Gandhinagar: ગુજરાતના અનેક જિલ્લાઓ અને અમદાવાદમાં દબાણ હટાવ ઝુંબેશ બાદ હવે રાજ્ય સરકાર અને તંત્રએ પાટનગર ગાંધીનગર તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આજે (18 સપ્ટેમ્બર) વહેલી સવારે જિલ્લા વહીવટી તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 500થી વધુ પોલીસ જવાનોની હાજરીમાં સાબરમતી નદી કિનારે આવેલ વર્ષોથી સ્થાયી રહેણાંક દબાણો પર વિશાળ ડિમોલિશન અભિયાન ચલાવાયું. આ કાર્યવાહી હેઠળ પેથાપુર, ચરેડી અને GEB વિસ્તારમાં આવેલા 700થી વધુ કાચા-પાકા મકાનો જમીનદોસ્ત કરાયા છે.
ગરીબોના આશ્રય તૂટી પડ્યા, પણ સવાલો યથાવત્
તંત્રની આ કાર્યવાહી બાદ નાગરિકોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. લોકોનો આક્ષેપ છે કે ગાંધીનગર જેવી પ્લાન્ડ સિટીમાં અયોગ્ય કોમર્શિયલ બાંધકામો અને સેક્ટરોમાં થયેલા પાકા દબાણો સામે કોર્પોરેશન મૌન છે, જ્યારે નદી કાંઠે રહેનાર ગરીબોની જ ઝૂંપડપટ્ટીઓ અને કાચા મકાનો તોડવામાં આવી રહ્યા છે. સ્થાનિકોમાં એ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે તંત્રનો બુલડોઝર શું માત્ર ગરીબોના ઘર સુધી જ મર્યાદિત છે?
ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી
ગાંધીનગર જિલ્લા તંત્ર, મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે આ ઓપરેશન હાથ ધર્યું હતું. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 500થી વધુ પોલીસ કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા હતા. બુલડોઝર અને જેસીબી મશીનોની મદદથી ગેરકાયદેસર રીતે ઊભેલા મકાનો તથા અન્ય બાંધકામોને તોડી પાડવામાં આવ્યા.
નોટિસ છતાં ખાલી ન કરાતા કડક પગલું
સત્તાવાળાઓના જણાવ્યા મુજબ દબાણકારોને અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી અને સરકારી જમીન ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ સમયમર્યાદા પૂરી થયા બાદ પણ જગ્યા ખાલી ન કરાતા અંતે વહીવટી તંત્રએ બળપ્રયોગ કરી કાર્યવાહી શરૂ કરી હતી.
સેક્ટરોના દબાણો સામે ક્યારે પગલું?
જ્યારે નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોના મકાનો તોડી પાડવામાં આવ્યા છે, ત્યારે સેક્ટર-13, સેક્ટર-20 અને સેક્ટર-24 જેવા વિસ્તારોમાં નકશા બહારના પાકા બાંધકામો અને રસ્તા પરના દબાણો હજુ પણ અડગ છે. નાગરિકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે આ પાકા અને પ્રભાવશાળી દબાણકારો સામે તંત્ર ક્યારે કાર્યવાહી કરશે?
અગાઉ પણ રાજ્યમાં ચાલી ચૂક્યા અભિયાન
ગાંધીનગર પહેલાં પણ જામનગર, દ્વારકા, રાજકોટ અને કચ્છ જિલ્લામાં સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણ હટાવવાની મોટી ઝુંબેશ હાથ ધરાઈ હતી. સરકાર વારંવાર સ્પષ્ટ સંદેશ આપી ચૂકી છે કે રાજ્યમાં સરકારી જમીન પર કોઈપણ ગેરકાયદેસર દબાણ સહન નહીં કરવામાં આવે અને આવી કામગીરી આગલા સમયમાં પણ ચાલુ રહેશે.
અનેક પરિવારો બેઘર
આ વિશાળ ડિમોલિશન ડ્રાઇવ પછી સાબરમતી કિનારા પર વર્ષોથી વસવાટ કરતાં ઘણા પરિવારો બેઘર બન્યા છે. વિસ્તારમા ચકચાર મચી ગઈ છે. જોકે, તંત્રનું કહેવું છે કે માત્ર સરકારી જમીન પરના ગેરકાયદેસર બાંધકામોને જ તોડી પાડવામાં આવ્યા છે અને કાયદેસર રહેણાંક પર કોઈ અસર થવાની નથી.
આ પણ વાંચો
- આણંદ જિલ્લાના તારાપુરના રિંઝામાં 110 કરોડના ખર્ચે સાબરમતી નદી પર બ્રિજનું નિર્માણ કરાશે: CM Bhupendra Patel
- કન્સ્ટ્રક્શનમાં ‘મેડ ઇન ઇન્ડિયા’નો સૂર અને ઇમારતોમાં ભારતની વિરાસત તેમજ સંસ્કારો ઝળકાવીએ – CM Bhupendra Patel
- Horoscope: બધી 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ, જાણો આજનું રાશિફળ
- PM Modi અને પ્રિયંકા ગાંધી હસતા અને વાતો કરતા જોવા મળ્યા, જાણો આ મુલાકાત ક્યાં થઈ
- Tamil Nadu માં SIR ડેટા જાહેર, 9.7 મિલિયન મતદારોને દૂર કરવામાં આવ્યા; મતદારોની કુલ સંખ્યા જાણો





