Surat: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સુરત ખાતે આમ આદમી પાર્ટીના નેતા પાયલ સાકરીયા ઉપર થયેલા અત્યાચાર વિશે સખ્ત શબ્દોમાં ગુજરાતમાં કથળેલી કાયદા વ્યવસ્થા વિશે વીડિયોના માધ્યમથી વાત જણાવ્યું હતું કે, સુરતના અમારા આમ આદમી પાર્ટીના નેતા પાયલબેન સાકરીયા તેમના વિસ્તારમાં આવેલી 50 બેડની હોસ્પિટલના ઉદ્ઘાટન સમયે કોર્પોરેટરો સાથે પહોંચ્યા હતા. પોલીસે ભાજપના ઇશારે પાયલબેન સાકરીયા અને કોર્પોરેટર પર અત્યાચાર ગુજાર્યો હતો અને તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેમાં પાયલબેનને ઈજા થઈ હતી ત્યારે તેમને હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ કે 108 બોલાવવાની જગ્યાએ ભાજપના ઈશારે પોલીસે તેમને બેથી અઢી કલાક સુધી ડિટેન કરીને રાખ્યા હતા.
AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રીને પણ ક્હ્યું હતું કે, તમારા રાજમાં કોઈ દીકરીએ સુરક્ષિત નથી? એક તરફ તમે દીકરીઓની સુરક્ષાની વાત કરો છો અને બીજી બાજુ ચૂંટાયેલા પ્રતિનિધિઓને તમારી પોલીસ મારે છે. શું માણસના જીવની કોઈ કિંમત જ નથી? આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે કથળી ગયેલી છે. હું આપની પાસે માંગ કરું છું કે, આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ કરીને જે પણ પોલીસ અધિકારીઓએ પાયલબેન સાથે અને અન્ય કોર્પોરેટરો સાથે ઝપાઝપી કરી છે, લાફા મારવામાં આવ્યા છે એમના ઉપર તરત કાર્યવાહી કરવામાં આવે, એમને ડિસમિસ કરવામાં આવે અને પોલીસ પણ જરૂરી કાર્યવાહી પૂર્ણ કરે એવી પોલીસ કમિશનરને પણ વિનંતી કરું છું.