Ahmedabad: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં થયેલી વિદ્યાર્થીની હત્યાની ચકચારી ઘટનાના પગલે વાલીઓમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં જ 100થી વધુ વાલીઓએ પોતાના બાળકોનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) કઢાવવા માટે અરજી કરી છે. વાલીઓની ચિંતા મુખ્યત્વે બાળકોની સુરક્ષા અને તેમના ભવિષ્યના અભ્યાસને લઈને છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) રોહિત ચૌધરીએ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. વિદ્યાર્થીઓનું અભ્યાસ ખોરવાય નહીં તે માટે તેમણે એક વચગાળાનું આયોજન કર્યું છે. DEO કચેરીના ચાર અધિકારીઓની ખાસ ટીમ રચીને સીધી સ્કૂલમાં તૈનાત કરવામાં આવી છે, જે વાલીઓના પ્રશ્નો સાંભળી તેનો ઉકેલ લાવશે અને બાળકોને અન્ય શાળામાં પ્રવેશ અપાવવા માટે માર્ગદર્શન આપશે.
ટીમનું મુખ્ય કામ એ છે કે વાલીઓને સરળતાથી LC મળી રહે અને વિદ્યાર્થીઓને તાત્કાલિક નવી શાળામાં પ્રવેશ મળે. DEO દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હાલ માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ વિના પણ વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ એડમિશન આપવામાં આવશે. મણિનગર અને આસપાસની શાળાઓને આ અંગે સૂચના આપી દેવામાં આવી છે કે તેઓ સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓને તરત જ પ્રવેશ આપે જેથી તેમના અભ્યાસમાં ખલેલ ન પડે.
વાલીઓ હવે સીધા DEO કચેરીના અધિકારીઓનો સંપર્ક કરીને તેમના બાળકોનું એડમિશન અન્ય શાળામાં સરળતાથી મેળવી શકશે. આ પગલાં વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.
શું હતી ઘટના?
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ-8ના વિદ્યાર્થીએ અન્ય 7-8 સાથીઓ સાથે મળીને ધોરણ-10ના વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. થોડા દિવસ પહેલાં બંને વચ્ચે ધક્કામુક્કી થઈ હતી, જેને લઈને અદાવત ઉભી થઈ. આ જ અદાવત રાખીને આરોપી વિદ્યાર્થીએ સ્કૂલમાંથી છૂટ્યા બાદ પોતાના મિત્રો સાથે ભેગા થઈ ચપ્પુ વડે હુમલો કર્યો. હુમલામાં ધોરણ-10નો વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો અને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ ગંભીર ઈજાઓને કારણે તેનું મોત નિપજ્યું હતું.
આ ઘટનાએ માત્ર શાળા જ નહીં પરંતુ સમગ્ર શહેરમાં હલચલ મચાવી છે, અને હવે વાલીઓ પોતાના બાળકોની સુરક્ષા માટે સ્કૂલ છોડીને અન્ય શાળાઓમાં દાખલ કરવાની દોડધામમાં લાગી ગયા છે.
આ પણ વાંચો
- Kejriwal: નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારનો કોઈ જેલમાં ગયો નથી’, કેજરીવાલનો હુમલો; કોંગ્રેસનો યોગ્ય જવાબ
- દેશ માટે શીશ કપાવી દઈશું, પરંતુ સત્તા માટે સમજૂતી નહીં કરીએ – કેજરીવાલ
- ભાજપ સરકારનું મોટું વચન ખોટું નીકળ્યું, હવે માત્ર 1 લાખની આવક ધરાવતા લોકો સુધી મર્યાદિત લાડો લક્ષ્મી યોજના: અનુરાગ ઢાંડા
- પંજાબના મુખ્યમંત્રી, મંત્રીઓ અને AAP ધારાસભ્યો દ્વારા પૂર રાહત માટે એક મહિનાના પગારનું દાન
- પંજાબ સરકાર દ્વારા ડાંગરની નિર્વિઘ્ન ખરીદી સુનિશ્ચિત કરવા માટે પાકા આયોજન