Gujarat AAP News: અમેરિકામાંથી આવતા કપાસને કેન્દ્રની ભાજપ સરકારે કરમુક્ત કરી નાખ્યું છે. જેનાથી હવે સસ્તી કિંમતનો કપાસ અમેરિકામાંથી આવશે અને ગુજરાતના અને દેશના કપાસના ખેડૂતોને ખૂબ જ મોટાપાયે નુકસાન થશે. આ નિર્ણયને રદ્દ કરવા માટે આજે આમ આદમી પાર્ટી(AAP)ના કિસાન સેલ અને મુખ્ય સંગઠન દ્વારા Gujaratના તમામ જિલ્લાઓના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં આમ આદમી પાર્ટી(AAP)એ જણાવ્યું હતું કે અમે આપના માધ્યમથી ભારત સરકાર સુધી ખેડૂતોને લગતો એક ગંભીર મુદ્દો પહોંચાડવા માંગીએ છીએ. તા. 19 ઑગસ્ટે ભારત સરકારના નાણાં વિભાગે વિદેશથી આયાત થનાર કપાસ ઉપરના તમામ પ્રકારના વેરા રદ કરીને કપાસની મુક્ત આયાતને છૂટ આપી છે. ભારતમાં કપાસનું ઉત્પાદન દેશની કુલ જરૂરિયાત કરતાં થોડું વધારે થાય છે. આવા સંજોગોમાં વિદેશથી વેરામુક્ત કપાસની આયાત કરવાની પરવાનગી આપવી એ ભારતના અને ખાસ કરીને ગુજરાતના ખેડૂતો માટે મરણઘંટ સમાન છે. વડાપ્રધાનને અમે અગાઉ આપેલું વચન યાદ કરાવવું માંગીએ છીએ કે તેમણે 15મી ઑગસ્ટના સ્વતંત્રતા દિવસના લાલકિલ્લા પરથી કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે ખેડૂત, પશુપાલક અને માછીમારોના રક્ષણ માટે તેઓ કટિબદ્ધ છે અને કોઈ આંચ નહીં આવવા દે. હાલ નાણાં વિભાગનો આ નિર્ણય એ વચનના વિરુદ્ધ છે અને દેશના ખેડૂતો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

ઓક્ટોબર માસથી ભારતીય ખેડૂતોનો કપાસ બજારમાં આવવાનો છે. જો તે પહેલા અમેરિકામાંથી સસ્તો કપાસ આયાત થશે તો ભારતીય ખેડૂતોનો કપાસ કોણ ખરીદશે? અમેરિકન ખેડૂતોને વર્ષે લગભગ 54 લાખ રૂપિયાનું સબસિડી સહાય મળે છે, જ્યારે માઇનસ સબસિડી પર ચાલતા ભારતીય ખેડૂત તેમના સામે કેવી રીતે સ્પર્ધા કરશે? અમને લાગે છે કે હાલની વૈશ્વિક પરિસ્થિતિ અને અમેરિકાનું ભારત ઉપરનું દબાણ આ નિર્ણય પાછળનું કારણ છે. પરંતુ આ નિર્ણય ભારત અને ગુજરાતના ખેડૂતોના હિત વિરુદ્ધ છે. અમારી સ્પષ્ટ માંગણી છે કે કપાસ ઉપરથી દૂર કરાયેલા વેરા તાત્કાલિક ફરી લાગુ કરવામાં આવે અને ભારતીય ખેડૂતોને અમેરિકન ખેડૂતોના સસ્તા કપાસ સામે રક્ષણ આપવામાં આવે. ભારત સરકારે કપાસનો ટેકો ભાવ જાહેર કર્યો છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં ખેડૂતોને એથી પણ વધારે ભાવ મળી શકે છે. એવી સ્થિતિમાં આયાત કરવી એ ખેડૂતોને સીધું નુકસાન પહોંચાડવા જેવું છે.

જો ભારત સરકાર પોતાનો આ નિર્ણય રદ નહીં કરે તો આમ આદમી પાર્ટી(AAP) એક જવાબદાર રાષ્ટ્રીય પક્ષ તરીકે, દેશના અને ગુજરાતના ખેડૂતોના હિત માટે સંઘર્ષનો માર્ગ અપનાવશે. હાલ દેશની અર્થવ્યવસ્થા અસ્થિર છે, નાના ઉદ્યોગો અને નાના વેપારીઓ પહેલેથી જ સંકટમાં છે. આવા સમયે કૃષિ ઉદ્યોગને સંકટમાં ધકેલવાનો નિર્ણય દેશના લાંબા ગાળાના હિત માટે હાનિકારક સાબિત થશે. ભારત સરકારનો આ નિર્ણય ખેડૂતોના હિત વિરુદ્ધ, દેશની આર્થિક નીતિઓના વિરુદ્ધ અને લાંબા ગાળે ભારતના વ્યાપારી હિતના વિરુદ્ધ છે. તેથી અમે ભારપૂર્વક માંગ કરીએ છીએ કે ભારત સરકાર આ નિર્ણય તાત્કાલિક રદ કરે.