Manoj Sorathia AAP: ગતરોજ આણંદ ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું. આ સભામાં પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં કોંગ્રેસ પાર્ટીના જીલ્લા મહામંત્રી અને યુવા નેતા વિજય બારૈયા પોતાના 150થી વધુ કોંગ્રેસના કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને પાર્ટીમાં જોડાયા હતા. સાથે સાથે બીજા અનેક રાજકીય અને સામાજિક આગેવાનો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાના ગઢમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસમાં મોટું ગાબડું પાડીને આણંદ જિલ્લાના રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા અને વડોદરાના જિલ્લા પ્રમુખ અશોક ઓઝા સહિત પદાધિકારીઓએ કોંગ્રેસના નેતાઓ તથા કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવીને આમ આદમી પાર્ટીમાં સામેલ કર્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના જિલ્લા મહામંત્રી વિજય બારૈયા આજે કોંગ્રેસનો સાથ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેમની સાથે સાથે ખૂબ જ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સામાજિક આગેવાનો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીની વિચારધારા અને દિલ્હીમાં અને પંજાબમાં અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી સરકારે કરેલા કામોથી પ્રેરિત થઈને આ તમામ આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આમ આદમી પાર્ટી પરીવાર મોટો થઈ રહ્યો છે. ગુજરાતની ઈમાનદાર અને શાંતપ્રિય જનતા આમ આદમી પાર્ટીને પોતાનો વિકલ્પ બનાવી રહી છે. સૌ નવા જોડાયેલા ક્રાંતિકારી યુવાનોનું આમ આદમી પાર્ટી પરિવારમાં સ્વાગત છે. આપણે સૌ મળીને ગુજરાતને ભાજપની ગુલામીમાંથી મુક્ત કરીશું. આમ આદમી પાર્ટી યુવાનોને મોકો આપે છે, માટે અમે ગુજરાતના વધુને વધુ યુવાનોને આમ આદમી પાર્ટીમાં જોડાવવા આમંત્રણ આપીએ છીએ. આમ આદમી પાર્ટી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતની તમામ 10,000 સીટો પર ચૂંટણી લડશે અને પોતાના વિસ્તાર અને ગુજરાતની જનતાના સેવા કરવા માંગતા લોકોને ચૂંટણી લડવાનું મોકો આપશે.