Junagadh: તાલાલા ગીરમાં બનેલા હુમલા કેસમાં સામેલ જાણીતા ડાયરા કલાકાર દેવાયત ખવડ અને તેમના સાથી આરોપી ધ્રુવરાજસિંહ ચૌહાણના સાત દિવસના રિમાન્ડ બુધવારે (17 સપ્ટેમ્બર) પૂરા થયા હતા. રિમાન્ડ પૂરા થતાં તેઓને તાલાલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે રિમાન્ડ વધારવાની કોઈ રજૂઆત ન થતા તેમ જ દેવાયત ખવડ દ્વારા દાખલ કરાયેલી જામીન અરજી ફગાવી દેતા તમામ આરોપીઓને જૂનાગઢ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. હવે ગુરુવારે (18 સપ્ટેમ્બર) સેશન્સ કોર્ટમાં જામીન અરજી અંગે આગળની સુનાવણી થશે.
આ કેસ અંગે ધ્રુવરાજસિંહે જણાવ્યું હતું કે, “ઘટના પહેલા મને ઇન્સ્ટાગ્રામ પર કોઈ અજાણ્યા શખસે ગીરમાં ન આવવા અંગે ચેતવણી આપતી મેસેજ મોકલી હતી, પણ મેં તેને ગંભીરતાથી લીધો નહોતો.” તેમણે વધુમાં જણાવ્યું કે, “દેવાયત ખવડ અને તેના સાથીઓએ મારી રેકી કરી હતી. હું મારા મિત્રના રિસોર્ટમાં રોકાયો હતો ત્યારે પણ તેઓ ત્યાં આવ્યા હતા અને મને શોધી રહ્યાં હતાં, છતાં હું આ બાબતે ખાસ ધ્યાન આપ્યું ન હતું. પાછળથી તેઓ હુમલો કરશે એવું વિચાર્યું પણ નહોતું.”
આ હુમલાની ઘટનાને પગલે નીચલી કોર્ટે દેવાયત ખવડ સહિત કુલ 15 આરોપીઓને જામીન આપ્યા હતા, પરંતુ તાલાલા પોલીસે તેનો વિરોધ કર્યો હતો. પોલીસએ નીચલી કોર્ટના જામીન સામે રિવિઝન અરજી દાખલ કરી હતી, જેને વેરાવળ સેશન્સ કોર્ટે માન્ય રાખી દેવાયત ખવડના જામીન રદ કર્યા છે. તાલાલા પોલીસે કેસમાં આરોપીઓના સાત દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જે કોર્ટે મંજૂર કર્યા હતા. હવે રિમાન્ડ પૂરા થયા બાદ તમામ આરોપીઓને જૂનાગઢ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
ઘટનાની પાછળની પૃષ્ઠભૂમિ અંગે જાણવા મળે છે કે અમદાવાદ નજીકના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ અને લોકસાહિત્યકાર દેવાયત ખવડ વચ્ચે ફેબ્રુઆરી માસથી જ વિવાદ ચાલી રહ્યો હતો. કહેવાય છે કે, ડાયરાના કાર્યક્રમ માટે પૈસા આપવા છતાં ન આવવાના મુદ્દે બંને વચ્ચે મનદુઃખ સર્જાયું હતું અને બંને પક્ષે ફરિયાદ પણ નોંધાવી હતી.
આ મનદુઃખ વચ્ચે ધ્રુવરાજસિંહ ચૌહાણ 11 ઓગસ્ટે ભાવનગરથી તાલાલા તાલુકાના ચિત્રોડ નજીક આવેલા એક રિસોર્ટમાં ગયો હતો. બીજા દિવસે સવારે લગભગ 11 વાગ્યે, તે અને તેના બે મિત્રો કિયા કારમાં સોમનાથ જઈ રહ્યા હતા ત્યારે આગળથી ફોર્ચ્યુનર અને પાછળથી ક્રેટા કાર દ્વારા તેની કારને ટક્કર મારવામાં આવી હતી. ત્યારબાદ બંને કારમાંથી દેવાયત ખવડ સહિત 12થી 15 લોકો પાઇપ, ધોકા લઈને નીચે ઉતર્યા અને ધ્રુવરાજસિંહની કારમાં તોડફોડ સાથે તેની ઢોર માર માર્યો હતો.
આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને પોલીસ દ્વારા કેસ નોંધવામાં આવ્યો હતો. હાલ આરોપીઓને જૂનાગઢ જેલમાં મોકલાયા છે અને આગળની કાર્યવાહી સેશન્સ કોર્ટમાં થશે.
આ પણ વાંચો
- કચરામાં રોકડા… Gujaratના માણસે આખા વિસ્તારના કચરામાં બે કલાક શોધખોળ કરી શોધી કાઢ્યા 60,000 રૂપિયા
- કમોસમી વરસાદથી પીડીત ખેડૂતોના દિકરા-દિકરીઓની એક વર્ષની શૈક્ષણિક ફી સરકાર માફ કરે : Dharmik Mathukiya ASAP
- Gujarat: ઝડપથી આવતી કાર ડિવાઇડર સાથે અથડાઈને બીજી લેનમાં પડી, ચકરીની જેમ ફરતી
- Gujarat: વનતારાનું નામ વિશ્વભરમાં ગુંજે છે, CITESએ કહ્યું…પ્રાણી સંરક્ષણમાં સ્થાપિત કર્યું વૈશ્વિક ઉદાહરણ
- Ahmedabad માં સાપ જોવાની સંખ્યામાં વધારો: વટવા, નારોલ, બોપલમાં દરરોજ 15 થી 20





