Ahmedabad: ભારતીય રેડીમેડ ગારમેન્ટ્સ અને ટેક્સ્ટાઇલ ઉત્પાદનોની નિકાસ પર 27 ઑગસ્ટથી વધારાના 50 ટકા સહિત કુલ 56 થી 58 ટકા ટેરિફ લાગુ થવાનો છે. આ પગલાને કારણે ભારતને અંદાજે એક લાખ કરોડ રૂપિયા જેટલું નુકસાન થવાની સંભાવના છે. ઇમ્પોર્ટ ટેરિફનો આટલો મોટો બોજ ઉદ્યોગકારો માટે વેઠવો અશક્ય છે. હાલમાં ભારતમાંથી અમેરિકામાં દર વર્ષે અંદાજે 11 અબજ ડૉલરના ગારમેન્ટ્સ અને હોમ ટેક્સ્ટાઇલ પ્રોડક્ટ્સની નિકાસ થાય છે, જેમાંથી માત્ર ગુજરાતમાંથી જ એક અબજ ડૉલરની નિકાસ થાય છે.

કપરા બનશે આવનારા 6-7 મહિના

અમેરિકન પ્રમુખ છેલ્લા ઘણા મહિનાથી ટેરિફ લાદવાની ચેતવણી આપી રહ્યા હતા. જેના પગલે ઘણા નિકાસકારોએ પહેલાથી જ મોટા કન્સાઇનમેન્ટ મોકલી દીધા હતા. અંદાજ મુજબ ઑગસ્ટ 2025ના પહેલા પખવાડિયા સુધીમાં જ 2.5 થી 3 અબજ ડૉલરની નિકાસ થઈ ચૂકી છે. તેમ છતાં અનેક નિકાસકારોના ગોડાઉનમાં મોટી માત્રામાં ઇન્વેન્ટરી પડી રહી છે. હવે ટેરિફ લાગુ થતાં આગામી છ-સાત મહિના સુધી નિકાસ ઠપ થઈ જવાની આશંકા છે.

50 ટકા વધારાના ટેરિફથી સ્પર્ધા ખતમ

ક્લોધિંગ મેન્યુફેક્ચર્સ એસોસિએશન ઑફ ઈન્ડિયાના ચીફ મેન્ટર રાહુલ મહેતાના જણાવ્યા મુજબ, પહેલાથી લાગતા 6 થી 8 ટકાના ટેરિફ સાથે હવે વધારાના 50 ટકા ટેરિફ લાગતાં અમેરિકામાં ભારતીય ગારમેન્ટ્સની સ્પર્ધા જ ખતમ થઈ જશે. હાલમાં 5.5 અબજ ડૉલર એટલે કે 50 હજાર કરોડ રૂપિયાના ગારમેન્ટ્સ જેમ કે ટી-શર્ટ્સ, શર્ટ્સ, લેડીઝ ટોપ્સ અને બ્લાઉઝ અમેરિકામાં નિકાસ થાય છે. હવે આ નિકાસ સાવ જ બંધ થવાની શક્યતા છે.

યુરોપિયન યુનિયન અને નવા માર્કેટમાં તકો

રાહુલ મહેતાએ જણાવ્યું કે, હવે નિકાસકારોએ અમેરિકાને બદલે યુરોપિયન યુનિયન અને મધ્ય પૂર્વના દેશોમાં ફોકસ કરવું પડશે. ઉપરાંત સાઉથ અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવા બજારોમાં નિકાસના નવા રસ્તા શોધવા પડશે.

નિકાસકારોની મૂડી ફસાઈ જશે

ન્યુક્લોથ માર્કેટ સાથે સંકળાયેલા ગૌરાંગ ભગતનું કહેવું છે કે, ગુજરાતમાંથી ખાસ્સી હોમ ટેક્સ્ટાઇલ નિકાસ અમેરિકામાં થાય છે. નવા ટેરિફને કારણે નિકાસકારોનો સ્ટોક અટવાઈ જશે અને તેમની મૂડી ફસાઈ જશે. પરિણામે એલ.સી. અને પેમેન્ટની મુશ્કેલીઓ ઊભી થશે. સરકારે આ સંકટમાં ઉદ્યોગને ટેકો આપવો જરૂરી છે અને ટેક્સ્ટાઇલ નીતિ હેઠળના ફંડ વહેલી તકે રિલીઝ કરવા જોઈએ.

અમેરિકાના ટેરિફના આ નિર્ણયને કારણે ટેક્સ્ટાઇલ ઉદ્યોગમાં ભયનું વાતાવરણ છે. હા, છેલ્લા કેટલાક મહિનામાં નિકાસકારોએ શક્ય એટલું વધુ માલ અમેરિકા મોકલી દીધો છે, પણ આવનારા દિવસોમાં આ ક્ષેત્ર માટે પરિસ્થિતિ કપરા બનશે.

આ પણ વાંચો