Ahmedabad: આઈઆઈએમ અમદાવાદે (IIM-A) 2023-25ની પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ (PGP-MBA) બેચના વિદ્યાર્થીઓ માટેના ફાઈનલ પ્લેસમેન્ટ રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર આ વર્ષે કુલ 395 વિદ્યાર્થીઓને વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓમાં પ્લેસમેન્ટ મળ્યું છે. રિપોર્ટ દર્શાવે છે કે પ્લેસમેન્ટમાં સરેરાશ પેકેજ (મિન-મીડિયન એવરેજ) 34.59 લાખ રૂપિયા રહ્યું છે, જ્યારે કુલ પેકેજ અને વિદ્યાર્થીઓની સંખ્યા આધારે ગણતરી કરવાથી સરેરાશ પેકેજ 35.50 લાખ રૂપિયા જેટલું થયું છે.

પ્લેસમેન્ટમાં ભાગ ન લેનાર વિદ્યાર્થીઓ

આ બેચમાં કુલ 406 વિદ્યાર્થી લાયક હતા. જેમાંથી 383 વિદ્યાર્થીઓ 2025માં ગ્રેજ્યુએટ થયા છે, જ્યારે 9 વિદ્યાર્થીઓ ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ હેઠળ 2026માં ગ્રેજ્યુએટ થશે. આમ છતાં, 11 વિદ્યાર્થીઓએ સંસ્થાના કેમ્પસ પ્લેસમેન્ટમાં ભાગ ન લઈ પોતાની રીતે નોકરી શોધવાનું કે અન્ય રસ્તો અપનાવવાનું પસંદ કર્યું હતું.

સૌથી વધારે અને ઓછું પેકેજ

આ પ્લેસમેન્ટ સીઝનમાં એક વિદ્યાર્થીને સૌથી વધારે 1.10 કરોડ રૂપિયાનું વાર્ષિક પેકેજ મળ્યું છે, જ્યારે સૌથી ઓછું પેકેજ 17 લાખ રૂપિયાનું રહ્યું છે. રિપોર્ટ અનુસાર હાઈએસ્ટ પેકેજની સરેરાશ 71.12 લાખ રૂપિયા રહી છે, જ્યારે એવરેજ કેટેગરીમાં 25.31 લાખ રૂપિયાનું પેકેજ નોંધાયું છે.

વિદેશમાં બે વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ

કુલ 395 વિદ્યાર્થીઓમાંથી 393 વિદ્યાર્થીઓને ભારતની પ્રતિષ્ઠિત કંપનીઓમાં નોકરી મળી છે. જ્યારે બે વિદ્યાર્થીઓને દુબઈ સ્થિત કંપનીઓએ પ્લેસમેન્ટ આપ્યું છે. વિદેશમાં મળેલા પ્લેસમેન્ટ માટેનું પેકેજ 1.03 લાખ અમેરિકન ડૉલરથી વધુ રહ્યું છે.

સેક્ટરવાઈઝ પ્લેસમેન્ટ

પ્લેસમેન્ટની વિગતો મુજબ, સૌથી વધુ વિદ્યાર્થીઓ કન્સલ્ટિંગ સેક્ટરમાં જોડાયા છે. આ ક્ષેત્રમાં કુલ 156 વિદ્યાર્થીઓએ નોકરી મેળવી છે. બેકિંગ અને ફાઈનાન્સ ક્ષેત્રમાં 99 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું છે. બીજી બાજુ, સૌથી ઓછું પ્લેસમેન્ટ એનાલિટિક્સ અને એગ્રી-ઈનપુટ સેક્ટરમાં નોંધાયું છે, જ્યાં માત્ર બે વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. આ વિતરણ દર્શાવે છે કે કન્સલ્ટિંગ અને ફાઈનાન્સ હજુ પણ આઈઆઈએમ અમદાવાદના વિદ્યાર્થીઓ માટે સૌથી આકર્ષક ક્ષેત્ર છે.

ગયા વર્ષની સરખામણી

જો 2024ના પ્લેસમેન્ટ સાથે સરખાવીએ તો તે વર્ષે સરેરાશ પેકેજ 32થી 35 લાખ રૂપિયા વચ્ચે રહ્યું હતું. સૌથી વધુ પેકેજ 1.12 કરોડ રૂપિયા અને સૌથી ઓછું 18 લાખ રૂપિયા હતું. આ વર્ષની સરખામણીમાં આંકડાઓમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી, જે દર્શાવે છે કે IIM-Aના પ્લેસમેન્ટમાં સતત સ્થિરતા છે.

સ્ટાર્ટઅપ તરફ ઝોક ઘટ્યો

આ વર્ષે માત્ર બે વિદ્યાર્થીઓએ નોકરીને બદલે પોતાનું વેન્ચર શરૂ કરવાનું પસંદ કર્યું છે. તેમને આઈઆઈએમની વિશિષ્ટ ફેલોશિપથી મદદ પણ મળી છે. ગયા વર્ષે 5 વિદ્યાર્થીઓએ સ્ટાર્ટઅપનો રસ્તો અપનાવ્યો હતો, જ્યારે આ વર્ષે એ સંખ્યા ઘટીને બે પર આવી પહોંચી છે.

આઈઆઈએમ અમદાવાદનો આ પ્લેસમેન્ટ રિપોર્ટ ફરી એકવાર સાબિત કરે છે કે સંસ્થા દેશ-વિદેશની પ્રતિષ્ઠિત કંપનીઓ માટે પ્રથમ પસંદગી બની રહી છે. કન્સલ્ટિંગ અને ફાઈનાન્સ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓની મજબૂત માંગ છે, જ્યારે વિદેશી પ્લેસમેન્ટની તકો પણ મળી રહી છે. સરેરાશ પેકેજ 35.50 લાખ રૂપિયા સુધી પહોંચવાથી IIM-Aના વિદ્યાર્થીઓ માટે આ પ્લેસમેન્ટ સીઝન સફળ સાબિત થઈ છે.

આ પણ વાંચો