Surat : અડાજણ વિસ્તારમાં નવરાત્રિ દરમિયાન 12 વર્ષની બાળા પર બળજબરીથી દુષ્કર્મ કરનાર 22 વર્ષીય આરોપીને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સુરતની એડીશનલ સેશન્સ કોર્ટે પોક્સો એક્ટ સહિતના ગુનાઓ હેઠળ દોષી ઠેરવી માત્ર કેદ જ નહીં, પરંતુ દંડ અને વળતર પણ ફટકાર્યું છે. આરોપી રાહુલ ઉર્ફે પાલીસ દિપક ચૌહાણ સામે લાવવામાં આવેલા આરોપોને સાચા ઠેરવી, કેસની ઝડપી સુનાવણી દરમિયાન પૂરતા પુરાવા આધારે કડક નિર્ણય આપવામાં આવ્યો છે.

શું હતી ઘટના?

આ ઘટના નવેમ્બર, 2024 દરમિયાન નવરાત્રિના ચોથા નોરતાની છે. અડાજણ વિસ્તારમાં રહેતો આરોપી રાહુલ ચૌહાણ (ઉંમર 22 વર્ષ)એ પોતાની ઓળખાણ દ્વારા 12 વર્ષ અને 8 મહિનાની પીડિત બાળાને ઘરે બોલાવી હતી. ત્યાં તેણે બળજબરીથી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો અને બાદમાં ધમકી આપી કે જો આ વાત કોઈને કહેશે તો તેની સાથે ખરાબ પરિણામ આવશે. આરોપીએ ડરાવી ધમકાવીને પીડિત સાથે એકથી વધુ વખત દુષ્કર્મ આચર્યું હતું.

આ ઘટનાના કારણે બાળાના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી. આખરે બાળાની માતાએ 12 ફેબ્રુઆરી, 2025ના રોજ અડાજણ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

કેસની સુનાવણી અને પુરાવાઓ

આ કેસની ઝડપી સુનાવણી માટે અડાજણ પોલીસ દ્વારા મજબૂત પુરાવા રજૂ કરવામાં આવ્યા. સરકારી પક્ષે એપીપી દિપેશ દવેએ કુલ 10 સાક્ષીઓ અને 29 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. તેમાં પીડિત બાળાની જુબાની, મેડિકલ રિપોર્ટ, તેમજ અન્ય સાક્ષીઓની વિગતો સામેલ હતી. પીડિતાની વાત સ્પષ્ટ હતી કે આરોપીએ તેની નાની ઉમરનો લાભ લઈને તેના પર અતિશય શારીરિક અને માનસિક અત્યાચાર કર્યો.

બચાવ પક્ષની દલીલો

બચાવ પક્ષે દલીલ કરી હતી કે ઘટનાના સમયે કોઈ પ્રત્યક્ષ સાક્ષી હાજર નહોતા. તેઓએ એ પણ જણાવ્યું કે પીડિતા અને આરોપી વચ્ચે મિત્રતાના સંબંધો હતા અને ફરિયાદ નોંધવામાં વિલંબ થયો હતો. ઉપરાંત, FSL રિપોર્ટમાં કપડાં પર કોઈ ડાઘ મળ્યા ન હોવાનો મુદ્દો પણ તેમણે આગળ મૂક્યો હતો.

કોર્ટે શું કહ્યું?

કોર્ટએ બંને પક્ષોની દલીલો, સાક્ષીઓની જુબાની અને દસ્તાવેજી પુરાવાઓનું વિશ્લેષણ કર્યા બાદ આરોપીને દોષી ઠેરવ્યો. કોર્ટે સ્પષ્ટ રીતે જણાવ્યું કે પીડિત બાળાની ઉમર માત્ર 12 વર્ષ છે અને આરોપીએ તેની નાની ઉમરની જાણ હોવા છતાં તેની સાથે દુષ્કર્મ આચર્યું છે. આવા ગંભીર ગુનાઓ સામે સમાજમાં મજબૂત સંદેશ જાય તે માટે આરોપીને કડક સજા કરવી જરૂરી છે.

સજા અને દંડ

કોર્ટે રાહુલ ચૌહાણને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે જ, રૂ. 1.75 લાખનો દંડ પણ કરવામાં આવ્યો છે. ઉપરાંત, પીડિત બાળાને રૂ. 6 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે જેથી તેની સારવાર અને પુનર્વસવાટ માટે સહાય મળી શકે.

આ પણ વાંચો