Isudan Gadhvi News: આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ દિલ્હી અધ્યક્ષ સૌરભ ભારદ્વાજના ઘરે થઈ રહેલી EDની રેડને લઈને કેન્દ્રની ભાજપ સરકાર પર કડક પ્રહાર કર્યો હતો. ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ફરી એક વાર EDનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને આમ આદમી પાર્ટીના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ સૌરભ ભારદ્વાજના ઘરે ED દ્વારા રેડ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ પોતે જ સ્પષ્ટ શબ્દોમાં કહી ચૂક્યું છે કે ED અને CBI હવે કેન્દ્ર સરકારના પોપટ બની ગયા છે. સૌરભ ભારદ્વાજના ઘરે જે નકલી કૌભાંડના બહાને રેડ કરવામાં આવી રહી છે, તે સમય દરમિયાન તેઓ મંત્રી પણ નહોતા. ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે આજે આખા દેશમાં નરેન્દ્ર મોદીની ડિગ્રીનો મામલો ચર્ચામાં છે. આખો દેશ જાણવા માંગે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીની ડિગ્રી સાચી છે કે ખોટી. આ મહત્વપૂર્ણ મુદ્દાને દબાવવા અને લોકોનું ધ્યાન ભટકાવવા માટે જ AAP નેતાના ઘરે રેડ કરવામાં આવી રહી છે. ગુજરાત અને ભારત દેશની જનતા હવે આ ED અને CBIના નાટકો સમજી ગઈ છે.

Isudan Gadhviએ વધુમાં કહ્યું કે અરવિંદ કેજરીવાલને જેલમાં નાખ્યા પરંતુ કોઈ સબૂતો મળ્યા નહીં, મનીષ સિસોદિયા, સંજય સિંહ અને સત્યેન્દ્ર જૈનને પણ અનેક મહિનાઓ સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ આજદિન સુધી તેમના વિરુદ્ધ એક પણ સબૂત મળ્યા નથી કારણ કે કોઈ કૌભાંડ થયું જ નથી. આમ આદમી પાર્ટીના નેતાઓને તોડવા માટે EDની કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ AAPના નેતાઓ ભાજપની ગંદી રાજનીતિથી ક્યારેય તૂટશે નહીં. અગાઉ પણ ઘણી પાર્ટીના નેતાઓ પર EDની રેડ કરી તેમને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા હતા. પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ ક્યારેય ભાજપમાં સામેલ થશે નહીં. કારણ કે આમ આદમી પાર્ટીના નેતાઓ કોઈ વસ્તુ હાસિલ કરવા માટે રાજનીતિમાં નથી આવ્યા. આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રજાના હિત અને પ્રજાના રક્ષણ માટે રાજનીતિમાં છે. સૌરભ ભારદ્વાજ વિરુદ્ધ પણ કોઈ પુરાવા મળી શકશે નહીં અને તેઓ પણ નિર્દોષ સાબિત થશે. ઈસુદાન ગઢવીએ અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને સંદેશ આપ્યો કે આ દેશ વિકાસ ઈચ્છે છે, આ દેશનો વિકાસ કરો, સરકારો તોડવા માટે તમે સત્તામાં નથી બેઠા. અને હું ખાતરીપૂર્વક કહી દઉં છું કે આમ આદમી પાર્ટીના એક પણ નેતા તૂટશે નહીં.