અમદાવાદ: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને ઈડીના અધિકારીની બનાવટી ઓળખ આપીને સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટ કરીને 8 કરોડ રૂપિયાની ઠગાઈ કરનાર ગેંગના ત્રણ સભ્યોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી 32 મોબાઈલ ફોન, બે લેપટોપ, બે સ્વાઈપ મશીન, 21 ક્રેડિટ અને ડેબિટ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે.

ઝડપાયેલા આરોપીઓ:
1. પપ્પુ સિંહ પરિહાર (41): મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના સોજત તાલુકાના ચારવાસ ગામનો વતની, હાલમાં અમદાવાદના નારોલ વિસ્તારમાં રહે છે.
2. આસિફ શાહ ઉર્ફે ભદો પઠાણ (35): અમરેલી જિલ્લાના લાઠી ગામનો રહેવાસી.
3. વિકાસ ઉર્ફે મુરારી સિંહ (34): મૂળ ઉત્તરપ્રદેશનો વતની, હાલમાં મુંબઈના વસઈ ઈસ્ટમાં રહે છે.
પપ્પુ સિંહ અને આસિફને અમદાવાદથી, જ્યારે વિકાસને મુંબઈથી ઝડપી લેવાયો છે.
મની લોન્ડરિંગના નામે ધમકી આપી:
ક્રાઈમ બ્રાન્ચની તપાસ મુજબ, અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝનને 28 જુલાઈથી 12 ઓગસ્ટ દરમિયાન આરોપીઓએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી વોટ્સએપ કોલ કર્યા હતા. પોતાને ઈડી મુંબઈના અધિકારી તરીકે ઓળખાવીને તેમણે સિનિયર સિટીઝનને જણાવ્યું કે, જેટ એરવેઝના નરેશ ગોયલના મની લોન્ડરિંગ કેસની તપાસમાં તેમના કેનરા બેંક ખાતામાં જમા થયેલા 5 લાખ રૂપિયામાં તેમની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં સહકાર નહીં આપે તો કોર્ટમાંથી 40 દિવસની કસ્ટડી રિમાન્ડ લઈને ધરપકડ કરવામાં આવશે. આ વાત કોઈને ન જણાવવા અને સહકાર આપે તો વીડિયો કોલ દ્વારા કોર્ટમાં રજૂ કરવાની વાત કહી.
7 વખત RTGS દ્વારા 8 કરોડ ટ્રાન્સફર કરાયા:
આરોપીઓએ સિનિયર સિટીઝનને બનાવટી કેનરા બેંકનું ડેબિટ કાર્ડ મોકલ્યું અને સુપ્રીમ કોર્ટનો બનાવટી પત્ર મોકલીને કેસ ચાલુ હોવાનું જણાવ્યું. તેમના ડીમેટ ખાતામાં જમા શેરની માહિતી મેળવી, શેરોને બળજબરીથી વેચવા મજબૂર કર્યા અને રકમ એક બેંક ખાતામાં જમા કરાવી. ફંડ લીગલાઈઝેશન તપાસના નામે 1 ઓગસ્ટથી 12 ઓગસ્ટ દરમિયાન RTGS દ્વારા 7 અલગ-અલગ ટ્રાન્ઝેક્શનમાં 8 કરોડ 5 લાખ 50 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા.
ફાસ્ટફૂડ કંપનીના ખાતામાં રકમ જમા:
તપાસમાં જાણવા મળ્યું કે, યશ બેંકની નારણપુરા શાખામાં બાલાજી ખીરૂ એન્ડ ફાસ્ટ ફૂડ કંપનીના કરન્ટ ખાતામાં 80 લાખ રૂપિયા જમા થયા હતા, જે થોડી જ વારમાં અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર થઈ ગયા. આ કંપનીનો માલિક પપ્પુ સિંહ હતો. તેનો પતો શોધીને પૂછપરછ કરતાં આસિફ અને વિકાસની સંડોવણી બહાર આવી, જેમને પણ ઝડપી લેવાયા.
2% કમિશન માટે ખાતું ભાડે:
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો થયો કે વિકાસ ગેમિંગના પૈસાના ટ્રાન્ઝેક્શનના નામે 1 કરોડથી વધુની લિમિટવાળા બેંક ખાતાઓ ભાડે લેતો હતો. ઝારખંડનો રહેવાસી એલેક્સ મોન્ટી તેને 2% કમિશન આપતો હતો. વિકાસે આસિફ શાહ મારફતે પપ્પુ સિંહના બેંક ખાતાની વિગતો મેળવી હતી.