Patan: પાટણ જિલ્લાની એક કેન્દ્રીય વિદ્યાલયમાંથી શિક્ષણ જગતને શરમજનક બનાવે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોરણ 8માં ભણતી એક વિદ્યાર્થિની પર તેના જ વર્ગના ત્રણ સહપાઠીઓએ શારીરિક અત્યાચાર કર્યા બાદ વિદ્યાર્થિનીએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ વિદ્યાર્થિની ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં સારવાર હેઠળ છે. આ બનાવને કારણે શાળા સંચાલન, શિક્ષકોની જવાબદારી તથા સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે.
શું છે આખી ઘટના?
મળતી માહિતી મુજબ, પાટણ તાલુકાના ચોરમરપુરા ગામે ધો. 1 થી 12 સુધીની કેન્દ્રીય વિદ્યાલય કાર્યરત છે. ગત 16મી સપ્ટેમ્બરે શાળામાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિની વચ્ચે ઝઘડો થયો હતો. મામલો વણસતાં વિદ્યાર્થિની પર ત્રણ વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હતો. પીડિતાના પિતાના આક્ષેપ મુજબ, તેમની પુત્રીને બે છોકરાએ પકડી રાખી હતી અને ત્રીજા છોકરાએ હાથમાં બ્લેડથી છેકા મારી લાઈટરથી સળગાવ્યું હતું. ત્યારબાદ માનસિક આઘાત સહન ન થતાં સાંજે વિદ્યાર્થિનીએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પરિજનો તરત જ તેને દવાખાને લઈ ગયા હતા, જ્યાં હાલ તેનું સારવાર ચાલી રહ્યું છે.
શાળા સંચાલન પર આક્ષેપ
પીડિતાના પિતાએ સોશિયલ મીડિયા પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, તેમની પુત્રી છેલ્લા ચાર વર્ષથી આ જ શાળામાં ભણે છે. થોડા સમય અગાઉ પણ એક છોકરો પુત્રીને હેરાન કરતો હોવાની ફરિયાદ શાળાના પ્રિન્સિપાલને કરવામાં આવી હતી. તે સમયે પ્રિન્સિપાલે “તમારે શાળામાં આવવાની જરૂર નથી, અમે વાત કરી લેશું” એવો જવાબ આપ્યો હતો. આ કારણે તેઓ શાળામાં ગયા નહોતા. પરંતુ હવે થયેલી ઘટનાએ શાળા સંચાલનની બેદરકારી ખુલ્લી મૂકી છે.
સીસીટીવી ફૂટેજનો મુદ્દો
ગામના અગ્રણીઓએ જણાવ્યું કે, બનાવ બાદ સીસીટીવી ફૂટેજની માગણી કરવામાં આવી હતી. પરંતુ ઈન્ચાર્જ પ્રિન્સિપાલે સીસીટીવી કેમેરાનો પાસવર્ડ ખબર નથી એવો બહાનો કર્યો હતો. આથી શાળા સંચાલન પર બનાવ દબાવવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ થયો છે.
“કહીશ તો દાખલો આપી દેવામાં આવશે”
પીડિત વિદ્યાર્થિનીના સંબંધીએ સોશિયલ મીડિયા પર આક્ષેપ કરતાં જણાવ્યું કે, શાળાની એક શિક્ષિકાએ વિદ્યાર્થિનીને ધમકી આપી હતી કે, “જો આ બાબત તારા પપ્પાને કહીશ તો તને શાળામાંથી દાખલો આપી કાઢી મુકવામાં આવશે.” આ ખુલાસાથી શિક્ષકોના વલણ પર પણ સવાલો ઉભા થયા છે.
ક્લાસ ટીચરની બેદરકારી
પીડિતાના પિતા, જે એક્સ-આર્મીમેન છે, તેઓએ પ્રિન્સિપાલને ફોન કર્યો ત્યારે તેઓ રજા પર હતા. બાદમાં કલાસ ટીચરને સંપર્ક કરતાં તેઓએ કહ્યું, “અમે છોકરાઓને ભણાવવામાં ધ્યાન આપીશું, તેઓ શું કરે છે એમાં નહીં. તમારે જે કરવું હોય તે કરજો.” આ પ્રકારનો જવાબ સાંભળીને પરિજનો વધુ વ્યથિત બન્યા હતા.
હાલની સ્થિતિ
હાલ વિદ્યાર્થિની ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં સારવાર લઈ રહી છે. પરિવારજનો તથા ગામલોકોએ શાળા સંચાલન સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
સમાજમાં ચર્ચા
આ બનાવથી સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. શાળાની અંદર આ પ્રકારની ક્રૂરતા થઈ શકે તેવો વિશ્વાસ પણ ઘણા માતા-પિતાઓને થતો નથી. વિદ્યાર્થીઓની સુરક્ષા, શિસ્ત અને શિક્ષકોની જવાબદારી અંગે રાજ્ય સ્તરે સવાલો ઊભા થઈ રહ્યાં છે.
પાટણ જિલ્લાના આ બનાવે ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં માત્ર ભણતર પૂરતું નથી, પરંતુ વિદ્યાર્થીઓની સુરક્ષા અને માનસિક આરોગ્ય પર પૂરતું ધ્યાન આપવાની જરૂર છે. જો સમયસર કાર્યવાહી અને સંવેદનશીલતા દાખવાઈ હોત, તો કદાચ એક નાની વિદ્યાર્થીની આજે આટલી ભયંકર પરિસ્થિતિમાંથી પસાર ન થાત.
આ પણ વાંચો
- Amreli: લાઠી તાલુકાના સપૂત વીર જવાન મેહુલ ભુવા શહીદ, સમગ્ર પંથકમાં શોકની લાગણી
- Surat: મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, લિંબાયત વિસ્તારમાં એક કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ
- ભ્રષ્ટ પોલીસકર્મીઓની બદલી કરીને સારા પોલીસકર્મીઓની નિમણૂક કરવાની સરકારને અપીલ: Sanjay Bapat AAP
- આસારામના પુત્ર Narayan Sai તેની બીમાર માતાને મળવા જેલમાંથી આવશે બહાર, 5 દિવસના શરતી જામીન મળ્યા
- PM Modi લેશે ગુજરાતની મુલાકાત, ભાવનગર અને લોથલમાં કરશે મોટી જાહેરાતો