Ahmedabad: અમદાવાદ – થોડા દિવસ પહેલાં સેવન્થ ડે એડવેન્ટીસ્ટ સ્કૂલમાં એક વિદ્યાર્થી દ્વારા સગીરની હત્યાના ગંભીર બનાવ બાદ શાળાને અમદાવાદ શહેર ડીઇઓ તરફથી કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી અને તેની પાસેથી વિવિધ દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા. આ કાર્યવાહી સામે શાળા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં બે અલગ-અલગ રિટ અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેને પહેલી જ સુનાવણી દરમિયાન જસ્ટિસ નિખિલ એસ. કેરીયલે કડક વલણ સાથે ફગાવી દીધી છે.
હાઇકોર્ટે શાળાને કોઈ પણ પ્રકારની રાહત આપવાનો ઇન્કાર કર્યો હતો અને સ્પષ્ટ કહ્યું કે, “વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની હત્યાનો બનાવ સમાજ માટે ચિંતાજનક છે. શાળા અને સરકાર બંને વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે જવાબદાર છે. આવા બનાવ ફરીથી ન બને તે જોવું જરૂરી છે.” કોર્ટે દસ્તાવેજો આપવા માટે શાળાને સૂચના આપી, સાથે જ તપાસમાં સહકાર આપવા ભાર મૂક્યો.
અદાલતે જણાવ્યું કે, ડીઇઓને તપાસ કરવાની સંપૂર્ણ છૂટ આપવામાં આવે અને જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવામાં શાળાએ કોઈ વાંધો ન બતાવવો જોઈએ. શાળા પાસે એનઓસી અથવા માન્યતા રદ થાય ત્યાં સુધી હાલ કોઈ કાનૂની અડચણ ઉભી કરવી યોગ્ય નથી. જરૂર પડે તો શાળા આગળ જઈ કાનૂની વિકલ્પ અપનાવી શકે છે.
આ દરમિયાન, શાળાની રિટ અરજીઓમાં આરટીઇ એક્ટ હેઠળ રચાયેલી પાંચ સભ્યોની તપાસ સમિતિની કાયદેસરતા પર પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. ડીઇઓ રોહિત ચૌધરીએ શાળાને શો-કોઝ નોટિસ આપીને ધોરણ 1થી 12 સુધીના અભ્યાસ માટેની પરવાનગી, બોર્ડ જોડાણ પ્રમાણપત્ર, એનઓસી, શાળા નકશો, ટ્રસ્ટ ડીડ, ફાયર એનઓસી, શિક્ષકોની લાયકાત સહિત કુલ 16 પ્રકારના દસ્તાવેજો માંગ્યા હતા. શાળાએ આ નોટિસને પડકારી હતી, પણ સરકારપક્ષે તેનો સખત વિરોધ કર્યો.
સરકાર તરફથી મદદનીશ સરકારી વકીલ ધારિત્રી પંચોલીએ અદાલતનું ધ્યાન દોર્યું કે, ડીઇઓને શાળાની પાસેથી દસ્તાવેજો માંગવાનો સંપૂર્ણ અધિકાર છે. ઉપરાંત, શાળા પાસે માઇનોરિટી સર્ટિફિકેટ ન હોવાથી તેનું બચાવ પણ ટકી શકે તેમ નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, નિર્દોષ વિદ્યાર્થીની હત્યા બાદ શાળાએ માત્ર દેખાવ માટે સાત સભ્યોની ઇન્ટર્નલ કમીટી બનાવી હતી, જેમાંથી બે સભ્યોએ લખિતમાં જણાવ્યું કે, તેમને કંઈ ખબર જ નહોતી અને તેમનું નામ માત્ર દર્શાવવામાં આવ્યું હતું.
હાઇકોર્ટે પણ માન્યું કે, ડીઇઓ અથવા સરકાર દ્વારા હજી સુધી શાળા સામે કોઈ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી નથી અને માત્ર નોટિસ આપવામાં આવી છે, જે નિયમ મુજબ યોગ્ય છે. તેથી શાળાની બંને અરજીઓ ફગાવી દેવામાં આવી.
તોડફોડ કેસમાં ત્રણ વિદ્યાર્થીઓએ ફરિયાદ રદ કરવા માંગ્યું
શાળામાં તોડફોડ સંબંધિત કેસમાં ત્રણ વિદ્યાર્થીઓએ પોતાની સામેની ફરિયાદ રદ કરવા માટે હાઇકોર્ટમાં અરજી કરી છે. કોર્ટે સરકાર અને પોલીસને નોટિસ આપીને ધરપકડ સહિતની કાર્યવાહી પર સ્ટે આપ્યો છે અને આગામી સુનાવણી માટે 4 નવેમ્બરની તારીખ નક્કી કરી છે. અદાલતે ટકોર કરી કે, “શાળાને વિદ્યાર્થીઓની સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા ન હતી અને ગંભીર બનાવ છતાં તરત જ ફરિયાદ કરી દેવામાં આવી.”
વિદ્યાર્થીઓ તરફથી દલીલ કરવામાં આવી કે, તોડફોડ માત્ર હત્યાના બનાવ સામે લોકોના સ્વયંભૂ આક્રોશથી થઈ હતી. જો સીસીટીવીમાં તેમના દોષિત હોવાનો પુરાવો મળે તો તેઓ દંડ ભરવા પણ તૈયાર છે, પરંતુ ખોટી રીતે કેસમાં ફસાવવામાં આવ્યા છે.
શાળાની ટીકા, ઢાંકપિછોડાના આરોપ
સરકારપક્ષે હાઇકોર્ટનું ધ્યાન દોર્યું કે, સેવન્થ ડે એડવેન્ટીસ્ટ સ્કૂલે વિદ્યાર્થીની કરપીણ હત્યાના ગંભીર બનાવને ઢાંકપિછોડો કરવાનો પ્રયત્ન કર્યો હતો. બનાવ બન્યો તે દિવસે ડીઇઓએ શાળાને ખુલાસો માંગ્યો છતાં કોઈ જવાબ મળ્યો નહોતો. બીજા દિવસે પણ શાળાએ ઓનલાઇન ક્લાસ શરૂ કરવાની સૂચના માની નહીં. આ કારણે ડીઇઓએ શાળાને એનઓસી રદ કરવાની નોટિસ ફટકારી હતી અને શાળાની ગંભીર બેદરકારી સામે કડક પગલાં લેવા તૈયારી દર્શાવી હતી.
આ પણ વાંચો
- Nepal: કાઠમંડુ એરપોર્ટ એક દિવસ પછી ફરી ખુલ્યું, મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફસાયા, સેનાએ સૂચનાઓ આપી
- Ahmedabad: બાપુનગરમાં રામદેવપીર મંદિરની તોડફોડ, એક યુવક પકડાયો, તણાવ વચ્ચે પોલીસે કાર્યવાહી શરૂ કરી
- Hardik Patel: ૨૦૧૮ ના પાટીદાર અનામત આંદોલન કેસમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ
- Mahisagar: લુણાવાડામાં કરુણ ઘટના, પુત્રએ માતા-પિતા પર જીવલેણ હુમલો કર્યો, પિતાનું મોત, માતા ગંભીર ઈજાગ્રસ્ત
- Panchmahal: GFL ફેક્ટરીમાં ગેસ લીકેજ, 25થી વધુ લોકો અસરગ્રસ્ત, તંત્ર હરકતમાં