Sanjay Bapat AAP: ભચાઉ તાલુકાના કંથકોટ, ભસવાવ, કાધલ વાંઢ અને નિલપર યુથ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં દારૂબંધી લાગુ કરવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે કચ્છભરમાં દારૂબંધીની ઝુંબેશ ચલાવતા AAPના લડાયક નેતા અને પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટ અને પૂર્વ કચ્છ જિલ્લા સંગઠન મંત્રી સાહેબ સમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. AAP નેતા Sanjay Bapat આ પ્રસંગે પોલીસ અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે પોલીસના સહયોગથી જ દારૂ, ડ્રગ્સ, ગાંજો, અને ચરસ જેવી નશાકારક વસ્તુઓનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે જો બુટલેગરો દારૂનો વેપાર છોડી દે તો તેમને અન્ય વ્યવસાય શરૂ કરવા માટે મદદ કરવામાં આવશે. તેમણે સરકારને આવા ભ્રષ્ટ પોલીસકર્મીઓની બદલી કરીને સારા અધિકારીઓ અને પોલીસકર્મીઓની નિમણૂક કરવાની પણ અપીલ કરી હતી.

પૂર્વ સરપંચ રાયધણભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં કંથકોટ ગામમાં દારૂના કારણે લગભગ ૨૦ જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે, જેના કારણે આ ઝુંબેશની જરૂરિયાત ઊભી થઈ છે. ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા લેવાયેલા આ પગલાથી ગામમાં શાંતિ અને સુવ્યવસ્થા જળવાઈ રહેશે તેવી આશા છે. આ ઝુંબેશ ભવિષ્યમાં અન્ય ગામો માટે પણ પ્રેરણાદાયક બની રહેશે.