Rajkot: રાજકોટ ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. પુનિતનગર વિસ્તારમાં મહાનગરપાલિકાના વોર્ડ ઓફિસ અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યક્રમમાં શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ ભાવુક થઈ ગયા હતા. તેમણે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે, “મારી છબી ખરડવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને ભાજપના જ નેતાઓ મને બદનામ કરી રહ્યા છે.” તેમણે ઉમેર્યું કે સમય આવશે ત્યારે તેઓ ખુલીને બધી વાત કરશે.

શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી મુજબ, આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે લીલુબેન જાદવ સરકારી વાહન લઈને અંબાજી સહિતના સ્થળોએ યાત્રાએ ગયા હોવાનો મુદ્દો સામે આવ્યો. આ વિવાદ બાદ તેમના ડ્રાઈવરને છૂટા કરી દેવામાં આવ્યા હતા. આ ઘટનાથી લીલુબેન નારાજ થયા હતા અને કાર્યક્રમમાં મીડિયા સમક્ષ ભાવુક થઈ ગયા હતા.

લીલુબેન જાદવે જણાવ્યું કે, “મને થઈ રહેલા અન્યાય મુદ્દે મેં પાર્ટીમાં પણ રજૂઆત કરી છે. હાલ હું કંઈ વધુ નહીં કહું, પણ બે દિવસમાં મારી તૈયારી કરીને વધુ વાત કરીશ.”

અન્ય નેતાઓની પ્રતિક્રિયા

આ મામલે રાજકોટ મનપાના મેયર નયનાબેન પઢિયાર અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ પણ પ્રતિક્રિયા આપી છે. મેયર નયનાબેન પઢિયારે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, ડ્રાઈવરની ફાળવણી કે છૂટા કરવાના નિર્ણયમાં તેમનો કોઈ રોલ નથી, કારણ કે આ નિર્ણય ફાયર વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે, “લીલુબેન જાદવે મારી પાસે કોઈ રજૂઆત કરી નથી. મારા વિરુદ્ધ પણ ભૂતકાળમાં ષડયંત્ર થતું હતું. આ વિવાદમાં મારે પડવું નથી, જે કરે એ ભરે. હું મારું કામ સમયસર કરતી જ રહું છું.” તેમણે સલાહ આપી કે જે પણ વેદના હોય તે પાર્ટીને અને તેમને કહેવી જોઈએ.

શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ આંતરિક વિવાદનો ઈનકાર કરતાં કહ્યું કે, “ભાજપમાં કોઈને ટાર્ગેટ કરવામાં આવતા નથી. આ એક કેડરબદ્ધ અને શિસ્તબદ્ધ પાર્ટી છે. દરેકને એક સરખું મહત્ત્વ આપવામાં આવે છે.” તેમણે કહ્યું કે લીલુબેનના જૂના પ્રશ્નોનું નિવારણ આવી ગયું હતું, પરંતુ તેઓ ફરીથી કયા કારણોસર ભાવુક થયા તેનો તેમને ખ્યાલ નથી. દવેએ આ બાબતે લીલુબેન સાથે વાત કરવાનું આશ્વાસન આપ્યું.

રાજકીય વર્તુળોમાં ચર્ચા

લીલુબેન જાદવના આ નિવેદનોએ રાજકોટના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. આ ઘટનાથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે રાજકોટ ભાજપમાં બધું બરાબર નથી અને આંતરિક જૂથબંધી સપાટી પર આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે લીલુબેન આગામી દિવસોમાં કયા ખુલાસા કરે છે અને પાર્ટી આ મામલાને કેવી રીતે થાળે પાડે છે.

આ પણ વાંચો