Gujarat: નવરાત્રિના પાવન પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આવા સમયમાં ખેલૈયાઓ પોતાની અંદાજ અને સ્ટાઈલને વધારે આકર્ષક બનાવવા માટે નવા ટ્રેન્ડ અપનાવી રહ્યા છે. ખાસ કરીને યુવાનોમાં ટેટૂ અને બોડી પિયર્સિંગ કરાવવાની હોડ જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર વધુ લાઈક્સ મેળવવા કે મનગમતા સેલિબ્રિટીનું અનુકરણ કરવા માટે પણ ટેટૂનો ક્રેઝ વધી રહ્યો છે. પરંતુ નિષ્ણાતો ચેતવણી આપે છે કે જો આ ટેટૂ અસુરક્ષિત રીતે કરાવવામાં આવે તો તેનાથી ગંભીર બીમારી, ખાસ કરીને હિપેટાઇટિસનો ખતરો વધી શકે છે.
ગુજરાત હિપેટાઇટિસ બીના કેસમાં છઠ્ઠા ક્રમે
હિપેટાઇટિસ બી અને સી બંનેનું મોટું કારણ અસુરક્ષિત ટેટૂ પ્રેક્ટિસ છે. તાજેતરના આંકડા મુજબ, હિપેટાઇટિસ બીના પ્રસાર મામલે ગુજરાત સમગ્ર દેશમાં છઠ્ઠા ક્રમે છે. રાષ્ટ્રીય સ્તરે હિપેટાઇટિસ બીનો સેરોપ્રેવલન્સ રેટ 0.95 ટકા છે, જ્યારે ગુજરાતમાં આ દર 1.2 ટકા નોંધાયો છે. હિપેટાઇટિસ-સીની બાબતમાં, રાષ્ટ્રીય સરેરાશ 0.32 ટકા છે, જ્યારે ગુજરાતમાં 0.19 ટકા નોંધાઈ છે.
ડોક્ટરો જણાવે છે કે, ટેટૂ કરાવતી વખતે નાની સોય ત્વચામાં છિદ્ર પાડે છે, જેના કારણે રક્તસ્ત્રાવ થાય છે. જો સંક્રમિત વ્યક્તિ પર વપરાયેલી સોયનો ઉપયોગ બીજાને કરાય, તો હિપેટાઇટિસ-સીનું ચેપ ઝડપથી ફેલાઈ શકે છે.
અભ્યાસમાં સામે આવ્યું જોખમ
એક અભ્યાસ દર્શાવે છે કે ટેટૂ કરાવનારા લોકોમાં હિપેટાઇટિસ-બીનો પ્રસારનો દર અંદાજે 3.30 ટકા છે, જે ચોંકાવનારું છે. ડોક્ટરોનો મત છે કે સ્ટરિલાઈઝેશન વિના એક જ સોયનો ઉપયોગ અનેક લોકોને કરવામાં આવે તો ચેપ થવાની શક્યતા અનેકગણી વધી જાય છે.
ડોક્ટરોની ચેતવણી
નવરાત્રિની ઉજવણીમાં યુવાનો મોટા પ્રમાણમાં ટેટૂ કરાવવાની તૈયારીમાં હોય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તબીબોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, ટેટૂ માત્ર પ્રમાણભૂત અને સુરક્ષિત પ્રેક્ટિસનું પાલન કરતા સેન્ટર પરથી જ કરાવવો જોઈએ. કોઈપણ પ્રકારના બોડી આર્ટ માટે સોયો સ્ટરિલાઈઝ્ડ હોવી જ જોઈએ અથવા નવી સોયનો ઉપયોગ કરવો જરૂરી છે.
હિપેટાઇટિસ અંગે અજાણતા દર્દીઓ
સૌથી ચોંકાવનારી હકીકત એ છે કે, દેશની મોટી સંખ્યામાં લોકો હિપેટાઇટિસ બી સાથે જીવી રહ્યા છે, પરંતુ તેમને પોતાની બીમારીની જાણ નથી. આવા કેસોમાં વાયરસનો પ્રસાર વધુ સરળતાથી થઈ શકે છે.
નિષ્ણાતોની સલાહ
તબીબોના જણાવ્યા મુજબ, ટેટૂ કરાવતી વખતે નીચેના મુદ્દાઓનો ખાસ ધ્યાન રાખવો જોઈએ:
- ટેટૂ આર્ટિસ્ટ સ્ટરિલાઈઝ્ડ સાધનો જ વાપરે છે કે નહીં તેની ખાતરી કરો.
- દરેક ગ્રાહક માટે અલગ સોયનો ઉપયોગ થાય છે કે નહીં તે તપાસો.
- ટેટૂ કરાવ્યા પછીની સંભાળ અને હાઇજીન જાળવો.
- કોઈપણ અસામાન્ય લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરની સલાહ લો.
નવરાત્રિમાં વધતી સાવચેતીની જરૂર
નવરાત્રિ દરમિયાન ગરબા મેદાનોમાં લાખો લોકો એકઠા થાય છે. આવા સમયમાં એક વ્યક્તિથી બીજામાં ચેપ ફેલાવાનો ખતરો વધારે છે. નિષ્ણાતો માને છે કે, જો યુવાનો બિનજરૂરી રીતે ફેશન માટે ટેટૂ કરાવશે અને તેમાં જરૂરી કાળજી નહીં રાખે, તો તે માત્ર તેમના સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ જાહેર સ્વાસ્થ્ય માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો
- Cyber attackને કારણે એરપોર્ટ સિસ્ટમ નિષ્ફળ ગઈ, યુકે અને બેલ્જિયમ સહિત અનેક યુરોપિયન દેશોમાં ફ્લાઇટ્સ રદ
- Sports Update: BCCI અધ્યક્ષ પદની ચુંટણી 28 સપ્ટેમ્બરે, ગાંગુલી મોખરે – સચિન તેંડુલકરે અટકળોને નકારી
- Gujarat: ટેટૂના ટ્રેન્ડ વચ્ચે હિપેટાઇટિસનું જોખમ, નવરાત્રિ પહેલા ડોક્ટરોની ચેતવણી
- Gujarat: નવરાત્રિ પહેલાં વરસાદી આગાહી, ગરબા પર સંકટ
- Bhavnagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરથી દેશને ₹1 લાખ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ