Amreli: આજથી શારદીય નવરાત્રિનો પવિત્ર પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યભરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે મેઘરાજાએ પણ હાજરી આપી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદે એક તરફ ગરમી અને ઉકળાટથી રાહત આપી છે, તો બીજી તરફ ખેલૈયાઓ અને ગરબા આયોજકોની ચિંતામાં વધારો કર્યો છે.
ભાવનગર-રાજુલામાં ધોધમાર વરસાદ
ભાવનગર શહેરમાં વહેલી સવારે જ બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. રાજુલા શહેર સાથે હિન્ડોરણા, છતડિયા, કડિયારી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોસળધાર વરસાદ પડતાં શહેરની ગલીઓમાં પાણી ભરાઈ ગયું હતું. લાંબા સમયથી ચાલતા ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 66 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાંથી 6 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લાના આહવામાં 2 ઈંચ જેટલો નોંધાયો છે. આ ઉપરાંત ભાવનગર શહેરમાં 1.93 ઈંચ, વલસાડના પારડી, અમરેલીના રાજુલા અને ભરૂચના હાંસોટમાં 1.50 ઈંચ, જ્યારે અમરેલીના જાફરાબાદ અને નવસારીમાં 1.47 ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગનો એલર્ટ
હવામાન વિભાગે નોરતાના પ્રારંભિક દિવસોમાં જ ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા દર્શાવીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે પણ અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે.
ખેલૈયાઓ અને આયોજકો માટે ચિંતા
નવરાત્રિના પ્રથમ દિવસે જ વરસાદના કારણે ખેલૈયાઓમાં નિરાશા ફેલાઈ છે. લાંબા સમયથી રાહ જોવાતી ગરબા રાત્રિઓ વરસાદના કારણે બગડી શકે છે, તેવું લાગી રહ્યું છે. આયોજકોને પણ વરસાદી માહોલને કારણે ચિંતા સતાવી રહી છે, કારણ કે ખુલ્લા મેદાનોમાં યોજાનારા કાર્યક્રમો પર પાણી ફરી વળવાની શક્યતા ઊભી થઈ છે.
જોકે વરસાદે વિઘ્ન ઉભું કર્યું છે, પરંતુ ગરમી અને ઉકળાટથી રાહત મળતા સામાન્ય નાગરિકોમાં હળવી ખુશી પણ જોવા મળી છે. વરસાદના કારણે વાતાવરણમાં પ્રસરી આવેલી ઠંડક નવરાત્રિના ભક્તિમય માહોલને એક અલગ જ છાંટ આપી રહી છે.
આ રીતે, શારદીય નવરાત્રિની શરૂઆત રાજ્યમાં ભક્તિ સાથે વરસાદી માહોલમાં થઈ છે, જેમાં ભક્તો, ખેલૈયાઓ અને આયોજકોને એક સાથે આનંદ અને ચિંતાનો અનુભવ થઈ રહ્યો છે.
આ પણ વાંચો
- India-US: ટ્રમ્પના ટેરિફ પછી જયશંકર અને રુબિયો પહેલી વાર સામસામે મળશે; વેપાર અને સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે
- Gujarat: ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશ જતા વિદ્યાર્થીઓ દ્વારા પ્રમાણપત્રોની ચકાસણીમાં 40% ઘટાડો
- Palestine: એફિલ ટાવર પર પેલેસ્ટાઇનનો ધ્વજ, બ્રિટને નકશો બદલ્યો… ઇઝરાયલ પર યુરોપમાં હલચલ
- Taliban ડાર્વિનનો સિદ્ધાંત ઇસ્લામ વિરુદ્ધ છે, તાલિબાને ઉત્ક્રાંતિ સિદ્ધાંત પર પ્રતિબંધ મૂક્યો
- Punjab: પંજાબ સરકારનું “મિશન ચઢ્ડી કલા” પૂર પીડિતો માટે મોટી રાહત હશે