Bhavnagar News: ગુજરાત શિક્ષણ વિભાગે સ્વાતંત્ર્ય દિવસ પર એક નાટક દરમિયાન બુરખા પહેરેલી છોકરીઓને ‘આતંકવાદી’ તરીકે દર્શાવવા બદલ ભાવનગર જિલ્લાના કુંભારવાડા વિસ્તારમાં આવેલી ડૉ. એપીજે અબ્દુલ પ્રાથમિક શાળાને ક્લીન ચીટ આપી છે. જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા આ ક્લીન ચિટ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના વહીવટી અધિકારી દ્વારા રજૂ કરાયેલા અહેવાલ પર આધારિત છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તે “સંપૂર્ણપણે અજાણતાં” હતું અને “કોઈની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અથવા સાંપ્રદાયિક સૌહાર્દને નુકસાન પહોંચાડવાના કોઈ દુષ્ટ ઇરાદા વિના” કરવામાં આવ્યું હતું.

Bhavnagar મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના વહીવટી અધિકારી (એઓ) મુંજાલ બડમાલિયા દ્વારા રજૂ કરાયેલા તથ્યપૂર્ણ અહેવાલ મુજબ આ નાટકની કલ્પના વિદ્યાર્થીઓ દ્વારા યુટ્યુબ પર ઉપલબ્ધ સમાન નાટકના આધારે કરવામાં આવી હતી. અહેવાલમાં જણાવાયું છે શિક્ષકો અને વાલીઓના નિવેદનોના આધારે, અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે નાટકના પાત્રોના પોશાક પણ વિદ્યાર્થીઓ દ્વારા નક્કી કરવામાં આવ્યા હતા.

મ્યુનિસિપલ સ્કૂલમાં સ્વતંત્રતા દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન બુરખા પહેરેલી છોકરીઓને ‘આતંકવાદી’ તરીકે દર્શાવવા સામે સ્થાનિક સામાજિક સંગઠન ‘બંધન બચાવો સમિતિ ભાવનગર’ દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. ભાવનગરના ડીઈઓ હિતેન્દ્રસિંહ ડી. પઢેરિયાએ આ મામલે નોટિસ ફટકારી હતી અને વહીવટી અધિકારી પાસેથી હકીકતલક્ષી અહેવાલ માંગ્યો હતો.

25 ઓગસ્ટના રોજ DEOને સુપરત કરેલા તેમના અહેવાલમાં ભાવનગર મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના વહીવટી અધિકારી (એઓ) મુંજાલ બડમાલિયાએ જણાવ્યું હતું કે, “એવું જાણવા મળ્યું છે કે 15 ઓગસ્ટ, 2025 ના રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે શાળા નંબર 51 ખાતે રજૂ કરાયેલ સાંસ્કૃતિક નાટક “ઓપરેશન સિંદૂર” શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા કોઈની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના અથવા સાંપ્રદાયિક સૌહાર્દને નુકસાન પહોંચાડવાના કોઈપણ દુષ્ટ ઈરાદાથી રજૂ કરવામાં આવ્યું ન હતું. જોકે, આ બાબતને ગંભીરતાથી લેતા, આ કચેરીએ શાળા નંબર 51 ના સ્ટાફને વિનંતી કરી છે કે ભવિષ્યમાં આવા કોઈ કાર્યક્રમનું આયોજન ન કરે જે કોઈની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે.”