AAP Gopal Italia News: આજના વિધાનસભા સત્રમાં આમ આદમી પાર્ટી(AAP)ના ધારાસભ્ય Gopal Italiaએ મજૂર વિરોધી કારખાના અધિનિયમ સુધારા બિલનો કડક વિરોધ કર્યો. તેમણે જણાવ્યું કે સરકારના ઉદ્યોગ વિભાગના મંત્રી કારખાના અધિનિયમમાં સુધારાનું બિલને લઈને આવ્યા છે. આ બિલમાં કારીગરોને 12 કલાક કામ કરાવવાનો પ્રસ્તાવ મુકાયો છે, જેનો અમે વિરોધ કર્યો છે. કારણ કે સમગ્ર દુનિયામાં આઠ કલાક કામ કરવાનો કાયદો છે અને હવે ગુજરાત પહેલું રાજ્ય બનશે, જ્યાં 12 કલાક કામ કરવાનો કાયદો લાવવામાં આવ્યો છે. મેં વિધાનસભામાં સરકારને સવાલ કર્યો કે મજૂરો પાસેથી 12 કલાક કામ કરાવવાની રજૂઆત કોણે કરી? હકીકતમાં કોઈ મજૂર સંગઠન કે કામદારોએ આવી માંગણી કરી નથી. તો પછી શા માટે સરકારને એવું લાગે છે કે કામકાજના કલાકો 8 કલાકથી વધારીને 12 કલાક કરવા જોઈએ? સરકારે કહ્યું કે રાજ્યનો ઔદ્યોગિક વિકાસ કરવા અને રાજ્યમાં મૂડી રોકાણ વધારવા માટે 12 કલાક કરવામાં આવી રહ્યા છે.

પણ આશ્ચર્યનો અને દુર્ભાગ્યનો વિષય એ છે કે જ્યારે આ બિલ રજૂ થયું ત્યારે ઉદ્યોગ વિભાગના એક પણ અધિકારી વિધાનસભાની ગેલેરીમાં હાજર ન હતા. જે વિભાગનું બિલ રજૂ કરવામાં આવતું હોય તેવી વિભાગના અધિકારીઓને ગેલેરીમાં બેસવું પડતું હોય છે કારણ કે એ બીલ મુદ્દે કોઈ પણ પ્રશ્નો આવે કે સમસ્યા આવે તો અધિકારીઓ જવાબ આપી શકે. તો જે અધિકારીઓ પોતે વિધાનસભામાં બે કલાક પણ બેસી શકતા નથી, તેઓ મજૂરો પાસેથી 12 કલાક કામ કરાવવાની વાત કરે છે. ગુજરાતના વિકાસ માટે માત્ર મજૂરો પાસેથી 12 કલાક કામ શા માટે કરાવવામાં આવી રહ્યું છે? સૌપ્રથમ ગામના તલાટી મંત્રીને પણ 12 કલાક કામ કરાવો, જિલ્લાના કલેકટરને, મુખ્ય સચિવને, અધિકારીને અને મંત્રીને પણ 12 કલાક કામ કરાવો. જો બધાના 12 કલાક કરવામાં આવશે તો ગુજરાતનો વિકાસ વધુ થશે. મંત્રી અને તલાટી મંત્રી અઠવાડિયામાં એક દિવસ આવશે પરંતુ સરકાર ઈચ્છે છે કે મજૂરો પાસેથી 12 કલાક કામ કરવામાં આવે, તો ભાજપની આ જે હલકી માનસિકતા છે તેનો મેં વિધાનસભામાં સ્પષ્ટ અને કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો અને આ મજૂર વિરોધી વિધેયકનો અમે વિરોધ કર્યો