Junagadh: જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. એક મહિના પહેલાં વિદ્યાર્થીઓને માર મારવાના વીડિયો વાયરલ થયા હતા, અને હવે ફરીથી આ જ હોસ્ટેલના કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા અન્ય વિદ્યાર્થી પર અત્યાચાર થતાંના ચારથી પાંચ નવા વીડિયો સોશિયલ મીડિયા પર ફેલાતા ચકચાર મચી ગઈ છે. આ વીડિયોઝ વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષનું કારણ બન્યા છે. સાથે જ હોસ્ટેલની સુરક્ષા વ્યવસ્થા અને સંચાલકોની જવાબદારી અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.

નવી વાયરલ થયેલી ક્લિપ્સમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે ત્રણથી ચાર વિદ્યાર્થીઓ ભેગા મળી એક વિદ્યાર્થીને ગડદાપાટુ અને મુક્કા મારી રહ્યા છે. આ શારીરિક અત્યાચારના દ્રશ્યો અત્યંત ચોંકાવનારા છે અને હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની સલામતી પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે.

વાલીઓમાં રોષ અને કાર્યવાહી માટે માંગ

આ તાજેતરની ઘટનાએ વાલીઓમાં ભારે ચિંતા ફેલાવી છે. તેઓની સ્પષ્ટ માંગ છે કે આ મામલે કડક તપાસ કરવામાં આવે અને જવાબદાર લોકો સામે કાયદેસર પગલાં લેવામાં આવે. આ ઘટનાથી શાળાની પ્રતિષ્ઠા પર પણ ગંભીર અસર થઈ છે. હાલમાં સ્થાનિક પોલીસ અને શિક્ષણ વિભાગની આગળની કાર્યવાહી પર સૌની નજર છે.

એક મહિના પહેલાંનો કિસ્સો

આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં 27 જુલાઈએ પણ હિંસાની ઘટના બની હતી. કબડ્ડી રમવા જેવી નાના મુદ્દે પાંચ વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. આ ઘટના મોબાઈલમાં કેદ થયેલી હતી અને 30 ઓગસ્ટે ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ સોશિયલ મીડિયા પર વીડિયો જોયો હતો. ત્યારબાદ તેમણે તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસએ ચાર માર મારનાર વિદ્યાર્થીઓ અને વીડિયો શૂટ કરનાર એક વિદ્યાર્થી સામે કેસ નોંધ્યો હતો.

વીડિયોમાં જોઈ શકાય છે કે પીડિત વિદ્યાર્થી રડતો હોવા છતાં તેને સતત ગડદાપાટુ અને લાફા ઝીંકવામાં આવ્યા હતા. આ ઘટના માત્ર વિદ્યાર્થીઓની આક્રમકતા જ નહીં, પરંતુ હોસ્ટેલના સંચાલનમાં રહેલી બેદરકારીને પણ ઉજાગર કરે છે.

યુવાધનમાં હિંસક માનસિકતા : ચિંતાનો વિષય

તાજેતરના બનાવો દર્શાવે છે કે આજની પેઢીમાં હિંસક માનસિકતાનો ભયજનક વધારો થઈ રહ્યો છે. મોબાઈલ, વેબ સિરીઝ અને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવા મળતા હિંસક દ્રશ્યોનો સીધો પ્રભાવ બાળકોના મન પર પડી રહ્યો છે. પોતાની ધાક જમાવવી કે રોફ બતાવવો તે હેતુસર ઘણા વિદ્યાર્થીઓ હિંસક વર્તન અપનાવતા જોવા મળે છે.

આ પરિસ્થિતિ શાળાઓ અને કોલેજોમાં દાદાગીરી તથા મારઝૂડના કિસ્સાઓ વધારી રહી છે. મનોવિજ્ઞાનીઓ માને છે કે આ માત્ર શારીરિક નુકસાન નથી પહોંચાડતું, પરંતુ બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે પણ ગંભીર જોખમ ઉભું કરે છે.

પીડિત પર લાંબાગાળાની અસર

આવા અત્યાચાર પીડિતના મન પર જીવનભર અછોટ છોડી જાય છે. મનોવિજ્ઞાનીઓ જણાવે છે કે આવા અનુભવો બાળકને ફોબિયાનો શિકાર બનાવી શકે છે, તેને સમાજમાં કાયર ગણાવવાનો ડર સતાવતો રહે છે અને તે માનસિક તકલીફમાં સપડાઈ જાય છે. ક્યારેક આવી પીડા એટલી ગંભીર બને છે કે પીડિત પોતાની ઓળખ અને આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. આવા વિદ્યાર્થીઓને નિયમિત કાઉન્સેલિંગની જરૂર પડે છે, જેથી તેઓ ધીમે ધીમે આ દુષ્પ્રભાવમાંથી બહાર આવી શકે. આ પીડા માત્ર ભોગ બનનાર સુધી સીમિત રહેતી નથી, પરંતુ તેના આખા પરિવારને અસર કરે છે.

આ પણ વાંચો