Mahisagar: મોરબી – મોરબી બ્રિજ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલની માલિકીની અજંતા પ્રાઇવેટ લિમિટેડના કડાણા ડેમ નજીક આવેલા હાઇડ્રો પાવર પ્લાન્ટમાં પાંચ યુવકોના કરુણ મોત થયા હોવા છતાં, જવાબદાર વ્યક્તિઓ હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. પોલીસ દ્વારા ગુનાહિત માનવવધ સહિતની ફરિયાદ નોંધવામાં આવી છે, પરંતુ આરોપીઓને પકડવાની કાર્યવાહી અટકેલી રહેતા લોકોમાં રોષ ફેલાયો છે અને ન્યાય માટે માંગ ઉઠી રહી છે.

જવાબદાર ગાયબ, પોલીસ નિષ્ક્રિય

ઘટના બને ત્યારે પ્લાન્ટના સુપરવાઇઝર સહિત અનેક જવાબદાર વ્યક્તિઓ સ્થળ પરથી ગાયબ થઈ ગયા હતા. પોલીસએ ફરિયાદ નોંધતાં જ સંતોષ માન્યો હોવાનો લોકોનો આક્ષેપ છે. શિક્ષણ મંત્રીએ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી, છતાં આજદિન સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. લોકોનું કહેવું છે કે, બેદરકારી અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે શિસ્તબદ્ધ પગલાં લેવાં જરૂરી છે, નહીંતર આવી દુર્ઘટનાઓ ફરી બની શકે છે.

મોરબી બ્રિજ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલની કંપની સાથે જોડાયેલા આ નવા કેસે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. પ્લાન્ટની કામગીરીમાં લાપરવાહીથી પાંચ નિર્દોષ યુવકો જીવ ગુમાવી બેઠા છે, છતાં તંત્ર મૌન છે. આ ઘટનાએ માત્ર પરિવારજનોને જ નહીં પરંતુ સમગ્ર સમાજને હચમચાવી દીધો છે.

ઘટના કેવી રીતે બની?

ચોથી સપ્ટેમ્બરના રોજ મહીસાગર નદીમાં પાણી છોડતાં લુણાવાડા તાલુકાના દોલતપુરા ગામ પાસે આવેલા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં અચાનક પાણીનો પ્રવાહ ધસી આવ્યો હતો. પ્લાન્ટની અંદર લગભગ 15થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. બપોરે લગભગ ત્રણ વાગ્યે અચાનક 200 ફૂટ નીચે બ્લાસ્ટ થયો અને પાણી અંદર ઘૂસી ગયું. બચી ગયેલા એક કર્મચારીએ જણાવ્યું હતું કે, “અચાનક પાણી એટલી ઝડપથી ઘૂસી આવ્યું કે કોઈને સંભાળવાનો સમય મળ્યો નહીં. જેમને તરતા આવડતું હતું અથવા કોઈ વસ્તુ પકડી શક્યા તેઓ બચી ગયા, પણ પાંચ યુવકો પાણીમાં તણાઈ ગયા.”

ડેમના ઉચ્ચ અધિકારીઓની બેદરકારી

કડાણા ડેમમાંથી પાણી છોડવાની પૂર્વ સૂચના આપવામાં આવી હોવા છતાં, પ્લાન્ટના ઉચ્ચ અધિકારીઓએ તેને અવગણ્યી હતી. 200 ફૂટ નીચે કામ કરતા કર્મચારીઓને સમયસર બહાર કાઢવામાં આવ્યા ન હતા. યોગ્ય આયોજન અને સાવચેતીના અભાવે પાંચ યુવકોના મોત થયા. પરિસ્થિતિનું ગંભીરતાથી મૂલ્યાંકન કરવામાં ન આવ્યું, જેના કારણે ભારે નુકસાન થયું.

ન્યાયની માંગ

ઘટના બાદ ગામ અને આસપાસના વિસ્તારોમાં ભારે રોષ જોવા મળ્યો છે. લોકો દાવો કરી રહ્યા છે કે, “જવાબદાર વ્યક્તિઓ સામે તરત જ કડક કાર્યવાહી થવી જોઈએ. ગુનાહિત બેદરકારી અને લાપરવાહી માટે દંડાત્મક પગલાં લેવાં જરૂરી છે.” શિક્ષણ મંત્રીએ આશ્વાસન આપ્યું હોવા છતાં કાર્યવાહી અંગે કોઈ સ્પષ્ટતા નથી. પોલીસની નિષ્ક્રિયતા સામે સમાજના વિવિધ વર્ગોએ નારાજગી વ્યક્ત કરી છે.

આ ઘટનાએ માત્ર એક દુર્ઘટના જ નહીં પણ કોર્પોરેટ બેદરકારી, નિયમોનું પાલન ન થવું અને તંત્રની ઉદાસીનતાના ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. હાલમાં લોકો ન્યાય માટે રાહ જોઈ રહ્યા છે અને તપાસમાં સહકાર આપવાની માગણી સાથે તંત્ર પર દબાણ વધારી રહ્યા છે.

આ પણ વાંચો