Isudan Gadhvi: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જેતપુર તાલુકાના જેતલસર ગામે ગુજરાત જોડો સભા કરી હતી. જેમાં પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી સહીત પ્રદેશ મહિલા વિંગ પ્રમુખ રેશ્માબેન પટેલ, તેજસભાઇ ગાજીપરા સહિત પ્રદેશ અને જિલ્લાના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં સ્થાનિકો ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા અને બહોળી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ સભાને સંબોધતા પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, અત્યારે આપણા ખેડૂતોની ખેતીને ષડયંત્રપૂર્વક ખતમ કરી દેવામાં આવી છે. જો મારા ખેડૂતો સમૃદ્ધ બનશે જો ખેતી સમૃદ્ધ બનશે તો ખેડૂતો ખેતર વેચશે નહીં. હકીકત એ છે કે આ નેતાઓની નજર ખેડૂતોની જમીન પર છે એટલે જ હું કહું છું કે જમીન ક્યારે વેચતા નહીં. બે વર્ષ રાહ જોઈ લો વિસાવદર વાળી કરવાની જ છે. આખા ગુજરાતમાં વિસાવદર વાળી થવાની છે.

હું અત્યારે જ્યાં પણ સભા કરું છું ત્યાં ભાજપવાળા 50 ફોન કરે છે અને લોકોને કહે છે કે ઈસુદાન ગઢવીની સભામાં જતા નહીં, પરંતુ લોકો ભાજપવાળાઓની વાતમાં હવે ફસાતા નથી. હું તો ભાજપ સરકારને સ્પષ્ટ કહીશ કે હું કહું એ પાંચ કામ આ સરકાર ખેડૂતો માટે કરી આપે હું આજીવન રાજનીતિ છોડી દેવા તૈયાર છું. મારે કશું જ જોઈતું નથી, અમે ખેડૂતો અને ગુજરાતના યુવાનોને બચાવવા નીકળ્યા છીએ. મારી સભામાં ખેડૂતોને આવતા રોકવા કરતાં ભાજપવાળા કામ કરવા પર ધ્યાન આપે તો વધુ સારું છે. 60 વર્ષની ઉંમર થાય એટલે બાપ દીકરાને ધંધાની જવાબદારી સોંપી દે છે અને ઈશ્વરના ભજન શરૂ કરે છે અને ભાજપવાળા 75 વર્ષ થઈ ગયા પછી પણ એક મોકો માંગે છે.

AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વધુમાં કહ્યું હતું કે, મનુષ્ય અવતાર ગામની પથારી ફેરવવા માટે નથી હોતો, મગફળી કાંડ કરવા માટે નથી હોતો, ભ્રષ્ટાચાર કરવા માટે નથી હોતો પરંતુ આ મનુષ્ય અવતાર તો પરમાર્થના કામ કરી પ્રજાનો ઉધ્ધાર કરી મુક્તિ મેળવવા માટે હોય છે. ભાજપવાળાઓ રોડ રસ્તા, બ્રિજ, તળાવો ખાઈ જવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. 30 વર્ષ શાસનમાં રહ્યા હોવા છતાં ભાજપવાળા સારા રસ્તા બનાવી શક્યા નથી. જે નેતાઓ કરોડોની સંપત્તિ બનાવીને બેઠા છે, એમનું લિસ્ટ મેં તૈયાર કર્યું છે. આજે બહેનો દીકરીઓને પરેશાન કરવામાં આવે છે, જે દિવસે અમારી સરકાર બનશે અને કોઈ બહેન દીકરીને હેરાન કરવામાં આવશે તો અમે 24 કલાકની અંદર એને જેલની પાછળ ધકેલી દઈશું. સારી સ્કૂલ, સારા શિક્ષકો, સારા રસ્તાઓ, સારા દવાખાના આપતા નથી પરંતુ હેલ્મેટ ના કાયદાનો ભંગ કરવા માટે દંડ ફટ કરવામાં આવે છે.

હું ભાજપને વિનંતી કરીને કહું છું કે હજી બે વર્ષ છે જનતા માટે કંઈક સારું કરવું હોય તો કરી નાખો. ભાજપવાળાઓ લૂંટ ચલાવે છે એટલે હવે આપણે જાગવાની જરૂર છે જો આજે તમે તમારો આત્મા નહીં જગાડો તો આવતીકાલે બીજું કોઈ તમારી મદદ કરવા આવશે નહીં, માટે જાગો અને એક વખત આમ આદમી પાર્ટીને મોકો આપીને જુઓ.