સુરત: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 28 ઓગસ્ટ, 2025ના રોજ જારી કરેલા આદેશ દ્વારા સુરત પીપલ્સ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, સુરત પર ₹18.30 લાખ (અઢાર લાખ ત્રીસ હજાર રૂપિયા)નો નાણાકીય દંડ ફટકાર્યો છે. આ દંડ “લાર્જ એક્સપોઝરની રિપોર્ટિંગ ટુ સેન્ટ્રલ રિપોઝિટરી ઓફ ઈન્ફોર્મેશન ઓન લાર્જ ક્રેડિટ્સ (CRILC) – UCBs” અંગે RBIની સૂચનાઓનું પાલન ન કરવા બદલ લગાવવામાં આવ્યો છે.

આ કાર્યવાહી બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 47A(1)(c) સાથે કલમ 46(4)(i) અને 56 હેઠળ કરવામાં આવી છે.આ કાર્યવાહી બેંકની 31 માર્ચ, 2024ની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં કરવામાં આવેલા વૈધાનિક નિરીક્ષણને અનુસરે છે. નિયમનકારી પાલનમાં ખામીઓના સુપરવાઈઝરી તારણોના આધારે, RBIએ બેંકને નોટિસ જારી કરી હતી અને દંડ ન લાગવો જોઈએ તેનું કારણ બતાવવા જણાવ્યું હતું.

 બેંકના લેખિત અને મૌખિક જવાબોની સમીક્ષા કર્યા બાદ, RBIએ નિષ્કર્ષ કાઢ્યો કે બેંકે નિર્ધારિત સમયમર્યાદામાં કેટલાક ઋણખાતાધારકોની લોનની માહિતી CRILCને રિપોર્ટ કરવામાં નિષ્ફળતા દાખવી હતી.RBIએ સ્પષ્ટ કર્યું છે કે આ દંડ નિયમનકારી પાલનમાં ખામીઓને કારણે લાદવામાં આવ્યો છે અને તેનાથી બેંકના ગ્રાહકો સાથેના કોઈપણ વ્યવહારો કે કરારોની માન્યતા પર કોઈ અસર થતી નથી. આ દંડ લાદવામાં આવ્યો હોવા છતાં, RBI બેંક સામે અન્ય કોઈ નિયમનકારી કાર્યવાહી કરવાનો અધિકાર રાખે છે.