Bharuch: ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીના પ્રદેશ અને નર્મદા જિલ્લાના અગ્રણીઓ પર આકરા પ્રહાર કરતાં પ્રશ્ન કર્યો કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે કાઉન્ટર કરવામાં સૌ મૌન કેમ છે? તેમણે ચેતવણી આપી કે જો અત્યારે ચૂપ રહીશું તો ભવિષ્યમાં સૌને ભારે નુકસાન વેઠવું પડશે.

સાંસદ વસાવાએ નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા, દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવા, આદિજાતિ વિભાગના ઉપપ્રમુખ શંકર વસાવા, નર્મદા ભાજપ પ્રમુખ નીલ રાવ તેમજ પ્રદેશના અન્ય નેતાઓને સીધો સવાલ કર્યો કે ચૈતર વસાવા સામે કોઈ અવાજ કેમ ઉઠાવતું નથી.

“માત્ર હું અને ધવલ પટેલ જ કેમ બોલીએ?”

મનસુખ વસાવાએ કહ્યું કે, “હું અને વલસાડના સાંસદ ધવલ પટેલ સિવાય કોઈ બોલતું નથી, બાકી સૌ મૌન કેમ છે?” તેમણે કાર્યકર્તાઓને અપીલ કરી કે ચૈતર વસાવાના કૃત્યો અંગે ઘરેઘરે જઈને લોકોને અવગત કરાવવું પડશે.

દર્શનાબેન દેશમુખની ચૂપકીદી પર સવાલ

દેડિયાપાડામાં એક મહિલાને અપશબ્દ કહ્યાની ઘટનાનો ઉલ્લેખ કરીને મનસુખ વસાવાએ કહ્યું કે એક મહિલા ધારાસભ્ય હોવા છતાં દર્શનાબેન દેશમુખે ચૂપ રહીને ખોટું કર્યું છે.

“AAPના ગુંડાઓ સામે હંમેશા લડ્યો છું”

મનસુખ વસાવાએ જણાવ્યું કે તેઓ છોટુ વસાવા સામે લડ્યા હતા, હવે ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી સામે લડી રહ્યા છે. તેમણે કહ્યું કે આદિવાસી હિન્દુ હતા, છે અને રહેશે, પરંતુ પ્રદેશના નેતાઓ આ હકીકતને સમર્થન આપતા નથી.

“ચૈતર વસાવાથી કોઈ ડરતું નથી”

તેમણે સ્પષ્ટ કર્યું કે ચૈતર વસાવા ભલે જેલમાં છે, પરંતુ તેની ટીમ ભાજપ અને તેમને બદનામ કરવા સક્રિય છે. આવનારા દિવસોમાં AAP ભાજપ માટે મોટો પડકાર બનશે તેમ તેમણે દાવો કર્યો.

“દૂધમાં અને દહીંમાં પગ નહીં ચાલે”

દેડિયાપાડા ચૂંટણી અંગે વસાવાએ જણાવ્યું કે તેમના પરિવારમાંથી કોઈ ઉમેદવાર નહીં હોય, જેને લડવું હોય તેને સીધા મેદાનમાં ઊતરવું પડશે. દૂધ અને દહીંમાં પગ રાખવાની રાજનીતિ સ્વીકાર્ય નહીં હોય.

મનસુખ વસાવાએ કાર્યકર્તાઓને હિંમત ન ગુમાવવાની સલાહ આપતાં કહ્યું કે ચૈતર વસાવાના ગુનાઓ અને ભ્રષ્ટાચાર અંગેની વાત લોકોને અને સોશિયલ મીડિયા સુધી પહોંચાડવી જરૂરી છે. સોશિયલ મીડિયામાં પણ તેની ટીમ સામે મક્કમ કાઉન્ટર કરવું પડશે.

આ પણ વાંચો