Panchmahal: પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા મેન્ટેનન્સના નામે કરવામાં આવેલા 13 કલાકના લાંબા વીજકાપથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. અસહ્ય ગરમી અને બફારા વચ્ચે વીજ પુરવઠો ઠપ્પ થતાં સ્થાનિક રહીશોએ રોષ વ્યક્ત કરી પાવર હાઉસ સ્થિત MGVCLની મુખ્ય કચેરીએ પહોંચી ઉગ્ર હોબાળો મચાવ્યો હતો.
મળતી માહિતી મુજબ, ગોધરા શહેરના સિવિલ લાઈન્સ, ભૂરાવાવ, સ્ટેશન રોડ સહિતના અનેક વિસ્તારોમાં મંગળવારની રાતથી વીજ પુરવઠો ખોરવાયો હતો. બુધવારે બપોર સુધી વીજળી પુનઃસ્થાપિત ન થતા લોકોની ધીરજ ખૂટી ગઈ હતી. સતત 13 કલાક વીજળી વગર રહેતા ગરમીથી અકળાયેલા લોકો માટે પરિસ્થિતિ કફોડી બની હતી. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે મુશ્કેલી વધી હતી, જ્યારે પાણીની મોટરો બંધ રહેતાં ઘરોમાં પાણી માટે કકળાટ શરૂ થયો હતો.
વીજ પુરવઠો ક્યારે શરૂ થશે તે અંગે સંતોષકારક જવાબ ન મળતાં, અને અધિકારીઓની બેદરકારીથી અકળાયેલા સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં એકત્ર થઈ MGVCL કચેરીએ પહોંચી ગયા હતા. અહીં તેઓએ અધિકારીઓ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. પરિસ્થિતિ વણસતી જોઈ તંત્રે પોલીસને જાણ કરી, પરંતુ લોકોનો ગુસ્સો શાંત થયો નહોતો.
તંત્રની બેદરકારીથી નારાજ લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. એક સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, “આ કોઈ નવી સમસ્યા નથી. સામાન્ય વરસાદ કે પવન આવતાં જ લાઈટ બંધ થઈ જાય છે. ડીમ લાઈટ અને કાપની સમસ્યાઓ તો વર્ષોથી ચાલી રહી છે.”
રહીશો મુજબ, મંગળવારે જ્યારે તેઓએ વીજ કચેરીમાં સંપર્ક કર્યો ત્યારે તેમને પહેલા બપોરે 2 વાગ્યે અને પછી 4 વાગ્યે વીજળી આવી જશે એવું કહેવામાં આવ્યું હતું, પણ સાંજે 7 વાગ્યા સુધી પણ પુરવઠો શરૂ ન થતાં લોકોનો ગુસ્સો વધુ પ્રગટ થયો હતો.
વીજ કચેરીના અધિકારીઓએ સબ-સ્ટેશનમાં કામગીરી ચાલી રહી હોવાનો દાવો કર્યો હતો, પરંતુ રહીશોનો આક્ષેપ છે કે ત્યાં કોઈ ફોન ઉપાડતું નથી અને સ્પષ્ટ માહિતી પણ આપવામાં આવતી નથી. “લાઈટ આવશે, આવશે” એવું કહીને લોકોને ગોળ ફેરવવામાં આવે છે એવી તેમની ફરિયાદ છે.
ગ્રાહકોના ઉગ્ર રોષ અને હોબાળા બાદ MGVCLના અધિકારીઓએ તાત્કાલિક સમારકામ પૂર્ણ કરી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની ખાતરી આપી હતી. છતાં, આ ઘટનાએ વીજ કંપનીની પ્રી-મોન્સુન મેન્ટેનન્સ કામગીરી અને ગ્રાહક સેવા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
આ ઘટનાએ ફરી એકવાર દર્શાવ્યું કે તંત્ર દ્વારા સમયસર અને અસરકારક કામગીરી ન થાય તો સામાન્ય નાગરિકો માટે મુશ્કેલી ઊભી થાય છે. નાગરિકોએ પણ તંત્ર પાસે સ્પષ્ટ માહિતી અને જવાબદારીની માંગ કરી છે જેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિઓ ટાળી શકાય.
આ પણ વાંચો
- Ahmedabad: મહાનગરપાલિકાના ઝોન વાઇઝ પાર્કિંગ બની કારગર, ટ્રાફિક સમસ્યામાંથી મળી રાહત
- Gujarat: કોંગ્રેસના નેતાઓ પર કોર્ટનો ચુકાદો, સોશિયલ મીડિયા પરથી મોદી અને અદાણીના ડીપ ફેક વીડિયો દૂર કરવાનો આદેશ
- વાપીના લોકોને શુદ્ધ પાણી પણ નથી મળી રહ્યું, તો શું હેરાન થવા ભાજપને મત આપે?: Isudan Gadhvi
- આણંદ જિલ્લાના તારાપુરના રિંઝામાં 110 કરોડના ખર્ચે સાબરમતી નદી પર બ્રિજનું નિર્માણ કરાશે: CM Bhupendra Patel
- કન્સ્ટ્રક્શનમાં ‘મેડ ઇન ઇન્ડિયા’નો સૂર અને ઇમારતોમાં ભારતની વિરાસત તેમજ સંસ્કારો ઝળકાવીએ – CM Bhupendra Patel





