્ર રાજદ્વારી વિવાદ ઉભો થયો
- Delhi: લાલ કિલ્લા પાસે વિસ્ફોટમાં નવ લોકોના મોત, મુંબઈ, દિલ્હીથી યુપી સુધી એલર્ટ જારી; તસવીરોમાં જુઓ મૃત્યુનું દ્રશ્ય
- Delhiમાં લાલ કિલ્લા પાસે એક મોટો વિસ્ફોટ થયો, એક વ્યક્તિનું મોત નીપજ્યું





