Ahmedabad: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ એક અઠવાડિયે ફરીથી શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. હાલ માટે શિક્ષણ વ્યવસ્થા ઓનલાઈન રાખવામાં આવી છે. ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસીસ શરૂ થયા છે, જ્યારે ધોરણ 1 થી 5 માટે હજી કોઈ અભ્યાસક્રમ ચાલુ કરાયો નથી.

જિલ્લા શિક્ષણ અધિકારીનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય

વિદ્યાર્થીઓના ભવિષ્યને બગડતું અટકાવવા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. વચગાળામાં શિક્ષણ ચાલું રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. DEO કચેરીના ચાર અધિકારીઓની ટીમ સ્કૂલમાં તહેનાત કરવામાં આવી છે. આ ટીમ વાલીઓની સમસ્યાઓ સાંભળશે અને જો વાલીઓ પોતાના બાળકને સેવન્થ ડે સ્કૂલમાંથી કાઢીને અન્યત્ર પ્રવેશ અપાવા માંગતા હોય તો તેમને સહાય કરશે.

પ્રોવિઝનલ એડમિશનની સુવિધા

અત્યાર માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) વિના પણ વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં પ્રોવિઝનલ એડમિશન આપવામાં આવશે. DEOએ મણિનગર તથા નજીકની શાળાઓને સૂચના આપી છે કે સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી વિના પ્રવેશ આપવામાં આવે. વાલીઓ સીધા DEO કચેરીમાં સંપર્ક કરી પોતાના બાળકનું એડમિશન બદલાવી શકશે. આથી વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિક્ષેપ ન પડે તેની ખાતરી કરવામાં આવી છે.

શું હતી ઘટના?

અમદાવાદમાં ધોરણ-8ના વિદ્યાર્થીએ અન્ય 7-8 વિદ્યાર્થીઓ સાથે મળીને ધોરણ-10ના વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. થોડા દિવસો પહેલા થયેલા ધક્કામુક્કીના ઝઘડાની અદાવત રાખીને આરોપી વિદ્યાર્થીએ સ્કૂલ પછી મિત્રો ભેગા કરી બદલો લેવા માટે ચપ્પાથી હુમલો કર્યો હતો. હુમલામાં વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે સારવાર દરમિયાન તેની મોત નિપજતાં ચકચાર મચી ગઈ હતી.

આ પણ વાંચો