વડોદરાના પાણીગેટ વિસ્તારમાં નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની પ્રતિમા પર મંગળવારે (26 ઓગસ્ટ) વહેલી સવારે મદાર માર્કેટ નજીક અજાણ્યા તત્ત્વોએ ઈંડા ફેંક્યાની ઘટના સામે આવી છે. આ ઘટનાએ શહેરમાં તંગદિલીનું વાતાવરણ ઊભું કર્યું છે અને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે અને શંકાસ્પદ ત્રણ જેટલા યુવાનોને રાઉન્ડઅપ કર્યા છે.

મામલો શું છે?

વડોદરામાં ગણેશ ઉત્સવની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રતિમાની સ્થાપના થઈ રહી છે અને આગમન યાત્રાઓ પણ કાઢવામાં આવી રહી છે. ત્યારે કેટલાક અસામાજિક તત્ત્વો શહેરની શાંતિ બગાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

માંજલપુર નિર્મલ પાર્ક યુવક મંડળ દર વર્ષે સ્થાપના પહેલા આગમન યાત્રા કાઢે છે. મંગળવારે વહેલી સવારે પાણીગેટથી માંડવી તરફ યાત્રા પસાર થઈ રહી હતી ત્યારે સીટી પોલીસ સ્ટેશન નજીક પ્રતિમા પર ઈંડા ફેંકવામાં આવ્યા હતા.આ ઘટનાએ ભારે હોબાળો મચાવ્યો હતો. પોલીસએ પહોંચીને લોકસમજાવટ કરી મામલો કાબૂમાં લીધો હતો. મંડળ દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા અરજી પણ કરવામાં આવી છે.

ઘટનાની જાણ થતા કોર્પોરેશનના દંડક શૈલેષ પાટીલ તેમજ ભાજપના કોર્પોરેટરો અને પૂર્વ કોર્પોરેટરો સ્થળે પહોંચી ગયા હતા અને અસામાજિક તત્ત્વોની આ હરકતની કડક નિંદા કરી હતી. હાલ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે અને શંકાસ્પદ ત્રણ જેટલા લોકોને કસ્ટડીમાં લીધા છે.

આ પણ વાંચો