Gandhinagar: ગાંધીનગર જિલ્લાના દહેગામમાં પ્રેમલગ્ન કરનાર યુવતીના અપહરણની ઘટનાએ રાજ્યભરમાં ભારે ચકચાર મચાવી દીધી છે. મળતી માહિતી મુજબ, દોઢ વર્ષ પહેલાં પ્રેમસંબંધ બાંધી કોર્ટ મેરેજ કરનાર યુવતી આયુષીનું અપહરણ તેના જ પિયરિયાઓ દ્વારા કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ તેના પતિએ કર્યો છે. રવિ પટેલ નામના યુવકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, રવિવારે બપોરે લગભગ 2:30 વાગ્યે યુવતીના મામા સહિત છ લોકો લાકડીઓ સાથે તેમના ઘરમાં ઘૂસીને રવિ અને તેના પરિવારજનો પર હુમલો કર્યો અને આયુષીને બળજબરીથી સફેદ કલરની કિયા ગાડીમાં લઈ ગયા.

આ સમગ્ર ઘટનાનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં હુમલો અને બળજબરીથી લઈ જવાની દૃશ્યાવલિ સ્પષ્ટ દેખાઈ રહી છે. પોલીસએ તાત્કાલિક અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. હાલ સુધી દક્ષ રબારી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય આરોપીઓની શોધ માટે અલગ-અલગ ટીમો કાર્યરત છે.

રવિ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, દોઢ વર્ષ પહેલાં તેણે આયુષી સાથે પ્રેમસંબંધ બાંધ્યો હતો અને કોર્ટમાં લગ્ન કર્યા હતા. શરૂઆતના ચાર મહિના તેઓ એકસાથે બહાર રહેતાં હતા અને ત્યારબાદ છેલ્લા બે મહિનાથી દહેગામમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેમ છતાં, યુવતીના પરિવારજનોએ તેની સાથે વિરોધ દર્શાવ્યો હતો અને આખરે રવિવારે આવી બળજબરીથી અપહરણ કરી લીધું હતું.

ઘટનાને વધુ જટિલ બનાવતો વળાંક ત્યારે આવ્યો જ્યારે અપહરણ બાદ આયુષીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વીડિયોમાં આયુષીએ કહ્યું કે તેનું કોઈએ અપહરણ નથી કર્યું અને તે પોતાની ઈચ્છાથી પિયર ગઈ છે. તેણે પતિ રવિ સામે પણ કેટલાક આક્ષેપો કર્યા હોવાનું વીડિયો પર દર્શાવવામાં આવ્યું છે. વીડિયોએ કેસને નવી દિશામાં ધકેલી દીધો છે.

આ મુદ્દે પોલીસનું કહેવું છે કે, “વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો હોય તે છતાં કાયદેસરની કાર્યવાહી માટે પીડિતાની સીધી હાજરી જરૂરી છે,” એમ પોલીસ અધિકારી આર.આઈ. દેસાઈએ જણાવ્યું. તેઓએ ઉમેર્યું કે, “પીડિતા મળે ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. કેસની ગંભીરતા જોતા ક્રાઈમ બ્રાંચ અને એસઓજી સહિત કુલ 8 ટીમો રચી તપાસ હાથ ધરી છે.”

આ ઘટના અગાઉ પણ પ્રકાશમાં આવી હતી જ્યારે આશરે 8 મહિના પહેલાં બંને ભાગી ગયા હતા અને પોલીસ મથકમાં હોબાળો થયો હતો. ત્યારે પણ યુવતીએ પતિ જોડે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પણ સમાજના દબાણ અને પરિવારના વિરોધને કારણે મામલો શાંત થયો હતો. હવે ફરીથી કેસ નવા વળાંક સાથે ચર્ચામાં આવ્યો છે.

આ સમગ્ર કેસ માત્ર એક અપહરણ સુધી સીમિત નથી રહ્યો, પરંતુ પ્રેમલગ્ન સામે સમાજનું દબાણ, પરિવારની માનસિકતા અને યુવતીના આત્મસન્માન અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. એક તરફ યુવતી પોતાની સ્વતંત્રતા અને સંબંધ માટે લડી રહી છે તો બીજી તરફ પરિવાર દ્વારા તેના નિર્ણય સામે વિરોધ અને દબાણ દેખાઈ રહ્યું છે.

આ પણ વાંચો