Ahmedabad: અમદાવાદમાં આવતીકાલે નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થવાનો છે. પરંતુ શહેરના ગરબા આયોજકો અને ખેલૈયાઓ માટે હાલ સૌથી મોટી ચિંતા એ છે કે ફાયર વિભાગ તરફથી હજુ સુધી ફક્ત બે જ સ્થળોને ફાયર એન.ઓ.સી. (No Objection Certificate) અપાઈ છે. બાકીના 56 સ્થળની અરજીઓ તપાસ હેઠળ છે. આ પરિસ્થિતિને કારણે છેલ્લા કેટલાક દિવસોથી આયોજકોમાં અનિશ્ચિતતા અને ખેલૈયાઓમાં અસંતોષનું વાતાવરણ સર્જાયું છે.

32 મુદ્દાનું કડક પાલન ફરજિયાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગે આ વર્ષે જાહેર સ્થળ કે પાર્ટી પ્લોટમાં આયોજિત થનારા ગરબા માટે ખાસ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરી છે. આ SOPમાં કુલ 32 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આયોજકોને ફાયર સેફ્ટી સાધનો, ઇમર્જન્સી એક્ઝિટ, ઈલેક્ટ્રિકલ સેફ્ટી, ફાયર એક્સટિંગ્વિશર, પાણીની સુવિધા સહિતના અનેક નિયમોનું કડક પાલન કરવું ફરજીયાત બનાવાયું છે.

ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેએ માહિતી આપતા જણાવ્યું હતું કે શુક્રવાર સાંજ સુધીમાં ગરબા આયોજિત કરવા માટે કુલ 58 ઓનલાઈન અરજીઓ મળી છે. પરંતુ તેમાંમાંથી માત્ર બે સ્થળની જ તપાસ પૂર્ણ થઈ હોવાના કારણે ફાયર એન.ઓ.સી. અપાઈ છે. બાકીના સ્થળની તપાસ સોમવાર પહેલાં પૂર્ણ કરવાની કોશિશ ચાલી રહી છે.

અંતિમ ઘડીએ મંજૂરીની ચર્ચા

આ પરિસ્થિતિને કારણે આયોજકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ઘણા આયોજકોનું માનવું છે કે દર વર્ષે નવરાત્રિ પહેલાં જ સ્થળ તપાસ પૂર્ણ કરીને NOC આપવામાં આવતી હતી, જેથી કાર્યક્રમની તૈયારીઓમાં કોઈ વિઘ્ન ન આવે. પરંતુ આ વખતે છેલ્લી ઘડીએ મંજૂરી આપવાની પ્રક્રિયા ખેલૈયાઓ માટે જોખમી સાબિત થઈ શકે છે.

ફાયર વિભાગના અંદરથી મળતી માહિતી મુજબ વિભાગમાં પૂરતી સ્પષ્ટતા નથી. ઉચ્ચ અધિકારીઓ પાસે પણ દરેક અરજીઓની પ્રગતિ અંગે યોગ્ય માહિતી ઉપલબ્ધ નથી. જેના કારણે આયોજકોને ખાતરી નથી કે તેમની જગ્યાએ ક્યારે મંજૂરી મળશે.

ખેલૈયાઓમાં ઉઠ્યા પ્રશ્નો

શહેરના ખેલૈયાઓમાં પણ સવાલો ઊભા થયા છે કે જો કોઈ સ્થળે ફાયર એન.ઓ.સી. મળ્યા વગર કાર્યક્રમ યોજાશે અને કોઈ દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે? ફાયર વિભાગ કે આયોજકો? હાલ કોઈપણ અધિકારી આ મુદ્દે ખુલ્લેઆમ બોલવા તૈયાર નથી.

જમાલપુર ફાયર સ્ટેશનમાં અરજી જમા કરવાની ફરજ

આ વર્ષે ફાયર વિભાગે નવી શરત મૂકીને આયોજકોને ઓનલાઈન અરજી ઉપરાંત તેની હાર્ડ કોપી જમાલપુર ફાયર સ્ટેશનમાં જમા કરાવવાની ફરજિયાતી કરી છે. આ સૂચના ગરબા શરૂ થવાના ફક્ત ત્રણ દિવસ પહેલાં આપવામાં આવી હતી. જેના કારણે ઘણા આયોજકો સમયસર કાર્યવાહી કરવા દોડી રહ્યા છે.

અગાઉના વર્ષોથી જુદી પરિસ્થિતિ

ગયા વર્ષોમાં નવરાત્રિ શરૂ થાય તેના પહેલાં જ મોટાભાગના આયોજકોને ફાયર એન.ઓ.સી. મળી જતા હતા. પરંતુ આ વખતે ગરબા શરૂ થવાના એક દિવસ પહેલાં પણ માત્ર બે સ્થળને જ મંજૂરી અપાઈ છે. આથી આયોજકો અને ખેલૈયાઓ વચ્ચે આશંકા છે કે આખી પ્રક્રિયા છેલ્લી ઘડીએ તાબડતોબ પૂરી કરવામાં આવશે.

ચીફ ફાયર ઓફિસરનો દાવો

ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેએ દાવો કર્યો છે કે સોમવાર સુધીમાં બધી અરજીઓ પર કાર્યવાહી પૂર્ણ થઈ જશે અને જરૂરી સ્થળોએ એન.ઓ.સી. આપી દેવાશે. પરંતુ આયોજકોનું કહેવું છે કે જો ચકાસણીમાં કોઈ ખામી બહાર આવશે તો તેમને સુધારવા પૂરતો સમય નહીં મળે.

નવરાત્રિ મહોત્સવ ગુજરાતીઓ માટે ભક્તિ, ઉમંગ અને આનંદનો ઉત્સવ છે. પરંતુ અમદાવાદમાં ફાયર એન.ઓ.સી.ની ગૂંચવણને કારણે ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી છે. આયોજકો પણ અસમંજસની સ્થિતિમાં છે. સોમવાર સુધીમાં બધી મંજૂરી મળી જશે કે કેમ, તે જોવાનું રહ્યું. જો છેલ્લી ઘડીએ એન.ઓ.સી. આપવામાં આવશે તો સુરક્ષા સંબંધિત પ્રશ્નો પર ફરી એકવાર તર્ક-વિતર્ક ઉભા થવાના છે.

આ પણ વાંચો