Gujarat: આ વર્ષે શારદીય નવરાત્રિ 22 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. હિન્દુ પંચાગ મુજબ, દર વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ શારદીય નવરાત્રિનો આરંભ થાય છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની વિશેષ પૂજા કરવામાં આવે છે અને તેમના નામનો જય જયકાર કરવામાં આવે છે.

આ શુભ અવસરે ભક્તો મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના ઉપાય કરે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિના દિવસોમાં કરવામાં આવતા ઉપાયથી જાતક ઉપર મા લક્ષ્મીની કૃપા બને છે અને ગ્રહ-નક્ષત્રોનો પણ શુભ પ્રભાવ મળે છે. ખાસ કરીને કેટલાક સામગ્રીનું પૂજામાં વિશેષ મહત્ત્વ હોય છે જેમ કે – લવિંગ, સોપારી, હળદર, પાન અને નારિયેળ. ચાલો, જાણીએ કે નવરાત્રિના દિવસોમાં આ વસ્તુઓનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે.

લવિંગ
નવરાત્રિ દરમિયાન પૂજાના આરંભમાં લવિંગ અર્પણ કરવામાં આવે છે. લવિંગનું ખાસ મહત્વ છે. જો તમે તમારી ઈચ્છા પૂર્ણ કરવા માગો છો તો તમારી ઉંમર જેટલી લવિંગ લો અને તેને લાલ કે કાળા દોરાથી જોડીને માળા બનાવો. નવરાત્રિના કોઈ પણ દિવસે આ માળા મા દુર્ગાને અર્પણ કરો અને પ્રાર્થના કરો. એવું કહેવાય છે કે એકથી ત્રણ મહિનામાં તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. ઈચ્છા પૂરી થયા પછી આ માળાને વહેતા પાણીમાં વહેતી કરો અથવા જમીનમાં દાટી દો.

સોપારી
નવરાત્રિની પૂજામાં સોપારીનું પણ વિશેષ સ્થાન છે. એક આખી સોપારી લો, તેની ઉપર સિંદૂર લગાવો અને તેને પીળા કપડામાં લપેટીને મા દુર્ગાને અર્પણ કરો. એવું કહેવાય છે કે આ ઉપાયથી વહેલા લગ્નના આશીર્વાદ મળે છે. લગ્ન પછી પણ આ સોપારી તમારા સાથે રાખવાથી વૈવાહિક જીવનમાં સુખ અને શાંતિ મળે છે.

હળદર
શારદીય નવરાત્રિ દરમિયાન હળદર પણ ખાસ પૂજનીય સામગ્રી ગણાય છે. બે હળદરના ગઠ્ઠા લો, તેને દેવીને અર્પણ કરો અને શ્રી સૂક્તનો પાઠ કરો. બાદમાં તેને લાલ કપડામાં લપેટીને જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં મૂકો. કહેવાય છે કે આ ઉપાયથી ધનની સમસ્યાઓ દૂર થાય છે અને સમૃદ્ધિ વધે છે.`

પાન
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, પાન પૂજામાં ખૂબ જ પવિત્ર ગણાય છે. નવરાત્રિના દિવસોમાં 27 પાનની માળા બનાવી દેવીને અર્પણ કરીને રોજગાર માટે પ્રાર્થના કરવામાં આવે છે. રોજગાર પ્રાપ્ત થયા બાદ આ માળાને વહેતા પાણીમાં વહેતી કરવાની પરંપરા છે.

નારિયેળ
નારિયેળને પણ નવરાત્રિના દિવસોમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. પાણીથી ભરેલું નારિયેળ લો, દેવી સમક્ષ બેસીને ખાસ મંત્રનો જાપ કરો અને પછી નારિયેળને વહેતા પાણીમાં વહેતી કરો. એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી ગ્રહોના નકારાત્મક પ્રભાવોથી બચી શકાય છે અને જીવનમાં શાંતિ અને સુખ મળે છે.

આ રીતે શારદીય નવરાત્રિના પવિત્ર દિવસોમાં યોગ્ય ઉપાય કરીને ભક્તો માતાની કૃપા પ્રાપ્ત કરે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરે છે.

આ પણ વાંચો