Junagadh: ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા થોડા સમયથી સંગઠનાત્મક ઉથલપાથલ વચ્ચે હાઇકમાન્ડે ખુદ મોરચો સંભાળી લીધો છે. સુષુપ્ત બની ગયેલી કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ જ પ્રયાસો હેઠળ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે (18 સપ્ટેમ્બર) જૂનાગઢમાં જિલ્લાના પ્રમુખોની દસ દિવસીય તાલીમ શિબિરના સમાપન સમારંભમાં ઉપસ્થિત રહેવાના હતા. જોકે, હવામાન ખરાબ હોવાથી તેમણે આ પ્રવાસ રદ કર્યો છે. હવે તેઓ આવતીકાલે એટલે કે 19 સપ્ટેમ્બરે ફરી એકવાર જૂનાગઢ આવશે અને સંગઠનને ચુસ્ત બનાવવા માટે જિલ્લાના નેતાઓ સાથે સંવાદ કરશે.
રાહુલ ગાંધીનો છઠ્ઠો ગુજરાત પ્રવાસ
છેલ્લાં છ મહિનામાં રાહુલ ગાંધીનો આ છઠ્ઠો ગુજરાત પ્રવાસ છે. કોંગ્રેસની આંતરિક માળખાકીય નબળાઈને દૂર કરી 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને હાઇકમાન્ડે ગુજરાતને ખાસ પ્રાથમિકતા આપી છે. દેશભરમાં સંગઠન પુનઃમજબૂતી માટે શરૂ કરાયેલા પાયલોટ પ્રોજેક્ટનો અમલ સૌપ્રથમ ગુજરાતમાં કરવામાં આવી રહ્યો છે. આ અભિગમ હેઠળ જિલ્લા સ્તરે પક્ષને વધુ સશક્ત બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
જિલ્લા પ્રમુખોને સત્તા, પણ જવાબદારી પણ
હાઇકમાન્ડે નક્કી કર્યું છે કે હવે પક્ષની મજબૂતાઈ માટે પ્રદેશ સ્તરના નેતાઓની બદલે જિલ્લા પ્રમુખોને વધુ સત્તા અપાશે. હાલ નિયુક્ત થયેલા શહેર અને જિલ્લા પ્રમુખોના કામકાજ અંગે આંતરિક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં દસથી વધુ પ્રમુખોની કામગીરી નબળી જણાતા હાઇકમાન્ડે કડક વલણ અપનાવ્યું છે. પ્રમુખોને સીધું અલ્ટીમેટમ અપાયું છે કે, 90 દિવસમાં સંગઠનના કામકાજમાં પરિણામ દેખાડો અથવા હોદ્દો છોડો. સૂત્રોના જણાવ્યા મુજબ, કેટલાક પ્રમુખોની વિદાય નક્કી માનવામાં આવી રહી છે.
તાલીમ શિબિરમાં માર્ગદર્શન અને ચેતવણી
ત્રણ-ચાર દિવસ પહેલાં જ રાહુલ ગાંધી જૂનાગઢમાં આવ્યા હતા, જ્યાં તેમણે જિલ્લા પ્રમુખોને પક્ષની વ્યૂહરચના અને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. દસ દિવસીય તાલીમ શિબિરના અંતિમ દિવસે પણ તેમની હાજરી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી. હવે તેઓ આવતીકાલે બપોરે સાડા બાર વાગ્યે કેશોદ એરપોર્ટ પર આવી પહોંચશે અને સીધા પ્રેરણાધામ આશ્રમ જઈ જિલ્લા પ્રમુખો સાથે સંવાદ કરશે. ત્યારબાદ તેઓ સાંજે દિલ્હી પરત ફરશે.
હાઇકમાન્ડની સીધી દેખરેખ
હાઇકમાન્ડ હવે ગુજરાત કોંગ્રેસ પર સીધી નજર રાખી રહ્યું છે. અહેવાલો અનુસાર, સંગઠનને ચુસ્ત બનાવવા માટે દર જિલ્લામાં રાહુલ ગાંધીની મુલાકાતો વધારવાની યોજના છે. તેઓ આગામી સમયમાં કાર્યકરોના ઘેર રોકાશે, સીધો સંપર્ક સ્થાપિત કરશે અને પક્ષની નબળાઈઓને સમજવાનો પ્રયત્ન કરશે. આ ઉપરાંત, કોંગ્રેસના અન્ય દિગ્ગજ નેતાઓ પણ આવનારા દિવસોમાં ગુજરાતમાં અડિંગા જમાવશે, જેથી સંગઠનમાં ચેતના લાવી શકાય.
ચૂંટણી પૂર્વે નવી વ્યૂહરચના
સૂત્રોના મતે, કોંગ્રેસ હાઇકમાન્ડ હવે ઢીલ આપવા તૈયાર નથી. સંગઠનને નવી ઊર્જા આપવા માટે પક્ષના માળખાને પુનઃગઠિત કરવામાં આવશે. જિલ્લાના નેતાઓને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે માત્ર હોદ્દો ધરાવવો પૂરતું નથી, પરંતુ કાર્યકરો અને મતદાતાઓ સુધી પહોંચીને પક્ષને મજબૂત બનાવવો અનિવાર્ય છે.
રાહુલ ગાંધીના આ સતત પ્રવાસો અને હાઇકમાન્ડના કડક વલણથી સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ હવે ગુજરાતમાં નવી શરૂઆત કરવા આતુર છે. 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષે હવે સંગઠનને એક નવી દિશા અને નવો ઓપ આપવાનો સંકલ્પ લીધો છે.
આ પણ વાંચો
- Panchmahal: નવરાત્રિ દરમિયાન પાવાગઢ શક્તિપીઠના દર્શન સમયમાં ફેરફાર
- Ahmedabad: ગુજરાતમાં માજી સૈનિકોની અવગણના! 100થી વધુ ભૂતપૂર્વ સૈનિકોએ ભાજપ છોડીને આપ્યું રાજીનામું
- ખેડૂતો વતી અરજી આપતા ગામસેવક ખેતર ઉપર જઈને તપાસ કરી સમસ્યાનું નિરાકરણ લાવશે: Gopal Italia
- Ahmedabad: ‘ચાર-ચાર બંગડીવાળી’ ગીત વિવાદ, ગાયિકા કિંજલ દવેને હાઈકોર્ટનો ઝટકો, 7 ડિસેમ્બર સુધી જાહેર મંચ પર ગાવા પર પ્રતિબંધ યથાવત્
- Ahmedabad: એર ઈન્ડિયા ફ્લાઇટ 171 દુર્ઘટના, બોઇંગ અને હનીવેલ સામે મૃતકોના પરિવારોનો કોર્ટ કેસ