CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 11મી સપ્ટેમ્બર રાષ્ટ્રીય વન શહીદ દિવસે ગાંધીનગરમાં રાજ્યના પ્રથમ “વનપાલ સ્મારક” ખાતે જઈને વન શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

વન અને વન્યજીવોના સંરક્ષણ તેમજ સંવર્ધન દરમિયાન ફરજ બજાવતા શહીદ થયેલા વન વિભાગના વનરક્ષક, વનપાલ, પરિક્ષેત્ર વન અધિકારીઓ અને અન્ય ફ્રન્ટ લાઈન વન કર્મીઓની શહાદતના સન્માનમાં કેન્દ્ર સરકાર દ્વારા 213થી દર વર્ષે 11મી સપ્ટેમ્બરને રાષ્ટ્રીય વન શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

ગુજરાત રાજ્યમાં આવી શહાદતને વરેલા 9 જેટલા વન શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી તેમને ભાવાંજલી અર્પણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં સેક્ટર 30માં વન ચેતના કેન્દ્ર ખાતે નિર્માણ થયેલા રાજ્યના પ્રથમ “વનપાલ સ્મારક” પહોચ્યા હતા.

તેમણે વનમંત્રી મૂળુભાઈ બેરા તથા રાજ્યમંત્રી મૂકેશભાઈ પટેલ સાથે વન શહીદ વીરોને ભાવપૂર્વક અંજલી આપીને બે મિનીટનું મૌન પાળી યથોચિત સન્માન આપ્યુ હતું.

આ વેળાએ ધારાસભ્ય રિટાબહેન પટેલ, વન પર્યાવરણ અગ્રસચિવ સંજીવકુમાર તેમજ હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ એ. પી. સિંઘ તથા વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ પણ વન શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી.