GST Council: 3 સપ્ટેમ્બરે યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં દેશની અર્થવ્યવસ્થા અને સામાન્ય જનતા બંનેને અસર કરતો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કાઉન્સિલે લાંબા સમયથી ચર્ચાસ્પદ બનેલા ટેક્સ માળખામાં મહત્વપૂર્ણ ફેરફાર કરતા 12 ટકા અને 28 ટકાના સ્લેબ રદ્દ કરીને હવે માત્ર બે જ સ્લેબ 5 ટકા અને 18 ટકા જાળવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય સાથે એક તરફ સામાન્ય વપરાશની અનેક વસ્તુઓ સસ્તી બનશે તો બીજી તરફ લક્ઝરી તથા હાનિકારક વસ્તુઓ પર ટેક્સનું ભારણ વધશે.

તમાકુ ઉત્પાદનો પર 40% ટેક્સ

બેઠકમાં તમામ રાજ્યોના નાણામંત્રીઓ અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. સૌની એકમત સાથે કાઉન્સિલે તમાકુ સંબંધિત ઉત્પાદનો અને લક્ઝરી વસ્તુઓ પર 40 ટકા જીએસટી લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ શ્રેણીમાં પાન મસાલા, સિગારેટ, ગુટખા, ચાવવાની તમાકુ, જરદા, એડેડ શુગરવાળા કાર્બોનેટેડ ડ્રિંક્સ, સુપર લક્ઝરી વસ્તુઓ, લક્ઝરી કાર, વ્યક્તિગત એરક્રાફ્ટ તેમજ ફાસ્ટ ફૂડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ વસ્તુઓ પર વધારાનો સેસ પણ વસુલાઈ શકે છે, જેથી તેમનો વપરાશ નિયંત્રિત થાય અને આરોગ્ય પર થતી હાનિ ઘટાડવામાં સહાય મળે.

જીવન જરૂરી વસ્તુઓ થશે સસ્તી

કાઉન્સિલના આ નિર્ણયથી સામાન્ય લોકો માટે સૌથી મોટો લાભ એ રહેશે કે દૈનિક જીવનમાં ઉપયોગી થતી ઘણી બધી વસ્તુઓ હવે સસ્તી બનશે. ઘરેલુ વસ્તુઓ જેમ કે હેયર ઓઇલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, સાબુ, ટૂથબ્રશ અને શેવિંગ ક્રીમ પર લાગતો ટેક્સ 18 ટકાથી ઘટાડી 5 ટકા કરવામાં આવ્યો છે.
તે જ રીતે માખણ, ઘી, ચીઝ તથા અન્ય ડેરી ઉત્પાદનો, પ્રી-પેકેજ્ડ નમકીન, ચવાણું, વાસણો, બાળકોના નેપકિન, ડાયપર અને ફીડિંગ બોટલ પર પણ ટેક્સ 12 ટકાથી ઘટાડી 5 ટકા કરવામાં આવ્યો છે. સીવણ મશીન અને તેના ભાગો પણ હવે સસ્તા મળશે.

આરોગ્ય ક્ષેત્રે મોટી રાહત

હેલ્થ સેક્ટરને ધ્યાનમાં રાખીને કાઉન્સિલે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે. હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ હવે ટેક્સ ફ્રી કરવામાં આવ્યા છે, એટલે કે તેના પર હવે જીએસટી લાગશે નહીં. આ ઉપરાંત થર્મોમીટર પર ટેક્સ 18 ટકાથી ઘટાડી 5 ટકા કરવામાં આવ્યો છે, જ્યારે મેડિકલ ગ્રેડ ઓક્સિજન, ગ્લુકોમીટર, ટેસ્ટ સ્ટ્રીપ્સ અને ચશ્મા પર પણ ટેક્સ 12 ટકાથી ઘટાડી 5 ટકા કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી આરોગ્ય સેવાઓ વધુ સરળ અને સસ્તી બનશે.

સ્ટેશનરી પર શૂન્ય ટેક્સ

વિદ્યાર્થીઓ અને શિક્ષણ ક્ષેત્ર માટે પણ રાહતના સમાચાર છે. નકશા, ચાર્ટ્સ, ગ્લોબ્સ, પેન્સિલ, શાર્પનર્સ, ક્રેયોન્સ-કલર્સ, પાઠ્યપુસ્તકો અને નોટબુક્સ હવે સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હશે. ઇરેઝર પર જે પહેલાથી 5 ટકા ટેક્સ લાગતો હતો, તેને પણ હટાવી દેવામાં આવ્યો છે. આથી અભ્યાસ માટે જરૂરી સામાન હવે સસ્તો ઉપલબ્ધ થશે.

ખેડૂતોને રાહત

ખેડૂતોને ધ્યાનમાં રાખીને કાઉન્સિલે ટ્રેક્ટર પર લાગતો ટેક્સ 12 ટકાથી ઘટાડી 5 ટકા કર્યો છે. ટ્રેક્ટરના ટાયર અને તેના ભાગો પર ટેક્સ 18 ટકાથી ઘટાડી 5 ટકા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જંતુનાશકો અને સૂક્ષ્મ પોષક તત્ત્વો પણ હવે 12 ટકાની જગ્યાએ માત્ર 5 ટકા ટેક્સ સાથે ઉપલબ્ધ થશે. જમીન ખેડવા, લણણી અને થ્રેશિંગ માટે ઉપયોગમાં લેવાતા મશીનો પણ હવે સસ્તા મળશે. આથી ખેતીનો ખર્ચ ઓછો થશે અને ખેડૂતોને સીધી રીતે લાભ થશે.

વાહનો થશે સસ્તા

મધ્યમ વર્ગને રાહતરૂપ નિર્ણય વાહન ક્ષેત્રે લેવાયો છે. પેટ્રોલ, LPG અને CNG પર ચાલતી 1200 CC સુધીની અને 4000 MM સુધીની કાર પર લાગતો ટેક્સ 28 ટકાથી ઘટાડી 18 ટકા કરવામાં આવ્યો છે. ડીઝલ કાર (1500 CC અને 4000 MM સુધીની), થ્રી-વ્હીલર વાહનો, 350 CC સુધીની બાઇક અને માલ પરિવહન માટેના વાહનો પર પણ હવે માત્ર 18 ટકા જીએસટી લાગશે.

ઈલેક્ટ્રોનિક ઉપકરણો પર ઘટાડો

ઘરોમાં વપરાતા કેટલાક મહત્વના ઈલેક્ટ્રોનિક ઉપકરણો પર પણ ટેક્સ ઘટાડાયો છે. એર કંડિશનર, 32 ઇંચથી મોટા ટીવી, મોનિટર, પ્રોજેક્ટર અને ડીશવોશિંગ મશીન પર લાગતો ટેક્સ 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે.

લોકોમાં રાહતની લાગણી

જીએસટી કાઉન્સિલના આ નિર્ણયો બાદ સામાન્ય જનજીવનમાં મોટી રાહત જોવા મળશે. એક તરફ જીવન જરૂરી વસ્તુઓ સસ્તી થતાં ઘરેલુ બજેટ પરનો ભાર ઓછો થશે તો બીજી તરફ આરોગ્ય, ખેતી અને શિક્ષણ ક્ષેત્રે પણ રાહત મળશે. જોકે લક્ઝરી કાર, ફાસ્ટ ફૂડ અને તમાકુ ઉત્પાદનો પર વધારેલા ટેક્સથી તે ઉત્પાદનોના ભાવોમાં વધારો થવો નિશ્ચિત છે. સરકારનો હેતુ આરોગ્ય માટે હાનિકારક ચીજવસ્તુઓના વપરાશને કાબૂમાં લેવા તેમજ આવક વધારવાનો છે.

આ રીતે, જીએસટી કાઉન્સિલનો આ નિર્ણય માત્ર ટેક્સ માળખાને સરળ બનાવતો નથી પરંતુ સામાન્ય માણસના હિતને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યો છે. હવે જોવા જેવી વાત રહેશે કે બજારમાં આ ફેરફારોનો પ્રભાવ કેટલો ઝડપથી જોવા મળે છે.

આ પણ વાંચો