Ahmedabad: ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા અમદાવાદની સાબરમતી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વાસણા બેરેજના 25 દરવાજા ખોલાતા નદીનો પ્રવાહ વધ્યો છે અને રિવરફ્રન્ટના વોક-વે પર પાણી ફરી વળતાં એ વિસ્તાર બંધ કરી દેવામાં આવ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે.

માહિતી અનુસાર, સાબરમતી નદીમાં ડેમનું પાણી છોડાતા જળસ્તર ઝડપથી વધ્યું હતું. જેના કારણે અમદાવાદના સરખેજ પાસે બાકરોલ ગામની નજીક નદી પર ચાલી રહેલા ઓવરબ્રિજના કામમાં લાગેલા 20-25 જેટલા મજૂરો ફસાઈ ગયા. ઘટનાની જાણ થતા અમદાવાદ ફાયર વિભાગની ટીમ 4-5 વાહનો અને 3 બોટ સાથે તાત્કાલિક પહોંચી હતી. બાદમાં તમામ મજૂરોને નદીના તેજ પ્રવાહમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા.

હાલ, વાસણા બેરેજના ગેટ નંબર 5 થી 29 સુધી કુલ 25 ગેટ ખોલીને 51,126 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં વરસાદ ચાલુ હોવાથી આગામી સમયમાં વધુ પાણી છોડવાની સંભાવના છે. વટવા, વેજલપુર, દસક્રોઈ અને ધોળકા વિસ્તારના લોકોએ તકેદારી રાખવા વિનંતી કરવામાં આવી છે.

સાબરકાંઠાના પ્રાંતિજ પાસે સાબરમતી નદીમાંથી એક વ્યક્તિ તણાયો હતો. પ્રાંતિજ, હિંમતનગર અને મોડાસા ફાયર બ્રિગેડની ટીમે રાત્રીના રેસ્ક્યુ ઓપરેશન ચલાવી તેને સલામત બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તેને પ્રાંતિજ CHC ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

પાણીની વધતી આવકને કારણે ધરોઈ ડેમના 6 દરવાજા 1.82 મીટર સુધી ખોલવામાં આવ્યા છે અને 50,000 ક્યુસેક પાણી છોડાયું છે. હાલ 8,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને ધરોઈ ડેમ 92 ટકા સુધી ભરાઈ ગયો છે. સાબરમતી નદી બે કાંઠે વહેતા જોખમનું માહોલ સર્જાયું છે.

આ પણ વાંચો