Rajkot: રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી દુષ્કર્મ અને કૂટણખાનાં કિસ્સાઓમાં હોટલોનું નામ વારંવાર સામે આવતા પોલીસે હોટલ સંચાલકો પર લગામ કસવાનું નક્કી કર્યું છે. શહેરની કેટલીક હોટલો એકાંત પૂરો પાડવા માટે બદનામ બની ગઈ છે. અહીં ઘણીવાર યુવતીઓને મોહજાળમાં ફસાવીને રૂમમાં જ શારીરિક શોષણ કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. આવા બનાવોને ધ્યાનમાં રાખીને ઝોન-2ના ડીસીપી દ્વારા એ-ડિવીઝન પોલીસ મથકમાં બેઠક યોજાઈ હતી.
હોટલોમાં મંજુરાત વિના રૂમ આપવાનો ધંધો
રાજકોટની અનેક હોટલોમાં યુગલોને એક-બે કલાક માટે રૂમ ભાડે આપવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે. આવા કિસ્સાઓમાં ઘણાં વખત યુવતીઓ પર દબાણ કે શોષણ થતું હોવાનું જાણવા મળ્યું છે. તાજેતરમાં કેટલીક હોટલોમાં કૂટણખાના ચાલતા હોવાના કિસ્સાઓ બહાર આવતા શહેરની ઇમેજ પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.
પોલીસની કડક સૂચનાઓ
બેઠકમાં હોટલ સંચાલકોને પોલીસે ખાસ સૂચનાઓ આપી છે. તેમાં મુખ્ય સૂચનાઓ આ પ્રમાણે છે:
- હોટલમાં આવતા શંકાસ્પદ વ્યક્તિઓની જરૂરી ડોક્યુમેન્ટ સાથે તપાસ કરવી.
- સગીર વયની યુવતીઓ કોઈ અન્યનું આધાર કાર્ડ ઉપયોગ કરે તેવા કિસ્સા સામે આવતા હોવાથી, જો યુવતીએ દુપટ્ટો પહેર્યો હોય તો તે દૂર કરી આધાર કાર્ડ સાથે ચહેરો મેળવો જરૂરી.
- સગીર યુવતી સાથે કોઈ પુરુષ આવે તો પોલીસને જાણ કર્યા વિના રૂમ ન આપવો.
- રાજકોટના લોકલ યુવક-યુવતીઓને એક-બે કલાક માટે રૂમ આપવાનું ટાળવું.
- રાજકોટના સ્થાનિક રહીશે એકલો રૂમ માંગે તો પણ રૂમ ન આપવો, જેથી આત્મહત્યા જેવા બનાવો અટકાવી શકાય.
- તમામ મહેમાનોનું પથિક સોફ્ટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવું અને હોટલના રજીસ્ટરમાં એન્ટ્રી કરવી ફરજિયાત.
- હોટલના પ્રિમાઈસિસમાં સીસીટીવી કેમેરા કાર્યરત હોવા જોઈએ.
પોલીસની ચિંતા : ગુનાઓ અટકાવવાના પ્રયત્નો
પોલીસ અધિકારીઓનું માનવું છે કે, ઘણીવાર ગુનાઓ હોટલના રૂમમાંથી જ શરૂ થાય છે. સગીર વયની બાળાઓના શોષણથી લઈને આપઘાત જેવા બનાવોમાં હોટલોનો પરોક્ષ ઉપયોગ થતો રહ્યો છે. કડક સૂચનાઓનું પાલન કરાવવાથી આવા ગંભીર ગુનાઓ અટકાવી શકાય છે.
આગળના દિવસોમાં અમલની કસોટી
પોલીસે આ સૂચનાઓને “અવેરનેસ” નામ હેઠળ રજૂ કરી છે, પરંતુ હકીકતમાં તે કડક ગાઈડલાઇન સમાન છે. હવે જોવાનું એ રહ્યું કે, હોટલ સંચાલકો આ સૂચનાઓનું કેટલું પાલન કરે છે અને પોલીસ તેની અમલવારીમાં કેટલો કડક વલણ દાખવે છે.
આ પણ વાંચો
- Delhi: લાલ કિલ્લા પાસે વિસ્ફોટમાં નવ લોકોના મોત, મુંબઈ, દિલ્હીથી યુપી સુધી એલર્ટ જારી; તસવીરોમાં જુઓ મૃત્યુનું દ્રશ્ય
- Delhiમાં લાલ કિલ્લા પાસે એક મોટો વિસ્ફોટ થયો, એક વ્યક્તિનું મોત નીપજ્યું
- Gustakh ishq: કલમને ઘા પર રાખવી પડે છે,” વિજય વર્મા અને ફાતિમાની “ગુસ્તાખ ઇશ્ક” ફિલ્મનું ટ્રેલર રિલીઝ; કવિતાએ આકર્ષણમાં વધારો કર્યો
- America: ત્રણ દિવસમાં અમેરિકામાં 6,000 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી, જેમાં ન્યૂ યોર્ક સહિત ચાર એરપોર્ટ સૌથી વધુ પ્રભાવિત
- Terrorist: આતંકવાદીઓ પર્વતો છોડીને મેદાનોમાં ઠેકાણા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, સુરક્ષા એજન્સીઓ સતર્ક





