Mahisagar: મહીસાગર જિલ્લાના દોલતપુરા ખાતે આવેલી અજંતા પ્રાઈવેટ લિમિટેડ હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં બનેલી ભયાનક દુર્ઘટનાએ હાહાકાર મચાવ્યો છે. શુક્રવારે બપોરે લગભગ 3 વાગ્યે બનેલી આ ઘટનામાં પાંચ યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાને 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં ગુમ થયેલા યુવકોનો કોઈ પત્તો લાગ્યો નથી. પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં લેતા ગાંધીનગરથી NDRFની ટીમ સ્થળ પર બોલાવવામાં આવી છે. હાલ ડૂબેલા યુવકોને શોધવા માટે અલગ-અલગ ઉપકરણોની મદદથી કામગીરી ચાલી રહી છે.
“અચાનક બ્લાસ્ટ અને પાણીનો ધસમસતો પ્રવાહ”
પ્લાન્ટમાં હાજર રહીને બચી ગયેલા એક કર્મચારીએ જણાવ્યું કે અંદાજે 200 ફૂટ નીચે અચાનક વિસ્ફોટ થયો હતો, જેના કારણે પાણીનો ધસમસતો પ્રવાહ પ્લાન્ટની અંદર ઘૂસી ગયો હતો. પાણી એટલી ઝડપથી આવ્યું કે કર્મચારીઓને કંઈ સમજવા માટે પણ સમય ન મળ્યો. તે સમયે પ્લાન્ટમાં 15 જેટલા લોકો કાર્યરત હતા, જેમાંથી 10 લોકોએ ભાગી છૂટીને પોતાનો જીવ બચાવ્યો, જ્યારે પાંચ યુવકો પાણીના તોફાની પ્રવાહમાં સપડાઈને ડૂબી ગયા. જેમને તરતા આવડતું હતું અને નજીકમાં કોઈ વસ્તુ પકડી શક્યા, તેઓ બહાર નીકળી ગયા.
પરિવારજનોમાં રડારોડો
આ દુર્ઘટનામાં ગુમ થયેલા પાંચેય યુવકોના ફોટા સામે આવ્યા છે. તેમના પરિવારજનો પોતાના સ્વજનોની રાહ જોઈ રહ્યા છે અને દુઃખમાં આક્રંદ કરી રહ્યા છે. ગોધરાના એક ગુમ યુવકના સગાએ વ્યથા વ્યક્ત કરતાં કહ્યું કે, “અમારો પુત્ર જીવતો હોય કે મૃત, પણ અમને વહેલી તકે મળી રહે તે અમારી અપીલ છે.”
ગુમ થયેલા કર્મચારીઓના નામ
- શૈલેષભાઈ શામજીભાઈ માછી (રહે. દોલતપુરા, જિ. મહીસાગર)
- શૈલેષભાઈ રમણભાઈ માછી (રહે. દોલતપુરા, જિ. મહીસાગર)
- ભરતભાઈ અખમાભાઈ પાદરીયા (રહે. દવાલીયા, જિ. મહીસાગર)
- અરવિંદભાઈ ડામોર (રહે. ઓકલીયા)
- નરેશભાઈ (વાયરમેન, રહે. ગોધરા)
3 લાખ ક્યુસેક પાણી છોડાતા 106 ગામોને એલર્ટ
ડેમનું રૂલ લેવલ જાળવવા તેમજ ઉપરવાસમાંથી આવતી આવકને કારણે કડાણા ડેમમાંથી શુક્રવારે સાંજે 6 વાગ્યે મહીસાગર નદીમાં લગભગ 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. પાણી છોડાતાં 106 ગામોને પહેલેથી જ એલર્ટ પર મૂકવામાં આવ્યા હતા. આ જ સમયે નદીમાં પાણીના વધારા સાથે પાવર પ્લાન્ટમાં દુર્ઘટના સર્જાતા પરિસ્થિતિ વધુ વિકટ બની ગઈ છે.
આ પણ વાંચો
- અમૃતસરમાં SSOCને મોટી સફળતા, આતંકવાદી નેટવર્ક સાથે જોડાયેલા શંકાસ્પદની ધરપકડ
- Jayant Narlikarને વિજ્ઞાન રત્ન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા; આઠ વિજ્ઞાન શ્રી અને ૧૪ વિજ્ઞાન યુવા પુરસ્કારોની પણ જાહેરાત કરવામાં આવી
- ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરો સાથે થયેલી છેડતી અંગે BCCI એ નિવેદન જારી કર્યું, સુરક્ષા પ્રોટોકોલ વિશે આ કહ્યું
- Ireland: ડાબેરી પક્ષના સ્વતંત્ર ઉમેદવાર કેથરિન કોનોલી આયર્લેન્ડના નવા રાષ્ટ્રપતિ બનશે, હરીફ હીથરે હાર સ્વીકારી
- SIR: આગામી સપ્તાહથી દેશભરમાં મતદાર યાદીઓનું ખાસ સંશોધન શરૂ થશે; જાણો કયા રાજ્યોનો પ્રથમ તબક્કામાં સમાવેશ





