Gandhinagar:: ગુજરાતમાં સરકારી ભરતી પ્રક્રિયાઓ અંગે એક મહત્વની ચર્ચા શરૂ થઈ છે. ભારતીય જનતા પાર્ટીના જ સાંસદ સભ્ય જશુભાઈ રાઠવાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને વર્ગ-3ની તમામ ભરતીમાં SC/ST કેટેગરીના ઉમેદવારો માટે લાયકાત ગુણમાં 10% છૂટછાટ આપવા માંગ કરી છે.
હાલમાં રાજ્ય સરકાર દ્વારા યોજાતી વિવિધ ભરતી પરીક્ષાઓમાં લાયકાત માટેનું સામાન્ય માપદંડ 40 ટકા ગુણ છે. જશુભાઈ રાઠવાને પોતાના પત્રમાં રજૂઆત કરી છે કે અનુચ્છેદ 335 મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને યોગ્ય રિયાયત આપવામાં આવી શકે છે. તેથી વર્ગ-3 સહિત પોલીસ ભરતી, રેવન્યુ તલાટી અને ભવિષ્યમાં યોજાનારી અન્ય તમામ ભરતીમાં લાયકાત ધોરણ 40 ટકાથી ઘટાડી 30 ટકા રાખવામાં આવે તો હજારો વિદ્યાર્થીઓને સીધો લાભ મળી શકે.
કેન્દ્ર સરકારનો દાખલો
સાંસદ જશુભાઈ રાઠવાએ પોતાના પત્રમાં કેન્દ્ર સરકારની SSC ભરતી પરીક્ષાઓનો ઉલ્લેખ કર્યો છે. SSC CHSL અને CGL જેવી દેશભરમાં યોજાતી મહત્વપૂર્ણ પરીક્ષાઓમાં સામાન્ય વર્ગ માટે મિનિમમ લાયકાત ગુણ 30 ટકા રાખવામાં આવ્યા છે. જ્યારે EWS અને OBC ઉમેદવારો માટે 5 ટકા છૂટછાટ આપી લાયકાત 25 ટકા રાખવામાં આવે છે.
તેમણે દલીલ કરી છે કે જો કેન્દ્ર સરકાર આ પ્રકારની છૂટછાટ આપે છે, તો ગુજરાત સરકારે પણ રાજ્યની ભરતી પ્રક્રિયામાં સમાન નીતિ અપનાવવી જોઈએ. ખાસ કરીને ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને આ નીતિથી મોટા પ્રમાણમાં રાહત મળી શકે છે.
પોલીસ ભરતીના પરિણામનો ઉલ્લેખ
હાલમાં જ જાહેર કરાયેલા પોલીસ ભરતીના પરિણામનો ઉલ્લેખ કરતાં જશુભાઈએ જણાવ્યું છે કે અનેક SC/ST ઉમેદવારો માત્ર લાયકાતના 40 ટકા માપદંડને કારણે પસંદગીમાંથી બહાર રહી ગયા. તેમણે જણાવ્યું કે, આ વિદ્યાર્થીઓની મહેનત હોવા છતાં માત્ર 5-10 ગુણના કારણે તેઓ અપાત્ર ઠર્યા છે. જો રાજ્ય સરકારે લાયકાત ધોરણમાં છૂટછાટ આપી હોત, તો હજારો ઉમેદવારોની પસંદગી શક્ય બની હોત.
અનુચ્છેદ 335નો આધાર
સાંસદે પોતાના પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે ભારતના સંવિધાનમાં અનુચ્છેદ 335 મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને રોજગાર તકોમાં ન્યાય આપવાની જોગવાઈ છે. રાજ્ય સરકાર આ જોગવાઈનો ઉપયોગ કરીને કાયદેસર રીતે SC/ST ઉમેદવારોને લાયકાતમાં રાહત આપી શકે છે.
ભાવિ ભરતીમાં લાભ
જશુભાઈ રાઠવાએ પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે આગામી સમયમાં યોજાનારી રેવન્યુ તલાટી, જુનિયર ક્લાર્ક, કન્સ્ટેબલ અને અન્ય વર્ગ-3ની ભરતીમાં આ નીતિ લાગુ કરવામાં આવે તો તે હજારો વિદ્યાર્થીઓ માટે જીવન બદલાવનારી સાબિત થઈ શકે છે.
ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની તકો મર્યાદિત હોવાને કારણે વિદ્યાર્થીઓ ઘણીવાર પ્રતિસ્પર્ધામાં પાછળ રહી જાય છે. લાયકાત ગુણમાં 10 ટકા છૂટછાટ આપવાથી તેમને યોગ્ય તક મળશે અને સરકારી નોકરીઓમાં તેમનો હિસ્સો વધશે.
રાજકીય અને સામાજિક પ્રતિસાદ
જશુભાઈ રાઠવા પોતે આદિવાસી વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી તેમના આ પગલાને આદિવાસી સમાજમાંથી મોટો સમર્થન મળશે તેવી શક્યતા છે. બીજી તરફ, શિક્ષણવિદોનું માનવું છે કે લાયકાત ધોરણમાં છૂટછાટ આપવી એ માત્ર તાત્કાલિક રાહત છે, જ્યારે લાંબા ગાળે સરકારને આ વિસ્તારોમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે પગલાં લેવા પડશે.
સામાન્ય વર્ગના કેટલાક વિદ્યાર્થીઓનું મંતવ્ય છે કે ભરતી પ્રક્રિયા સમાન હોવી જોઈએ. જો લાયકાત ધોરણમાં વધુ છૂટછાટ આપવામાં આવશે, તો સ્પર્ધાત્મકતા પર અસર થઈ શકે છે. પરંતુ બીજી બાજુ સમર્થકોનું માનવું છે કે આ નીતિ સમાજના નબળા વર્ગોને આગળ લાવવા માટે જરૂરી છે.
સરકારનો આગલો પગલું
હાલમાં રાજ્ય સરકારે જશુભાઈ રાઠવાના પત્ર પર કોઈ સત્તાવાર પ્રતિસાદ આપ્યો નથી. પરંતુ જો આ રજૂઆતને સરકાર ગંભીરતાથી લઈ નિયમમાં ફેરફાર કરે, તો તે ગુજરાતની ભરતી પ્રક્રિયામાં એક મોટો બદલાવ સાબિત થઈ શકે છે. SC/ST કેટેગરીના વિદ્યાર્થીઓમાં આશા છે કે સરકાર તેમના હિતમાં ઝડપી નિર્ણય કરશે.
આ પણ વાંચો
- ટ્રમ્પના નિર્ણયથી આ દેશ HIV સંકટમાં ધકેલાઈ ગયો, બાળકો પીડાઈ રહ્યા છે
- North Korea માં અમેરિકાના મિશનનો ખુલાસો, આટલું મોટું સત્ય 6 વર્ષ સુધી છુપાવવામાં આવ્યું હતું
- Shreyas Iyer: શ્રેયસ ઐયર કેપ્ટન બન્યો, ધ્રુવ જુરેલને મળી મોટી જવાબદારી, ભારતની આ ટીમની જાહેરાત
- Canada: કડક નિયમો વચ્ચે કેનેડાએ 2025 માં 80% ભારતીય વિદ્યાર્થી વિઝા નકારી કાઢ્યા: અહેવાલો
- Rajasthan: જયપુરમાં ચાર માળનું મકાન ધરાશાયી, પિતા-દીકરીનું મોત, 7 લોકો કાટમાળમાં દટાયા