Jamnagar: જામનગર શહેરની જાણીતી સરકારી નવાનગર હાઇસ્કૂલમાં બનેલી એક ઘટના હાલમાં ચર્ચાનો વિષય બની છે. શાળામાં અભ્યાસ કરતા ધોરણ-12ના એક વિદ્યાર્થીએ આક્ષેપ કર્યો છે કે, તેની શિક્ષિકાએ જાહેરમાં તેના આગળના વાળ કાપી નાખ્યા. આ ઘટનાથી વિદ્યાર્થીના વાલીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે અને શિક્ષણ તંત્ર સુધી ફરિયાદ કરવામાં આવી છે.
કેવી રીતે બની ઘટના?
મળતી માહિતી મુજબ, જામનગરના બેડીના જોડીયાભૂંગા વિસ્તારમાં રહેતો એક સગીર વિદ્યાર્થી નવાનગર હાઇસ્કૂલમાં ધોરણ-12માં ભણે છે. થોડા દિવસ પહેલાં શાળામાં વાલી મિટીંગનું આયોજન થવાનું હતું. એ માટે વિદ્યાર્થીઓને પોતાના વાલીઓનો નંબર શાળાની ઓફિસમાં નોંધાવવા કહેવામાં આવ્યું હતું. તે જ સમયે વિદ્યાર્થી નંબર લખાવવા માટે ગયો હતો. ત્યાં શાળાની એક મહિલા શિક્ષિકા પણ બેઠી હતી.
વિદ્યાર્થીને જોઈને શિક્ષિકાએ તેને કહ્યું કે, “તારા વાળ બહુ લાંબા થઈ ગયા છે, તારે કપાવવા જોઈએ.” વિદ્યાર્થીએ તરત જ જવાબ આપ્યો કે, “હું વાળ કપાવી લઈશ.” તેમ છતાં શિક્ષિકાએ વાત ન માની. તેમણે તરત જ કાતર લઈને વિદ્યાર્થીના આગળના વાળ કપાઈ નાખ્યા હતા.
કિશોરનો આઘાત અને વાલીઓનો આક્રોશ
આ ઘટનાથી કિશોર ડરી ગયો અને ગભરાઈ ગયો. તેણે શાળામાં જ એક મિત્રના ફોનથી પોતાના વાલીને કોલ કર્યો અને રડતાં-રડતાં સમગ્ર ઘટનાની જાણ કરી. દીકરાનો આઘાતજનક ફોન મળતાં વાલીઓ ગુસ્સે થઈ ગયા.
વાલીઓનું કહેવું છે કે, “બાળકોને શિસ્તમાં રાખવી જરૂરી છે, પરંતુ તે માટે આવા અપમાનજનક પગલાં લેવાની જરૂર નથી. શિક્ષક-વિદ્યાર્થીના સંબંધો વિશ્વાસ અને સન્માન પર ટકેલા હોય છે. શાળાની અંદર શિક્ષિકા દ્વારા જાહેરમાં દીકરાના વાળ કપાઈ નાખવાના કૃત્યથી દીકરો માનસિક આઘાતમાં આવી ગયો છે.”
આ અંગે વાલીઓએ ફોટા અને વિગત સાથે જિલ્લા શિક્ષણાધિકારી અને ગાંધીનગરના શિક્ષણ વિભાગ સુધી લેખિત ફરિયાદ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
શિક્ષણાધિકારીનો પ્રતિસાદ
સમગ્ર મામલે જામનગરના જિલ્લા શિક્ષણાધિકારી વિપુલભાઈ મહેતાએ પ્રાથમિક પ્રતિસાદ આપ્યો છે. તેમણે જણાવ્યું કે, “હજુ સુધી અમારી પાસે કોઈ સત્તાવાર ફરિયાદ આવી નથી. પરંતુ જો ફરિયાદ આવશે તો ચોક્કસપણે તપાસ કરવામાં આવશે. ઘટનાની પુષ્ટિ થશે તો સંબંધિત જવાબદાર શિક્ષિકા સામે કાર્યવાહી કરવામાં આવશે.”
શિસ્ત અને અપમાન વચ્ચેની રેખા
આ ઘટના શિક્ષક-વિદ્યાર્થીના સંબંધો અંગે ઘણા પ્રશ્નો ઊભા કરે છે. શાળામાં શિસ્ત જાળવવી જરૂરી છે, પરંતુ તે માટે અપમાનજનક રીતો અપનાવવી યોગ્ય નથી. વિદ્યાર્થી કિશોરાવસ્થામાં હોય ત્યારે આવા કૃત્યથી તેની માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર પડી શકે છે.
શિક્ષકોને બાળકની પરિસ્થિતિ અને લાગણીઓને સમજવા સાથે કડકાઈ રાખવાની હોય છે. પરંતુ જો શિસ્તના નામે વિદ્યાર્થીઓનું અપમાન કરવામાં આવે તો એ શિક્ષણની મૂળભૂત મૂલ્યપ્રણાલીને નુકસાન પહોંચાડે છે.
આ પણ વાંચો
- Taliban ડાર્વિનનો સિદ્ધાંત ઇસ્લામ વિરુદ્ધ છે, તાલિબાને ઉત્ક્રાંતિ સિદ્ધાંત પર પ્રતિબંધ મૂક્યો
- Punjab: પંજાબ સરકારનું “મિશન ચઢ્ડી કલા” પૂર પીડિતો માટે મોટી રાહત હશે
- Delhi: અમદાવાદ વિમાન દુર્ઘટના કેસ, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, DGCA અને તપાસ બ્યુરો પાસેથી જવાબ માંગ્યો, રિપોર્ટ પર નારાજગી વ્યક્ત કરી
- Banaskantha: બનાસ ડેરીની ચૂંટણીમાં દિગ્ગજોની એન્ટ્રી, બનાસકાંઠાનું રાજકારણ ગરમાયું
- Pakistan: પાકિસ્તાનની વાયુસેનાએ પોતાના જ દેશ પર બોમ્બ ફેંક્યા, 24 લોકોના મોત, અનેક ઘાયલ